Not Set/ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના CM ઉમેદવાર નરેશ પટેલ હશે…? આ રાજકીય સમીકરણ પર થઇ રહી છે ચર્ચા..

એક નવી રાજકીય થીયરી ઉદભવી  છે કોંગ્રેસ અને આપ સાથે મળીને નરેશ પટેલને મુખ્યમંત્રીના ચહેરાે બનાવીને ચૂંટણી ભાજપ સામે લડી શકે છે

Top Stories Gujarat

ગુજરાતમાં હાલ ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં આવવાના છે તે મામલે કોઇ સ્પષ્ટ સંકેતો મળ્યા નથી પરતું એક નવી રાજકીય થીયરી ઉદભવી  છે કોંગ્રેસ અને આમ આદમી સાથે  મળીને નરેશ પટેલને મુખ્યમંત્રીના ચહેરાે બનાવીને ચૂંટણી ભાજપ સામે લડી શકે છે,આ તો એક ધારણા અને રાજકીય સમીકરણ છે, શું રાજ્યમાં આવુ થવા જઇ રહ્યું છે.તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે. રાજ્યભરમાં સૌથી મોટી ઉત્તેજના ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના રાજકીય એન્ટ્રીના નિર્ણય પર છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો સાંપડયા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થાય.

રણનીતિ કાર પ્રશાંત કિશોરે આ દિશામાં મધ્યસ્થી કરી છે અને આ મામલે બંને પાર્ટીની નેતાગીરી વચ્ચે સેતુરુપ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં મોટી વસતી ધરાવતા અને રાજકારણમાં નિર્ણાયક પરીબળ સાબિત થતા લેઉવા પટેલ સમાજનાં આસ્થાના પ્રતિક સમા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ  ગર્ભિત ઇશારો જાહેર કર્યા બાદ તેઓ કયા પક્ષ સાથે જોડાશે તે વિશે લાંબા વખતથી અટકળો ચાલી રહી છે અને તમામ પાર્ટીના રાજકીય આગેવાનોથી માંડીને સામાન્ય વર્ગમાં પણ ઉત્તેજના છવાયેલી છે.

ખોડલધામના નરેશ પટેલે કહ્યું છે કે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ અને કયા પક્ષ સાથે જોડાવું તે વિશે ખોડલધામની જ રાજકીય સમિતિ રાજ્યવ્યાપી સર્વે કરી રહી છે અને તેના નિર્ણયના આધારે ફેંસલો લેશે. તેઓએ અગાઉ જ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે સમાજની હા હોય તો જ પોતે રાજકારણમાં એન્ટ્રી કરશે.

ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ એમ ત્રણેય પક્ષના નેતાઓ વખતોવખત એવું જાહેર કરી ચૂક્યા જ છે કે નરેશ પટેલ તેમની સાથે જોડાવાના છે. જો કે, અંતિમ ફેંસલો શું હશે તે વિશે હજુ સસ્પેન્સ જ રહ્યું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર  એવો નિર્દેશ આપ્યો છે કે, કોંગ્રેસ અને ‘આપ’નું ચૂંટણી જોડાણ કરાવવા સાથે નરેશ પટેલને સંયુક્ત ચહેરો બનાવવા માટેની નવી ફોર્મ્યુલા આકાર પામી છે અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે બીડુ ઝડપીને મધ્યસ્થી કરી છે.

બંને પાર્ટીના નેતાઓ સાથે આ ફોર્મ્યુલા સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ફોર્મ્યુલા સફળ થાય તો તેવા સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો રાજકીય ધમાકો થવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને રણનીતિ સોંપવા માટે નરેશ પટેલે જ અગાઉ કોંગ્રેસ નેતાગીરી પર દબાણ સર્જીને સફળતા મેળવી હોવાનું કહેવાય છે અને હવે પ્રશાંત કિશોર મારફત જ નવી ફોર્મ્યુલા પર બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જોડાણ કરાવવા પાછળ એવો તર્ક દર્શાવવામાં આવી રહ્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાય તો કોંગ્રેસના મત ‘આપ’ના ઉમેદવારો મત કાપે  અને ભાજપને તેનો સીધો ફાયદો થઇ જાય. ભાજપ સામે સીધો પડકાર સર્જવા અને તેને સતામાં આવતો રોકવા માટે સંયુક્ત લડાઇ જરુરી છે અને તો જ નિર્ણાયક પરિણામ આવી શકે છે. સુત્રોએ કહ્યું કે, બંને પક્ષોના નેતાઓ આ તર્ક સાથે સહમત છે અને એટલે જ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ મામલે આવતા થોડા દિવસોમાં જ નિર્ણાયક ફેંસલો થઇ જવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સામે જીતવુ ખુબ કઠિન છે અને તેના માટે નાની મોટી પાર્ટીઓ ગઠબંધન કરીને હરાવવા માટેની એક થીયરી પર હાલ કામ ચાલી રહ્યું છે તે કેટલું સફળ નીવડશે એ તો આવનાર સમયે જ ખબર પડશે.