Gujarat News ; ગુજરાતમાં સવા વર્ષમાં હરણી બોટકાંડથી લઈ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘણી દુર્ઘટનાઓ બની છે. આ ઉપરાંત પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊઠતા અનેક કેસીસ સામે આવી ચૂક્યા છે. આ પ્રકારની લગભગ 23 જેટલી ચર્ચિત ઘટનાઓ પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે 24 કેસમાં રાજ્ય સરકારથી લઈ પોલીસ કમિશનરો-મ્યુનિસિપલ કમિશનરો સહિત ઉચ્ચ અધિકારીઓ, ગૃહ વિભાગ, GPSC, GPCB જેવી સંસ્થાઓને બરાબરની ઝાટકી હતી. છેલ્લા સવા વર્ષમાં હાઇકોર્ટે જવાબદારોના કાન આમળી ફરજનું ભાન કરાવ્યું હતું.
હાઈકોર્માટે કહ્ણયું હતું કે માણસનો પોલીસ મશીનરીમાં વિશ્વાસ દૃઢ થવો જોઈએ, ડગવો જોઈએ નહીં. હાઇકોર્ટ કચ્છના ભચાઉ ખાતે એક હત્યાના કેસમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા નિર્દોષ વ્યક્તિનું નામ ચાર્જશીટમાં ઉમેરી દેવાતા હાઇકોર્ટે પોલીસ ડિપાર્ટમેન્ટનો ઉધડો લીધો હતો. જેમાં કોર્ટના હુકમ પ્રમાણે કચ્છના IGP જે.આર.મોથલિયા અને ગાંધીધામના SP મહેન્દ્ર બગડિયા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. હાઇકોર્ટની કાર્યવાહીમાં સામે આવ્યું હતું કે અરજદાર અને ફરિયાદી દ્વારા એકસરખું નિવેદન આપવામાં આવ્યું છે કે અરજદાર આ કેસમાં આરોપી નથી. તેમ છતાં પોલીસે તેનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે નાખ્યું છે. હાઇકોર્ટે આ કેસની સુનવણીમાં પોલીસની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે સામાન્ય વ્યક્તિ ચીસ પાડી ઊઠે ,ઓથોરિટીને લેટર લખે કે તપાસ પક્ષપાતપૂર્ણ થઈ રહી છે, ત્યારે કોર્ટ પણ ડિસ્ટર્બ થાય છે.
જામનગરમાં પોલીસ દ્વારા સગીરને માર મારવાનો કેસ: શું DSP ઓફિસ એ પોસ્ટ ઓફિસ છે? એવી ટકોર હાઈકોર્ટે કરી હતી.
જામનગરના કાલાવડમાં જેટકો કંપની દ્વારા ખેતરમાં વીજપોલ નાખવા મુદ્દે ખેડૂત પરિવારના સભ્યો અને સગીર દ્વારા વિરોધ કરાતા સરકારી કામમાં રુકાવટ બદલ તેની પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસે સગીર તેમજ અન્ય એક પરિવારના સભ્યને ઉઠાવીને માર માર્યો હતો. આ સુનવણીમાં કોર્ટે જામનગર પોલીસનો ઉધડો લીધો હતો. તેમજ કોર્ટના ઓર્ડરની નકલ રાજ્ય પોલીસ વડાને પણ મોકલી આપી હતી. તેમજ જામનગર DSPને કોર્ટમાં ઉપસ્થિત થવા જણાવ્યું હતું. કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટરને કહ્યું હતું કે તમે અરજદારને પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો તેના ફોટો જોયા છે? અરજદારે જ્યાં સારવાર લીધી તેના મેડિકલ રિપોર્ટ જોયા છે? શું DSP ઓફિસ એ પોસ્ટ ઓફિસ છે કે જ્યાં કોઈ પણ અરજી આવે એટલે જે-તે પોલીસ સ્ટેશનના PIને મોકલી દેવાના. DSPએ મેટરમાં જોયું કે તેમાં શુ હતું? સગીરને જે ભાગે માર મારવામાં આવ્યો છે તે ચોક્કસ ભાગે પોલીસ જ માર મારી શકે બીજા કોઈની તાકાત નથી. કોર્ટે કહ્યું હતું કે બ્રિટિશ સમયમાં કહેવાતું કે દેશમાં ત્રણ દાદા છે ગણપતિ દાદા, હનુમાન દાદા અને પોલીસ દાદા પરંતુ હવે દેશ આઝાદ થયો છે. દેશમાં કાયદાનું શાસન પ્રવર્તે છે. છેલ્લે સગીરને માર મારનાર પોલીસ કર્મચારીઓ પર FIR કરવામાં આવી હતી. કોર્ટે રખડતાં ઢોર, અને ટ્રાફિક અંગે ઝાટક્યા, આ પ્રશ્ન દૂર કરવા કોમન સેન્સની જરૂર
