Not Set/ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડ‍ામાં પીવાના પાણી અને ગંદકીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

આ વિકટ સમસ્યાનો દસાડા ગ્ર‍ામ પંચાયત દ્વારા તાકીદે ઉકેલ નહીં આવે તો મહિલાઓ સહિતના ગ્રામજનો પંચાયત કચેરીમાં ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી

Gujarat Others
Untitled 265 સુરેન્દ્રનગર જિલ્લાના દસાડ‍ામાં પીવાના પાણી અને ગંદકીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

સચિન પીઠવા@મંતવ્ય ન્યુઝ

દસાડાના કેટલાક વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા અપાતુ પાણી ન પહોંચતા કાળઝાળ ગરમીમાં મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. બીજી બાજુ દસાડામાં પારાવાર ગંદકીના લીધે રોગચાળાએ માઝા મૂકી છે. આથી દસાડ‍ામાં પીવાના પાણી અને ગંદકીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની પંચાયત કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો હતો. આ વિકટ સમસ્યાનો દસાડા ગ્ર‍ામ પંચાયત દ્વારા તાકીદે ઉકેલ નહીં આવે તો મહિલાઓ સહિતના ગ્રામજનો પંચાયત કચેરીમાં ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

દસાડામાં પાછલા કેટલાક દિવસોથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીનો પ્રશ્ન અતિ વિકટ બનવા પામ્યો છે. દસાડાના કેટલાક વિસ્તારની મહિલાઓને 45 ડીગ્રીના આકરા ઉનાળામાં ભર બપોરે માથે બેડા ઉચકી પીવાના પાણીની એક-એક બુંદ માટે વલખાં મારવાની નોબત આવી છે. બીજી બાજુ કોરોનાની કહેર વચ્ચે દસાડામાં ચારેબાજુ પારાવાર ગંદકીના લીધે રોગચાળાએ માઝા મૂકી છે અને ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે.  બાબતે દસાડા ગ્રામ પંચાયતમાં પાણી બાબતે અને કચરાની ગાડી અને ગંદકી બાબતે વારંવાર દસાડા ગ્રામ પંચાયત, ટીડીઓ અને ડીડીઓને લેખિત અને મોખિક રજુઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયતના સરપંચ અને સરકારી તંત્રનુ પેટનું પાણી પણ હલતું નથી. વધુમાં દસાડા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે સભ્યો કોઈ પંચાયત કચેરીમાં હાજર રહેતા નથી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી હાથ ધરાતી નથી.

આ અંગે દસાડાના જાગૃત નાગરીક બસીરખાનજી ટીલોટ અને દસાડા તાલુકા ડેલીગેટ રૂબિનાબેન નૂરજહાંબેન સલીમભાઈ દીવાન સહિતની મહિલાઓ આજે શુક્રવારે દસાડા ગ્રામ પંચાયત રજૂઆત કરવા ગયા હતા પણ દસાડા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને ઉપસરપંચ સહિતના એક પણ સભ્યોમાંથી કોઈ આવ્યાં નહી એટલે એ બાબતે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે દસાડાના બસીરખાનજી ટીલોટે આક્રોશ સાથે જણાવ્યું કે, ગામમાં સ્થાનિક વહિવટી તંત્રની બેદરકારીના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. એના માટે હાલમાં ગ્રામ પંચાયતમાં નાખેલા વાલ્વ દૂર કરી પ્રેશર વાલ્વ નાંખવામાં આવે તો જ પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય એમ છે. બીજી બાજુ પંચાયત દ્વારા હાઇવેની હોટલોને બેફામ પાણી આપવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી કોઇ વેરો પણ એમની પાસેથી ઉઘરાવવામાં આવતો નથી. બીજી બાજુ ગામમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર છે. આથી દસાડા ગ્રામ પંચાયત દ્વારા તાકીદે પીવાના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો અને દસાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ ભૂખ હડતાળ પર બેસીને વિરોધ પ્રદર્શન કરીશુ.