શિવસેનામાં વર્ચસ્વની લડાઈમાં એકનાથ શિંદે જૂથને મોટી જીત મળી છે અને ઉદ્ધવ ઠાકરે છાવણીને ઝટકો લાગ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી છે. મંગળવારે, એકનાથ શિંદે જૂથના 12 શિવસેના સાંસદો લોકસભા અધ્યક્ષને મળ્યા અને રાહુલ શેવાળેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપવા માટે પત્ર સુપરત કર્યો. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિવસેના સાથેના બળવા બાદ હવે બળવાખોર નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના જૂથમાં શિવસેનાના સાંસદોનો સમાવેશ કરી રહ્યા છે. ઘણી હદ સુધી તેઓ આમ કરવામાં સફળ પણ થયા. મંગળવારે સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 19માંથી 12 સાંસદોએ એકનાથ શિંદે સાથે પીએમ મોદીની મુલાકાત કરી હતી.
એવી અટકળો ચાલી રહી છે કે એકનાથ શિંદે હવે ધારાસભ્યો બાદ સાંસદોને પોતાના જૂથમાં સામેલ કરવા માંગે છે. જયારે તેઓ લોકસભામાં તેમના જૂથના મુખ્ય દંડક ઈચ્છે છે, જેના પર તેઓ સફળ થયા છે. હવે એકનાથ શિંદે જૂથ પોતાને શિવસેના કહે છે. મંગળવારે એકનાથ શિંદે જૂથે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેને લોકસભામાં શિવસેના જૂથના નેતા બનાવવા માટે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે. એકનાથ શિંદે જૂથના સાંસદ હેમંત ગોડસેએ મીડિયાને જણાવ્યું કે શિંદે સાહેબે અગાઉ પણ કહ્યું છે કે અમે શિવસેના પ્રમુખ હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબના વિચારોને આગળ લઈ જવા માંગીએ છીએ.
બીજી બાજુ, શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે એકનાથ જૂથ પાર્ટીમાં અલગ જૂથ હોઈ શકે છે, પરંતુ તે એક પક્ષ નથી. અસલી શિવસેના ઉદ્ધવ ઠાકરે છે. તેથી જ ઠાકરે જૂથ પક્ષ સાથે કોણ સંકળાયેલું છે તે અંગે નિર્ણય લઈ શકતું નથી. સાથે જ તેમણે કહ્યું કે શિવસેનાના 12 ધારાસભ્યોની સદસ્યતા જોખમમાં છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
દરમિયાન, શિવસેના સંલગ્ન ઉત્તર ભારતીય મહાસંઘના મુંબઈ હોદ્દેદારો શિવસેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને તેમને તેમનો ટેકો આપ્યો હતો. ઉદ્ધવના નજીકના સહયોગી અને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું છે કે પાર્ટી તેના પ્રતીક અને સંગઠન પર નિયંત્રણ માટે લડવા માટે તૈયાર છે. મંગળવારે પત્રકારો સાથે વાતચીત કરતા રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્રને ત્રણ ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરી રહી છે અને શિવસેનામાં વિભાજન ભાજપના કાવતરાનો એક ભાગ છે.