19 જુલાઈ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં આજે રોડ-રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે થયેલી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ એ. એસ. સુપેહિઆ અને એમ.આર. મેંગડેનીને બેન્ચે ટ્રાફિક મુદ્દે AMC અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ઓથોરિટીએ ટ્રાફિક સમસ્યા મુદ્દે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઇટરીઝ જેવી જગ્યાએ વાહન પાર્ક થાય ત્યાં કશું થઈ શકે નહીં! ત્યારે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે તમે લોકોને કાયદાનું ઉલ્લંઘન જોઈ રહેશો ? આંખ બંધ કરી લેશો? તમે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કયાં પગલાં લીધાં છે? તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આરોપીઓને કાયદાનો ડર નથી. તમારે કાયદાનો અમલ કરાવવો નથી. તમે CCTV કેમેરાની વાત કરી હતી. આ અકસ્માતમાં સાબિત થયું છે કે ત્યાં CCTV કેમેરા નહોતા. જ્યારે સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનર વતી ઉપસ્થિત રહેલા મનીષા શાહે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રાફિક હેન્ડલિંગ માટે વૈજ્ઞાનિક મિકેનિઝમ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોર્ટે તેમને અટકાવતાં કહ્યું હતું કે તેને સાઈડમાં મૂકો, આ માટે કોમન સેન્સની જરૂર છે. અમે જોઈએ છીએ કે બધી જ લારીઓ, ફાસ્ટફૂડ, પાનના ગલ્લા જ્યાં હોય ત્યાં લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અડધા રોડ ગેરકાયદે પાર્કિંગથી ભરેલો છે.
RBIમાં નિમણૂક પહેલાંના મેડિકલ ચેકઅપના નિયમો જોઈ હાઇકોર્ટ પણ આશ્ચર્યમાં
ભરૂચના એક યુવાને RBIમાં આસિસ્ટન્ટની નોકરીની પરીક્ષા પાસ કરતા તેનું બેંક દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને આંખની તકલીફ માયોપિયા હોવાનું સામે આવતા બેંકે યુવકની નિમણૂક રદ કરી હતી. જેથી યુવાને હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જ્યારે મેડિકલ ફિટનેસના બેંકના નિયમો અને પ્રશ્નો જોયા ત્યારે કોર્ટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.જે કેટલાક નિયમો નીચે મુજબ છે:
– તમને કબજિયાતની તકલીફ છે? – તમને ડિપ્રેશનના અટેક આવે છે?તમે કોઈ માનસિક સારવાર લીધી છે? – તમે વારે ઘડીએ પેશાબ જાઓ છો? – તમે તોતડાઓ છો – તમારું માસિક નિયમિત છે કે અનિયમિત? – છેલ્લા મહિનાના માસિકની તારીખ? – જો તમે લગ્ન કર્યા હોય તો પ્રેગ્નન્સીનું સ્ટેજ?
કોર્ટે કહ્યું હતું કે આ નિયમો પક્ષપાતી અને જૂના છે. તેમાં સુધારાની જરૂર છે. સમય પ્રમાણે લોકોને સમાન તક ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમનો સામાજિક સમાવેશ કરવો જોઈએ. આપણે ફક્ત શું સામાન્ય માણસો માટેનો સમાજ બનાવ્યો છે? તમે ઓપરેશન કરાવો તો જ તમને નિમણૂક અપાય તેવી શરત મૂકી શકાય નહીં. તમે નિયમોને મશીનની જેમ લાગુ ન કરી શકો. દરેક સંસ્થામાં સંવેદનશીલતા હોવી જરૂરી છે. આ સાથે જ કોર્ટે અરજદારને RBI આ નિયમોને ચેલેન્જ કરવાની પરવાનગી આપી હતી.
