નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ફાઈટર પ્લેન રાફેલના ડીલ અને પ્રાઇવેટ સેક્ટરની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આ મોદી સરકારના નિર્ણય સામે સતત હુમલાઓ બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ફ્રાંસના મીડિયાએ પણ આ ડીલ અંગે સવાલો ઉભા કર્યા છે.

ફ્રાંસના મીડિયા દ્વારા ભારતમાં ચાલી રહેલા રાફેલ ડીલની તુલના ૧૯૮૦ના દાયકાના બોફોર્સ ગોટાળા સાથે કરતા સવાલો ઉભા કર્યા છે. ફ્રાંસના પ્રમુખ અખબાર “ફ્રાંસ ૨૪” દ્વારા કહેવામાં આવ્યું, “અંતમાં કેવી રીતે ૨૦૦૭માં શરુ થયેલી ડીલથી ૨૦૧૫માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની બહાર કરતા તેની જગ્યાએ પ્રાઈવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને શામેલ કરવામાં આવી ?”.

“ફ્રાંસ ૨૪”દ્વારા લખવામાં આવ્યું કે, “રાફેલ ડીલની શરૂઆત ૨૦૦૭માં ત્યારે થઇ હતી જયારે ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા ૨૦૦૭માં પોતાના સૌથી મોટા ટેન્ડર જાહેર કરતા ૧૨૬ મલ્ટી રોલ ફાઈટર વિમાન ખરીદવા માટે પહેલ કરી હતી. રક્ષા મંત્રાલય માટે આ ડીલ એટલા માટે જરૂરી હતી કારણ કે, આ તે સમયે દેશમાં ઉપયોગ થઇ રહેલા રશિયાના ફાઈટર પ્લેન જુના થઇ ગયા હતા અને દેશની રક્ષા સામેના પડકાર પૂર્ણ કરવામાં સક્ષમ ન હતા.
મનમોહન સિંહ સરકારમાં ત્રણ વર્ષ સુધી અટકેલી રહી રાફેલ ડીલ

ફ્રાંસના પ્રમુખ અખબાર દ્બારા જણાવવામાં આવ્યું કે, ” આ ડીલ સમયે ભારતનું માનવું હતું કે, આ ડીલથી ભારત સરકારની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની HALની આધુનિક ક્ષમતામાં વધારો થશે અને તે દેશ માટે ફાઈટર પ્લેન બનાવવા માટે તૈયાર થઇ જશે.
જો કે ત્યારબાદ મનમોહન સિંહ સરકારમાં આ ડીલ બીજા ત્રણ વર્ષ સુધી અટકેલી રહી. જ્યાં શરૂઆતમાં આ ડીલ માત્ર ૧૨ બિલિયન ડોલરમાં થવાની હતી તે વધીને ૨૦ બિલિયન ડોલર જેટલી થઇ ગઈ હતી.
૨૦૧૪માં મોદી સરકાર બન્યા બાદ ડીલ અને એમાં ટ્વિસ્ટ :

ભારતમાં મે, ૨૦૧૪માં સત્તા પરિવર્તન થતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી. પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષમાં જ ફ્રાંસના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ ફ્રાંસની કંપનીઓ સાથે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આ ડીલનું એલાન કર્યું હતું.
આ ડીલમાં જણાવ્યા મુજબ, ભારતને માત્ર ૩૬ ફાઈટર પ્લેન ખરીદવાના હતા અને આ માટે સરકારને માત્ર ૮.૭ બિલિયન ડોલર જ ખર્ચ કરવાના હતા. આ ડીલની મુખ્ય વાત એ હતી કે ૩૬ ફાઈટર પ્લેન ફ્રાંસમાં બનાવવામાં આવશે અને તૈયાર વિમાન ભારતને સોપવામાં આવશે.
HAL બહાર અંબાણીની કંપનીની એન્ટ્રી

“ફ્રાંસ ૨૪”ના જણાવ્યા મુજબ, આ ડીલનો મહત્વનો ફેરફાર સામે આવ્યો ત્યારે તમામ ચોંકી ઉઠયા હતા. આ ટ્વિસ્ટ હતું ભારત સરકાર હસ્તકની કંપની HALનું બહાર થવું અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના વડપણ હેઠળની કંપની રિલાયન્સ ડિફેન્સની એન્ટ્રી થવી.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની વાત કરવામાં આવે તો આ કંપની પાસે ૭૮ વર્ષનો રક્ષા ક્ષેત્રે હથિયારો બનાવવાનો અનુભવ છે અને તે આ ક્લોજમાં માત્ર એક જ કંપની હતી જેના પક્ષમાં નિર્ણય કરવામાં આવવાનો હતો. પરંતુ દસોલ્ટ દ્વારા HAL સાથે કોન્ટ્રાક્ટ તોડતા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની સાથે કરાર કરવામાં આવ્યો.

જો કે આ કરારની મુખ્ય વાત એ હતી કે, આ સમયે રિલાયન્સ ડિફેન્સ પાસે રક્ષા ક્ષેત્રના મેન્યુફેક્ચરિંગની વાત તો દૂર છે પરંતુ એવિએશન સેક્ટરમાં પણ કોઈ અનુભવ ન હતો.
રાફેલ ડીલ આગામી ચૂંટણીમાં ઉભી કરશે મહત્વની ભૂમિકા
ફ્રાંસના પ્રમુખ અખબાર દ્વારા જણાવવામાં આવ્યું કે, “વર્તમાન પરિસ્થિતિમાં સ્પષ્ટ છે કે, રાફેલ ડીલ ભારતમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં એ જ મહત્વની ભૂમિકા ભજવશે જે ૧૯૮૦ના દાયકામાં બોફોર્સ ડીલે કર્યું હતું.
મહત્વનું છે કે, ૧૯૮૦ના દાયકામાં જયારે બોફોર્સ ડીલના વિવાદના કારણે રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને સત્તામથી બહાર થવું પડ્યું હતું. જો કે હાલના સમયમાં ભાજપની વર્તમાન મોદી સરકાર નિશાના પર છે.
