કોઇ પણ વ્યક્તિ મોબાઇલને પોતાના જીવની જેમ સાચવે છે, કારણ કે આજની લાઇફમાં મોબાઇલ દરેક માટે મહત્વનો બની ગયો છે. તેમાં પણ ખાસ કરીને મોબાઇલ જ્યારે વાત કરતા કરતા કે પછી એમ જ હાથમાંથી પડે તો સૌ પ્રથમ તેની સ્ક્રીન ચેક કરવામાં આવે છે. પરંતુ હવે તમારે ગભરાવવાની જરૃર નથી કારણ કે કેનેડાના વૈજ્ઞાનિકોએ એવો ગ્લાસ (કાચ) તૈયાર કર્યો છે જે અનબ્રેકેબલ છે. અર્થાત તેમાં ડેમેજ કે ફ્રેક્ચર થવું મુશ્કેલ છે, આ અનબ્રેકેબલ સ્ક્રીનનો ઉપયોગ મોબાઈલ સ્ક્રીનમાં કરવામાં આવશે. આ ગ્લાસ મોબાઈલને સ્ટ્રેન્થ સાથે ટ્રાન્સપરન્સી પણ આપશે.
કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ એક્રેલિક મટિરિયલથી તૈયાર ગ્લાસ પ્લાસ્ટિક સાથે મળતો આવે છે. પરંતુ આ ગ્લાસ તૂટતો નથી. તેનાથી મોબાઈલ સ્ક્રીન તૂટવાનું જોખમ ઓછું કરી શકાય છે. ઊંચાઈએથી પડવા પર તેની સ્ક્રીન ડેમેજ નહિ થાય. વૈજ્ઞાનિકોને ગ્લાસને સ્ટ્રોન્ગ બનાવવાની પ્રેરણા સમુદ્રી જીવ છીપલાંમાંથી મળી છે. મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, છીપલાંનું કવચ ઘણું મજબૂત હોય છે. તેની અંદરનો ભાગ સૂક્ષ્મ પટ્ટીઓમાંથી તૈયાર થાય છે. જે રીતે બ્લોકમાંથી બિલ્ડિંગ બને છે.
‘સાયન્સ જર્નલ’માં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, ગ્લાસ ટ્રાન્સપરન્ટ અને સ્ટ્રોન્ગ હોવાને કારણે તેનો બહોળો ઉપયોગ થાય છે. તેનું તૂટી જવું એ ખામી છે તેથી કેટલીક જગ્યાએ જ તેનો ઉપયોગ થાય છે. નવો અનબ્રેકેબલ ગ્લાસ સામાન્ય ગ્લાસ કરતાં 5ગણો વધારે મજબૂત હોવાથી તે જલ્હી નહિ તૂટે. આ ગ્લાસ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ ગ્લાસની ખામીને તેની ખૂબીમાં બદલી છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે આ અનબ્રેકેબલ ગ્લાસથી સ્ટ્રોન્ગેસ્ટ સોલાર પેનલ બનાવી શકાશે અને 20થી 100ગણો મજબૂત બૂલેટ પ્રૂફ કાચ બનાવી શકાશે.