કોર્પોરેટર થઈને ગાળો બોલાય?
વડોદરાના કોર્પોરેટર જહાભાઈ દેસાઈએ પોતાની સામે ફતેહગંજ પોલીસ દ્વારા દાખલ કરાયેલો ગુનો રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની પર આક્ષેપ હતો કે, 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા ગઈ ત્યારે કેટલાક લોકોએ હાથમાં લાકડીઓ લઈને તેમના કામમાં રુકાવટ ઊભી કરી, કોર્પોરેશનના કર્મચારીઓને ધમકાવીને ગંદી ગાળો બોલી તેમજ ટોળાના કેટલાક લોકોએ કોર્પોરેશનના કર્મચારીઓને માર મારી ગાયો છોડાવી ગયા હતા. હાઇકોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે FIRમાં આરોપીઓમાં અરજદારનું નામ નથી. ચાર્જશીટમાં 506(2) ની કલમ ઉમેરાઈ છે. તેમને ફક્ત ગાળો બોલી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે કોર્પોરેટર થઈને ગાળો બોલાય? અરજદાર રિતેશકુમારના પિતા બ્રિજેશભાઈ લાવડિયા જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. માર્ચ મહિનામાં તેમનો મૃતદેહ જૂનાગઢમાં એક ઝાડ પર ગળે ટુંપો દીધેલ હાલતમાં મળ્યો હતો. પોસ્ટમોર્ટર્મ રિપોર્ટમાં તેમનું મૃત્યુ ખૂબ મારવામાં આવ્યો હોવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. મૃતકના શરીર પર ઇજાનાં ગંભીર નિશાન પણ હતાં. જેથી તપાસ માટે તેમના પુત્રએ પોલીસ FIR નોંધવા ડિપાર્ટમેન્ટ સમક્ષ માંગ કરી હતી. જે પોલીસ દ્વારા ન નોંધાતા પુત્ર રિતેશકુમારે પિતાને ન્યાય અપાવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજદારના વકીલની રજૂઆત સાંભળીને જજ સમીર દવેએ ઓર્ડર કર્યો હતો કે જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને જૂનાગઢ DSP બીજા દિવસે કોર્ટમાં હાજર રહેશે.
આ કેસમાં મહિલા Dysp ખુશ્બુ કાપડિયા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોર્ટે પોલીસને ટકોર કરી હતી કે કેટલાય મહિનાથી ફક્ત પોલીસ તપાસ જ કરી રહી છે? CCTV ફૂટેજ કોની પાસે છે? DSPને કોર્ટે કહ્યું હતું કે તમે મૃતકના ફોટો જોયા? જુઓ 04 કે 06 જ છે! કોઈના માર્યા વિના આવાં નિશાન આવે નહીં. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યા હતા કે Dysp સામે આક્ષેપ છે! તો જિલ્લાની તપાસ કોણ કરશે? FIR કેમ નથી નોંધાઇ? આરોપી પણ ત્યાં જ છે અને તપાસ પણ તે જ કરશે? આ મુદ્દે તત્કાલીન જૂનાગઢ DSPએ બે અઠવાડિયાનો સમય માંગતા કોર્ટે કહ્યું હતું કે પાંચ મહિનાથી જૂનાગઢ પોલીસે કશું ના કર્યું! બે અઠવાડિયામાં શું કરશે? 302માં પણ ફક્ત તપાસ કરવાની? કોર્ટે ઓર્ડર કર્યો હતો કે ઘટના સમયના જૂનાગઢના DSP રવિ તેજા અને PI એમ.એમ.વાઢેર કોર્ટમાં બીજા દિવસે સવારે 11 વાગે ઉપસ્થિત રહેશે. કોર્ટે ઘટના સમયના DSP રવિ તેજા અને PI એમ.એમ.વાઢેર ઉપસ્થિત રહેતા DSP રવિ તેજાને ખખડાવતા પૂછ્યું હતું કે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં તમે શું કર્યું? કોર્ટે પોલીસને ખખડાવતા કહ્યું હતું કે સ્ટાફના માણસને મારી નાખ્યો હોય તો તમારી FIR નોંધવાની ફરજ નથી? એક ડ્રાઇવર મર્યો છે એટલે ધ્યાન નહીં આપવાનું? વળી કોર્ટેની મંજૂરી વગર આ કેસમાં તપાસ અન્ય અધિકારીને સોંપાતા આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું કે પોરબંદરના Dysp આ કેસમાં તપાસ નથી કરી ? સરકારી વકીલને પૂછ્યું હતું કે કોર્ટની પરમિશન વગર તપાસ પોરબંદરના Dyspથી બદલીને જૂનાગઢના Dyspને કેમ ટ્રાન્સફર કરાઇ?
