Crime/ આખરે સાઈલેન્સર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, સાઈલેન્સરમાંથી કિંમતી માટી કાઢી 6 હજારમાં વેચતા

આખરે સાઈલેન્સર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, સાઈલેન્સરમાંથી કિંમતી માટી કાઢી 6 હજારમાં વેચતા

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અમદાવાદ શહેરમાં છેલ્લાં 3 મહિનાથી પોલીસનાં નાકે દમ લાવનાર સાઈલેન્સર ચોરી કરતી ગેંગ આખરે ક્રાઈમબ્રાંચનાં હાથે લાગી છે.  ક્રાઈમબ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીનાં આધારે વેજલપુરમાં ફુઝેલ પાર્ક પાસે આવેલા યાશર-3 એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી.  જ્યાંથી ક્રાઈમબ્રાંચે ફતેવાડીનાં મોહંમદ નાઝીમ શેખ, વેજલપુરનાં નાશીરખાન શેખ, મોહંમદ આમીર શેખ, શાહરૂખ શેખ સહિત સરખેજનાં મોહંમદ સુહેલ શેખ અને શાહપુરનાં હિતેષ વાધેલા નામનાં શખ્સની ધરપકડ કરી હતી. તેઓની પાસેથી ઈકો કારનાં 20 હજારની કિંમતનાં 4 સાઈલેન્સર તેમજ ઈલેક્ટ્રીક કટર, હથોડી, છીણી અને ગુનામાં વપરાયેલી મોટર સાયકલ સહિત 70 હજારનાં મુદ્દામાલને કબ્જે કરાયો હતો.

આરોપીની પુછપરછ કરતા ઈકો ગાડીનાં સાઈલેન્સરમાં આવતી માટી કિમતી હોવાથી તેનો ભાવ સારો મળતો હોવાથી આરોપીઓ શહેરમાં અલગ અલગ જગ્યાઓએ રેકી કરતા અને અવાવરૂ જગ્યાએ પડી રહેલી ઈકો કારનાં સાઈલેન્સરની ચોરી કરી તેની માટી કાઢીને શાહપુરનાં હિતેષ વાધેલાને આપતા. તે એક માટીનાં સાઈલેન્સર દીઠ 6 હજાર રૂપિયા આપતો, જેમાંથી બાઈકનાં પેટ્રોલનાં ખર્ચને બાદ કરી જે પૈસા વધે એ સરખા ભાગે તમામ આરોપીઓ વહેંચી લેતા હતા.

આરોપીઓએ વેજલપુર, આનંદનગર, નારોલ, સાણંદ, ઈસનપુર, સરખેજ સહિતનાં અનેક વિસ્તારોમાંથી 16 જેટલા સાઈલેન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.   તેમજ તમામ આરોપીઓ પૈકી મોહંમદ આમીર શેખ સામે તેનાં વતન ઉત્તરપ્રદેશમાં અપહરણનાં ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો હોવાનું ખુલ્યુ છે. ત્યારે ક્રાઈમબ્રાંચે સાઈલેન્સર ચોરી મામલે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.