મધ્ય ગુજરાતમાં ભાજપે આ વખતે જબરજસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની 61 બેઠકોમાંથી 48 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસ 13 બેઠક પર આગળ ચાલી રહી છે. આમ ભાજપ ગયા વખતની તુલનાએ અહીં વધુ સારો દેખાવ કરવામાં સફળ રહ્યું છે. મધ્ય ગુજરાતના સારા દેખાવના લીધે ભાજપ જબરજસ્ત સરસાઈ મેળવે તે સુનિશ્ચિત થઈ ગયું છે. મધ્ય ગુજરાતમાં ગયા વખતની ચૂંટણીની તુલનાએ મતદાન ઘટ્યું છે, પરંતુ એટલું ઘટ્યું નથી કે ભાજપને તેનાથી નુકસાન થાય, પરંતુ અહીં ભાજપનો વિજય ભાળી ગયા હોય તેમના વિપક્ષના વફાદાર મતદારોએ ઓછું મતદાન કર્યુ છે.
5 ડિસેમ્બરે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં 64.82 ટકા મતદાન થયું હતું. આ પહેલા 2017ની ચૂંટણીમાં 69.69 ટકા મતદાન થયું હતું. આમ 2017ની ચૂંટણીની સરખામણીમાં મધ્ય ગુજરાતમાં 4.87 ટકા જેટલુ મતદાન ઘટ્યું છે. મધ્ય ગુજરાતમાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, ઘાટલોડિયા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના પરિણામો પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત પંચમહાલની મોરવાહડફ બેઠક પર મંત્રી નિમિષાબેન સુથારના ભાવિનો પણ ફેંસલો થશે. આજે મધ્ય ગુજરાતના તમામ 61 બેઠકના ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષોના ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલશે.
મધ્ય ગુજરાતની 2017ની સ્થિતિ પર નજર
2017માં મધ્ય ગુજરાતની 37 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. 22 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે 2 બેઠક પર અપક્ષોની જીત થઈ હતી. અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પૈકી 15 બેઠક ભાજપે અને 6 બેઠક કોંગ્રેસે જીતી હતી. વડોદરા જિલ્લાની 10 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપે કબજે કરી હતી અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. આણંદ જિલ્લાની 7 બેઠકો પૈકી 5 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભાજપની જીત થઈ હતી. ખેડા જિલ્લાની 6 બેઠક પૈકી 3 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર ભાજપની જીત થઈ હતી. દાહોદ જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસ તો 3 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. પંચમહાલ જિલ્લાની 5 બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી. અહીં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યુ નહોતું. છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. મહીસાગર જિલ્લાની 3 બેઠક પૈકી 1 બેઠક પર ભાજપ, 1 પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી.
ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પર ભાજપ વર્ષોથી વિજેતા બને છે. એમાંય વળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પર ઊભા હોવાથી જીત નિશ્ચિત છે. ભાજપ આ બેઠક પર માત્ર લીડ વધારવા જ મહેનત કરી રહ્યો છે. આ વિસ્તાર પહેલાં સરખેજ મતક્ષેત્રમાં હતો, ત્યારે પણ ભાજપ જ વિજયી બનતો હતો. 2012થી ઘાટલોડિયા બેઠક અલગ પડી હતી, પરંતુ એ પછી પણ લાગલગાટ વિધાનસભા કે લોકસભાની બેઠક ભાજપ જ અંકે કરે છે. જેથી તેનું જોર વધુ છે. તેની સામે કોંગ્રેસનાં અમીબેન યાજ્ઞિક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલ છે. તેઓ પાટીદાર હોવાને કારણે થોડાઘણા વોટ તોડી શકે છે, પણ મનમાં હાર ભાળી ગયા હોય એમ તેમની મહેનત વિસ્તારમાં પ્રમાણમાં ઓછી દેખાય છે. બંને પક્ષના ઉમેદવારોએ એકમાત્ર રોડ શો કરીને સંતોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ
Gujarat election 2022/ભાજપ 37, કોંગ્રેસ 16 બેઠક પર આગળઃ ગયા વખતે નારાજ સૌરાષ્ટ્રે આ વખતે ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા
Gujarat Election Results 2022/ગુજરાતના વલણોમાં ભાજપ આગળ, AAP એ પણ ખોલ્યું ખાતું