GPCBને કહ્યું હતું કે તમે બધું AMC માથે થોપો છો, તમને તમારી જવાબદારી વિશે ખબર છે?
સાબરમતી નદી પ્રદૂષણ અંગે ડ્રેનેજમાં ગેરકાયદે જોડાણ વિરુદ્ધ ડ્રાઇવ વિશે કોર્ટે કહ્યું હતું કે AMCને હાઇકોર્ટની નોટિસ મળી એટલે ડ્રાઇવ ચલાવે છે, પોતાની ફરજ સમજીને નહીં! જો AMCએ પહેલાંથી જ ડ્રાઇવ કરી હોત તો ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર જોડાણ થાત નહીં. કોર્ટે AMCને કહ્યું હતું કે તમારા વર્તમાન STP પ્લાન્ટ ક્ષમતા મુજબ કામ કરતા નથી. આવી રીતે કામ કરશો તો પ્રદૂષણ કેમ અટકશે? AMC અને GPCB દ્વારા સાબરમતીમાં પ્રદૂષણ અટકાવવા કેમ નક્કર પગલાં લેવાતાં નથી. AMC એકલું જ આ કામ કરવા સક્ષમ છે. જ્યારે કોર્ટ વખતો વખતની સુનાવણીમાં AMCને પ્રશ્ન કરે ત્યારે તેઓ જે-તે મુદ્દા પર એફિડેવિટ ફાઈલ કરે છે. કોર્ટ સમક્ષ ટુકડે ટુકડે અને અસ્પષ્ટ જવાબ નહીં સાબરમતીમાં પ્રદુષણ અટકાવવા ચોખ્ખો રોડમેપ અને ટાઇમલાઈન રજૂ કરો.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે તમે ઓથોરિટી છો. તમારું કામ તમારે જાતે કરવાનું છે. તેમાં સમસ્યા આવે તે તમારે જ દૂર કરવાની છે. કોર્ટ તમારા કામની સમસ્યા સાંભળવા નથી બેઠી. તમે તમામ ગેરકાયદે કનેક્શન કાપી નાખ્યા તેવું કહ્યું નથી. ફક્ત સમસ્યાઓ વર્ણવો છો. તમે જવાબદાર વ્યક્તિ છો, તમારી પાસે વિઝન હોવું જોઈએ. તમે નક્કર પગલાં કેમ નથી લેતા. આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરો.
કોર્ટે GPCBને કહ્યું હતું કે તમે બધું AMC માથે થોપી દો છો. તમને તમારી જવાબદારી અને સત્તા વિશે ખબર છે? જો તમે તેને ન વાપરવા માંગતા હોય તો અમને જણાવો. કોર્ટે GPCBને ફટકાર લગાવી હતી કે નોટિસ આપ્યા બાદ તે એકમોએ નિયમ પાળ્યા કે નહીં તે તમે જોયું? નોટિસ આપી તે કામગીરીની કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી એટલે તમારું પેપરવર્ક પૂરું! આ નોટિસો મહિનાઓ પહેલાં તમે આપી છે તેને એફિડેવિટમાં કામગીરી તરીકે તમે અત્યારે કોર્ટ સમક્ષ મૂકો છો? કોર્ટે AMC અને GPCBને જણાવ્યું હતું કે પોતાની કામગીરીનો કોર્ટ સમક્ષ બચાવ કરવા કરતાં યોગ્ય પગલાં લો નહીંતર કોર્ટ તમારા માટે અઘરો નિર્ણય આપશે. તમારા ઓફિસરને કહો કે તેઓ આ મુદ્દે હળવો એપ્રોચ ન રાખે. કામગીરી અશક્ય છે તેમ ન કહો, ટીમ બનાવો અને કામ કરો. અમને સાબરમતી નદીમાં ઝીરો પ્રદૂષણ જોઈએ છે. તમે તે કેવી રીતે કરશો તે એફિડેવિટમાં જણાવજો.
