OMG!/ કુદરતના ખોળે: હોલો – એટલું નાજુક દેખાય અને સુંદર કે લોકો બ્રાન્ડ નું નામ રાખે

ઘૂ ઘૂ ઘૂ સંગીતમય અને સૂરમાં ગાતું હોય તેવા સુમધુર અવાજથી જાણીતું, ગુલાબી અને રતુમ્બડી ઝાંયવાળું રાખોડી રંગના મિશ્રણના સુંદર રંગ વાળું પક્ષી એટલે હોલો! મઘ્યમ રંગ અને ગળાના

Ajab Gajab News

હોલો / Eurasian Dove / Columba decaocto
કદ: ૧૨ ઇંચ/ ૩૦ સેન્ટિમીટર.
એટલું નાજુક દેખાય અને સુંદર કે લોકો બ્રાન્ડ નું નામ રાખે

ઘૂ ઘૂ ઘૂ સંગીતમય અને સૂરમાં ગાતું હોય તેવા સુમધુર અવાજથી જાણીતું, ગુલાબી અને રતુમ્બડી ઝાંયવાળું રાખોડી રંગના મિશ્રણના સુંદર રંગ વાળું પક્ષી એટલે હોલો! મઘ્યમ રંગ અને ગળાના ઉપરના ભાગમાં કાળા રંગનો અડધો કાળો કાંઠલો. શર્ટ/ ખમીસના કોલર જેવો શોભા રૂપ દેખાય માટે અંગ્રેજીમાં યુરેસિઅન કોલર ડોવ કહેવાય છે. તેની પીઠ આછી બદામી અને પાંખો તરફ તે બદામી રંગ જતો જાય તેમ ભૂખરો રાખોડી થતો જાય અને તે રંગ પીંછા તરફ જાય તેમ તેમ પૂંછડી ઘેરા બદામી રંગની થતી જાય. તેની છાતી આછી રતુમ્બડી અને પેટનો નીચેનો ભાગ અને પૂંછડી નીચેથી સુંદર ગુલાબી હોય. રંગની રચના એટલી સુંદર હોય અને તેમાં કાળી ચાંચ અને લાલાશ ઉપરના પગ તેની સુંદરતામાં ઉમેરો કરે. રંગરૂપમાં નાજુક ગરદન ધ્યાનાકર્ષક. સુંદર આંખો ઘેરાં લાલ રંગની હોય છે જે દૂરથી જુવો તો કાળી દેખાય.

ભારતવર્ષના ૧૭ કોમન પક્ષીઓમાંનું એક આ કબુતરના કુળનું પક્ષી છે પણ કબૂતરથી મધ્યમ કક્ષાના શરીર સૌષ્ટવવાળું પક્ષી. કબુતરની સંખ્યા ખુબ વધારે ઝડપથી વધી રહી તેવા સમયે આ હોલાની સંખ્યા શહેરી વિસ્તારમાં ભારતમાં એટલી ઝડપે વધી નથી રહી. હોલાની વિવિધ પ્રજાતિમાં યુરેસિઅન કોલર ડોવ ઉપરાંત સ્માર્ટ ડોવ,હોલી એટલેકે લિટલ બ્રાઉન ડોવ, સ્પોટેડ ડોવ એટલેકે તલિયો હોલો, લોટણ હોલો જેવા એકબીજાથી થોડીક જુદી પડતી જાતો ભારતવર્ષમાં છે. (ફોટો અને વીડિયો લેખક દ્વારા તેમના ઘરે ઉતારેલ છે) અને ઘરે સ્માર્ટ ડોવ પણ બીજા પક્ષીઓ સાથે સહઅસ્તિત્વમાં આનંદ કરતાં હોય છે.

(ફોટો સૌજન્ય: શ્રી દીપક પરીખ)

ઉડતું ઉડતું નીચે ઉતરે ત્યારે થોડોક જુદો હાહ હાહ બે સેકન્ડ માટે ટૂંકો એવો મોટો અવાજ કરે અને બેઠેલું ઉડે ત્યારે પાંખ ફફડવાનો અવાજ આવે જે તરત ધ્યાન ખેંચે.

