કાશ્મીરમાં આતંકવાદી હુમલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, અહીં નરસંહાર હજી પણ ચાલુ છે. આતંકવાદીઓ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. શ્રીનગરમાં ફરી એકવાર આતંકવાદીઓએ એક સામાન્ય નાગરિકની હત્યા કરી નાખી છે. રિપોર્ટ અનુસાર સોમવારે સાંજે આતંકીઓએ સેલ્સમેનની હત્યા કરી નાખી હતી. છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓએ બીજી વખત ઘાટીમાં નાગરિકોને નિશાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં એક વર્ષમાં કુલ 33 નાગરિકોના મોત થયા છે. જેમાંથી શ્રીનગરમાં 12, પુલવામામાં 4, અનંતનાગમાં 4, કુલગામમાં 3, બારામુલ્લામાં 2, બડગામમાં એક અને બાંદીપોરામાં એકના મોત થયા છે.
શ્રીનગર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આતંકવાદીઓએ બાંદીપોરાના રહેવાસી મોહમ્મદ ઈબ્રાહીમ ખાન પર ગોળીબાર કર્યો, જેમાં તે ઘાયલ થયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હુમલાખોરોને પકડી શકાય તે માટે વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ સિવાય રવિવારે રાત્રે પણ પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહમ વાનીની આતંકીઓએ હત્યા કરી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનો જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષનો સૌથી ખૂની મહિનો સાબિત થયો છે. ઓક્ટોબરમાં આતંકવાદીઓએ 12 સુરક્ષાકર્મીઓને હિંમતભેર નિશાન બનાવ્યા હતા. આ સિવાય આતંકીઓએ 13 નાગરિકોના જીવ પણ લીધા છે. જો કે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 19 આતંકીઓને પણ ઠાર કર્યા હતા.
કાશ્મીરમાં જે રીતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં ભયનો માહોલ છે. હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહ ઘાટી પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે સામાન્ય નાગરિકો પર થયેલા હુમલા અંગે ચર્ચા કરી હતી. ચાર કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન અમિત શાહે તમામ તપાસ એજન્સીઓ અને સુરક્ષા કર્મચારીઓને ઘાટીમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા સૂચના આપી હતી.હાલ વધારાના 5500 જવાનો ઘાટીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