કોર્ટે STP પ્લાન્ટ અપગ્રેડેશન અંગે AMCની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે AMC તેના કામને વધારી ચઢાવીને પ્રસ્તુત કરી રહ્યું છે. નવા પ્લાન્ટ અને વર્તમાનમાં પ્લાન્ટમાં અપગ્રેડેશન માંગતા પ્લાન્ટને લઈને AMC એ DPR રિપોર્ટ નથી બનાવ્યો તો વર્લ્ડ બેંક કેવી રીતે લોન આપશે? કોર્ટે કહ્યું હતું કે લોકોને લગતી બાબત હોવાથી તમારી પાસે કામની આશા રાખવામાં આવી રહી છે. AMC કોર્ટના અઘરા હુકમની રાહ જુએ નહીં. હાઇકોર્ટે AMCને ખખડાવતા જણાવ્યું હતું કે એએમસી કોર્ટના હુકમને ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે ન લે, કોર્ટ સાથે નંબર ગેમ ન રમે અને કોર્ટને મૂર્ખ ન સમજે. આ છેલ્લી ચેતવણી એએમસીને આપવામાં આવે છે. કોર્ટ સમક્ષ આગામી મુદતમાં વર્તમાન STP પ્લાન્ટ અને તેની કેપેસિટી સાથે જ નવા બનનાર એસટીપી પ્લાન્ટ, તેની કેપેસિટી તેમજ તે ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેની સાથેનો વિસ્તૃત રિપોર્ટ મૂકવામાં આવે.
તમારા કમિશ્નર અને કલેકટર રાજા જેવા હોય છે…
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચે સોલા તોડકાંડ પ્રકરણમાં સમાચાર અહેવાલોને આધારે આ ગંભીર ઘટનાનું સુઓમોટો સંજ્ઞાન લેતા નોંધ્યું હતું કે આરોપી ટ્રાફિક જવાનોએ દંપતી પાસેથી બળજબરીથી પૈસા પડાવી લીધા છે. પોલીસે બળજબરીથી કેબમાં પ્રવેશ કર્યો હતો. કેબમા સવાર દંપતીને ધમકી આપી હતી. 01 વર્ષના બાળક સાથેની માતાને પોલીસે હેરાન કરી છે. આ ઘટનાને જોતા મહિલાઓ માટે સ્પેશિયલ સુરક્ષાની જરૂર હોવાનું કોર્ટને લાગ્યું હતુ. જેથી મહિલા પોલીસ ઓફિસરને પણ રાત્રે ડ્યુટી સોંપવા જણાવ્યું હતું. કોર્ટે પોલીસને મહિલા ઓફિસરોની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ ઘટનામાં રક્ષક જ નાગરિકો માટે ભક્ષક બન્યા છે. આ કેસમાં કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના થવી જોઈએ. લોકો શું ફરિયાદ કરવા સરકારી ઓફિસોની બહાર ઊભા રહેશે ? કોણ તેમને પ્રવેશ આપશે ? કલેકટર અને કમિશ્નર તો ભગવાનની જેમ વર્તે છે ! તેઓ રાજા હોય તેવું તેમનું વર્તન હોય છે. સરકારી ઓફિસોમાં કોને સરળતાથી પ્રવેશવા દેવાય છે? કોર્ટ બધું જાણે છે! કોર્ટ પાસે વધુ બોલાવો નહીં! આખરે આ કેસમાં પોલીસ સામે ફરિયાદ કરવાની હેલ્પલાઇન 14449 ગુજરાતને મળી હતી.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરને ટકોર્યા
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેર નિવેદનની નોંધ લીધી હતી. કમિશ્નરે શહેરમાં બે-પાંચ ટકા ક્રાઈમ રેટ વધે કે ઘટે તો કોઈ ફેર પડતો નથી તેમ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જવાબદાર પોલીસ અધિકારીએ આવા નિવેદન ન આપવા જોઈએ. જે સંદર્ભે એડવોકેટ જનરલે કહ્યું હતું કે આ બાબતને ગંભીરતાથી લેવાશે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશ્નર શહેર પોલીસના સૌથી ઉચ્ચ હોદ્દેદાર છે. દરેક ન્યુઝ પેપરમાં તેમનું નિવેદન છપાયું છે. તેમના માથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાના પાલનની મોટી જવાબદારી છે. આવા નીચલા સ્તરના નિવેદનથી લોકોમાં નકારાત્મક