સુંદર હોલા
ઠંડીમાં ઉડી જાય!
પાછા ન આવે?
હાઈકુ: જગત કીનખાબવાલા

હોલો સ્થળાંતર કરતું પક્ષી નથી અને વસાહતી પક્ષી છે પણ ઠંડકને કારણે તે પોતાના વિસ્તારથી દૂર દૂર સુધી જઈ વસાહત બનાવી લે છે. હુંફાળું વાતાવરણ અનુકૂળ આવે છે અને જરૂરિયાત પ્રમાણે પોતનો પ્રદેશ બદલી લેવા સક્ષમ છે. આવી રીતે જ્યાં પણ જાય ત્યાં વસી જાય છે અને તેમનો વિસ્તાર વ્યાપ વધતો જાય છે. ૧૮૩૮ ની સાલ સુધી તે બલ્ગેરિયામાં હતા તેવી ઇતિહાસમાં નોંધ છે અને લગભગ ૧૯૦૦ – ૧૯૨૦ સુધીમાં યુરોપમાં ફેલાયા જ્યારે ૧૯૪૫થી જર્મનીમાં વસવા માંડ્યા અને છેક વીસમી સદીમાં તે મોરક્કો અને ઇજિપ્ત સુધી પહોંચ્યા.

જ્યાં પણ વધારે ખોરાક મળે તેવો વિસ્તાર કાયમી વસવાટ માટે હોલોની જોડ પસંદ કરે છે. પ્રેમાલાપ માટે એકબીજાની સામે સામે ચાંચ માં ચાંચ ભરાવી ચુંબન કરતા જોવા મળતાં હોય છે. સામાન્ય રીતે તેઓ એકપાત્રીય (monogamous) હોય છે. પોતાના વિસ્તારથી ૧ કિલોમીટર દૂર સુધી માળો બનાવે છે. માળા માટે વૃક્ષની સળીઓ તેમના માટે ઉત્તમ રહે છે. માદા હોલો એક સમયે સફેદ રંગના એક અથવા બે ઈંડા મૂકે છે તેમજ એક વર્ષમાં ૩ થી ૪ ઈંડા મૂકી શકે છે. એવી પણ નોંધ છે કે તેણે એક વર્ષમાં ૬ ઈંડા પણ મુક્યા હોય. ઈંડા મુક્યા બાદ માદા હોલો તેને રાત્રીના સમયમાં સેવે છે અને દિવસના સમયમાં નર હોલો તેને સેવે છે. ૧૪ થી ૧૮ દિવસ સુધી તેઓ બંને વારાફરતી ઈંડા સેવે છે અને ત્યાર બાદ બીજા ૧૫ થી ૧૯ દિવસમાં બચ્ચાં ઉડતા થઇ જાય છે. આ દરમ્યાન બંને પોતાના બચ્ચાંની સંભાળ રાખે છે.

(ફોટો સૌજન્ય: શ્રી દીપક પરીખ)

સમાગમ માટે હોલોને આકર્ષવા માટે નર હોલો જુદી જુદી રીતે ઉડ્ડાણ ભરી પોતાનું કૌવત બતાવે છે. ઊંચેથી એકાએક સીધું નીચી તરફ આવે છે, ગોળ ગોળ નીરવતા પૂર્વક સરકતું (Glide) આવે છે. જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સામાન્ય સંજોગોમાં ઝડપથી સજ્જડરીતે ઉડે છે.

ખોરાક મુખ્યત્વે દાણાં ખાય છે અને અનાજના ભંડાર, ખેતર આસપાસ કે જ્યાં નિયમિત દાણાં પાણી મળે ત્યાં વસવાટ કરે. દાણાં, છોડની કૂંપળ, અને જીવાત તેનો મનગમતો ખોરાક છે. શહેરી વિસ્તારોમાં એક જગ્યાએ બહુ મોટી સંખ્યામાં એક સાથે ન જોવા મળે પણ વિવિધ સ્થળે એક સાથે ૧૦,૦૦૦ થી પણ વધુ જોવા મળ્યાની નોંધ છે. કબુતરની જેમ હોલની અઘાર પણ એસિડિક હોય છે અને તેમાંથી આથો ચઢીને જે ગેસ નીકળે છે તે દરેક માટે નુકસાનકારક છે. શ્વાસમાં જાય ત્યારે ફેફસાને ભારે નુકસાન કરે છે.

દુનિયા એક બધાની જુદી જુદી – અચંબા ભરી…..હાઈકુ: જગત કીનખાબવાલા

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

@જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…