સંદેશ જાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ વેસ્ટ રિવરફ્રન્ટ ઉપર એક આત્મહત્યાના સંદર્ભમાં શહેર પોલીસ કમિશ્નરે અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરી સંદર્ભે મીડિયાએ પૂછેલા એક સવાલના સંદર્ભમાં ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. હાઇકોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ તજજ્ઞ કમિટીનો રિપોર્ટ જણાવે છે કે આવા જર્જરિત બ્રિજ પડશે ત્યારે ખબર પણ નહીં પડે. તાત્કાલિક પગલાની જરૂર છે. તમારે અગાઉ શું પત્ર વ્યવહાર થયો તેની સાથે કોર્ટને કોઈ લેવાદેવા નથી. વળી તજજ્ઞ કમિટીનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ સ્પાઇરલમાં આવ્યો હતો. તેને કોઈ એફિડેવિટમાં મુકાયો નહીં, કોઈએ તેને જોયો નહીં. જો આમ જ કામ કરશો તો કોર્ટ દ્વારા તમારી વિરુદ્ધ પગલા માટે તૈયાર રહેજો. હાઈકોર્ટના આદેશોને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેશો. કોર્ટે ઉગ્ર રૂપ ધારણ કરતા જણાવ્યું હતું કે જર્જરિત બ્રિજની હાલતને તમે કેઝ્યુઅલી લઈ રહ્યા છો. અહીં લોકોની જિંદગીનો સવાલ છે. તમે આવી એફિડેવિટ ફાઈલ કરી અને માફી પણ નથી માંગવી અને દલીલો કરો છો! તજજ્ઞ કમિટીના રિપોર્ટ બાદ તમે શું પગલાં લીધા? આ હાઈકોર્ટના હુકમનો અનાદર છે. શું ઓફિસર કોર્ટનો હુકમ વાંચવા સક્ષમ નથી? કોર્ટે નોંધ્યું હતું કે તજજ્ઞ કમિટીના રિપોર્ટની કોઈ તપાસ થઈ નથી, કોઈ કાર્ય થયું નથી. કામગીરી ન થવા બદલ કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
કોર્ટે રોડ અને બિલ્ડિંગ વિભાગની એફિડેવિટમાં પૂછ્યું હતું કે એક્શન રિપોર્ટ ક્યાં છે? રોડ અને બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી નગરપાલિકા ઉપર જવાબદારી નાખીને છટકી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે તમામ ભેગા મળીને મિટિંગ કરે અને કામ કરે, દિવાળીની ઉજવણી બંધ કરે. કોર્ટે અધિકારીઓને ખખડાવતા ઉધડો લીધો હતો કે નગરપાલિકા સીધી અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગ હસ્તક આવે છે. તેના મુખ્ય અધિકારીને સસ્પેન્ડ કરો અને અર્બન વિભાગના સેક્રેટરી પોતાની જાતને પણ સસ્પેન્ડ કરી નાખે નહીં તો કોર્ટ તમને બધાને સસ્પેન્ડ કરશે.કલેકટરની એફિડેવિટ જોતા સરકારી વકીલે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ બ્રિજ ઉપર હેવી વાહનો હવે પસાર થઈ શકતા નથી. જો કે કોર્ટ કલેકટરની એફિડેવિટથી પણ નારાજ હતી.કોર્ટે કહ્યું હતું કે કલેકટરનું આવું સ્ટાન્ડર્ડ હોય,શું થશે!
જો કે આ સંપૂર્ણ વાતમાં સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીના પ્રિન્સિપાલ સેક્રેટરીને સાંકળવામાં આવતા કોર્ટે કહ્યું હતું કે અર્બન ડેવલપમેન્ટ વિભાગ સીધો જ આર્કીયોલોજી વિભાગનો સંપર્ક કરી શકે તેમ છે. સ્પોર્ટ્સ વિભાગના સેક્રેટરી પાસે જવાની ક્યાં જરૂર હતી? સરકાર સીધા કામને કરોળિયાના જાળાની જેમ ગૂંચવી નાખે છે. આ લાલ ફિતાશાહી જેવું કામ થઈ રહ્યું છે. આર્કીયોલોજી ડિપાર્ટમેન્ટ કેટલાક કારણોથી બીજા ખાતાની અંદર હોય પણ એનો મતલબ એમ નથી કે તમે સીધો તેનો સંપર્ક ના કરી શકો!
GPSC જાતીય સંવેદનશીલતા રાખે, નિયમો માણસો માટે હોય છે વસ્તુઓ માટે નહીં: હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં રાધિકા પવારે એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે અરજી કરી હતી. જેની સુનાવણી જજ નિખિલ કેરિઅલની કોર્ટમાં ચાલી હતી. અરજદારે વર્ષ 2020માં GPSC દ્વારા GMDCમાં આવેલા ફાયનાન્સ અને એકાઉન્ટ વિભાગની આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ વર્ગ 02 માટેની ભરતી માટે અરજી કરી હતી. જેનું પરિણામ 08 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર થયુ હતું. જેમાં અરજદાર સફળ જાહેર થયા હતા. આમ પરીક્ષાનું ત્રણ વર્ષ બાદ પરિણામ જાહેર થયું હતું. તેના ઇન્ટરવ્યૂ સમયે તે ગર્ભવતી હતી અને ડિલિવરી સમય પણ તે જ હતો. જેથી તે ઇન્ટરવ્યૂ આપી શકી નહોતી. આ અંગે તેને અગાઉથી GPSCને જાણ કરી હતી. GPSCએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નહોતી. જેથી કોર્ટે ઓર્ડર આપતા નોધ્યું હતું કે GPSCએ જાતીય અસંવેદનશીલતા દાખવી છે. મહિલા બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે નહીં. GPSCએ અરજદારની અરજી ધ્યાને રાખવા જેવી હતી. સરકારી વકીલનું કહેવું હતું કે આવી અરજીઓને એન્ટરટેઇન કરવાથી આવી અરજીઓ માટે કોર્ટના દ્વાર ખુલી જશે. જો કે કોર્ટે કહ્યું હતું કે આ અસામાન્ય પરિસ્થિતિઓનો મામલો છે. નિયમો માણસો માટે હોય છે વસ્તુઓ માટે નહીં. મહિલા ગર્ભવતી હતી તો શું તે ઇન્ટરવ્યૂ આપવા આવીને જીપીએસસી ભવનમાં પ્રસુતિ આપશે?
હરણી બોટ દુર્ઘટનામાં VMCની બરાબરની ઝાટકણી કાઢી હતી
કોર્ટે હરણી બોટ દુર્ઘટના સુઓમોટો સુનવણીમાં પ્રશ્ન કર્યો હતો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી શું છે? શું તે કોન્ટ્રાક્ટ આપીને સુઈ ગઈ હતી? આ વોટર બોડીઝની દેખભાળ રાખવાની જવાબદારી કોર્પોરેશન અંતર્ગત આવે તો કોર્પોરેશને જવાબદારી ક્યાં નિભાવી? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બે વખત કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી. જેની સામે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે તો પછી કોર્પોરેશને શું પગલા લીધા? શું કોર્પોરેશને કોન્ટ્રાકટરને નોટિસ આપી હતી? સરકારે સ્વીકાર્યું હતું કે આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા! કોર્ટે આ ઘટના અંગે વડોદરા મહાનગર પાલિકાને જવાબદાર ગણાવી હતી. સાથે જ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે વર્ષ 2017માં આ કોન્ટ્રાક્ટ વર્તમાન કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો.
કોર્ટે તપાસ રિપોર્ટ સંદર્ભે ટકોર કરી હતી કે રિપોર્ટમાં મ્યુનિસિપલ કમિશનરનો નહીં, પરંતુ ટેકનિકલ ઓફિસરોનો વાંક કાઢવામાં આવ્યો છે. આ રિપોર્ટ ટેન્ડર પ્રક્રિયામાં મ્યુનિસિપલ કમિશનરના રોલના તપાસ માટે મંગાવ્યો હતો, જુનિયર ઓફિસરોને જવાબદાર ઠેરવવા માટે નહીં. તપાસ કમિટીએ કમિશનરનો વાંક કાઢ્યો નથી, અમે આ રિપોર્ટ ઉપર ઓર્ડર પાસ કરી શકીએ છીએ. આ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવા લાયક જ નથી. કોટિયા પ્રોજેક્ટને મ્યુનિસિપલ કમિશનરની સહી બાદ ઓર્ડર આપવામાં આવ્યો હતો. સામાન્ય માણસ પણ સમજી શકતો હતો કે કોટીયા પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ માટે લાયકાત ધરાવતો નથી. કોર્ટ હુકમ કરશે તે અઘરો હશે, માટે આ રિપોર્ટ સરકાર પાછો ખેંચે અને ફરી તપાસ કરીને ફ્રેશ રિપોર્ટ ફાઇલ કરે. કોર્ટે તત્કાલીન મ્યુનિસીપલ કમિશ્નર એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે શિસ્ત સંબંધી પગલાં ભરવા હુકમ કર્યો હતો.
ઇન્ડસ્ટ્રીયલ કચરો જાહેર જગ્યાએ નાંખવા મામલે સુરત કલેક્ટરને હાજર થવા આદેશ કર્યો હતો
ગુજરાત હાઇકોર્ટમાં કમલેશ સુરતીએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે સુરતના હજીરા વિસ્તારમાં સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓમાંથી નીકળતા સ્લેગને ચોર્યાસી વિસ્તારમાં ગામડાઓની સરકારી જમીન અને ખેતીની જમીન ઉપર નાખી દેવામાં આવે છે. જે માણસ માટે નુકસાનકારક છે અને હવાનું પ્રદૂષણ તેમજ જમીનનું પ્રદૂષણ કરે છે. આ મુદ્દે નિર્દેશ આપ્યા હોવા છતાં પણ ઓથોરિટીએ આ સંદર્ભે પગલા ભર્યા નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ હાઇકોર્ટે સુરત કલેકટરને આવું કરતા લોકો વિરુદ્ધ પગલા ભરીને એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરવા જણાવ્યું હતું. જો કે કલેક્ટર દ્વારા એફિડેવિટ ઉપર એક્શન રિપોર્ટ કરવા માટે વધુ સમયની માંગ કરવામાં આવી હતી. જ્યારે GPCBએ જણાવ્યું હતું કે જે મટીરીયલનો નિકાલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવે છે. તે હાનિકારક નથી અને આ સ્લેગનો નિકાલ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે કોર્ટે GPCBનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, જો તે માનવ હેલ્થને નુકસાન કરતું ન હોય તો શા માટે તેના પ્રોસેસિંગ યુનિટ માટે પહેલાથી પરમિશન લેવી પડે છે? વળી સ્ટીલ ઉત્પાદન કરતા 14 યુનિટ પૈકી કોઈએ પણ સ્લેગ પ્રોસેસિંગ માટેની પરમિશન લીધી નથી. કોર્ટે કહ્યું હતું કે તે કોઈ મોનિટરિંગ કમિટી નથી. જે લોકોને નુકસાન થયું છે તેનો દંડ કોર્ટ GPCBના અધિકારીઓના પૈસામાંથી વસુલશે. અગાઉ પણ કલેકટરને આ અંગે એફિડેવિટ ફાઇલ કરવા કહ્યું હતું એની જગ્યાએ ડેપ્યુટી કલેક્ટરે એફિડેવિટ કરી હતી તે પણ અધૂરી હતી. કોર્ટે હુકમ કર્યો હતો કે સુરત GPCBના યુનિટ હેડ આ અંગે ખુલાસો આપશે. તેમજ કોર્ટના આદેશ છતાં કલેક્ટરે કોઈ પગલાં નહીં ભરતા કલેકટર પર્સનલ એફિડેવિટ સાથે આવનારી મુદતે કોર્ટમાં ઉપસ્થિત થશે. ડેપ્યુટી કલેકટર કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તો સ્લેગ ઉત્પાદક આર્સેલર મિત્તલની નિપ્પોન સ્ટીલે સ્લેગ માર્કેટમાથી પરત લેવાની GPCBને બાહેંધરી આપી હતી.
GNLU રેપ કેસ મામલે કહ્યું હતું-કાયદાના વિદ્યાર્થીઓનો જ અવાજ દબાવી દેવાય તો કોણ બોલશે!
ગુજરાત હાઇકોર્ટમાં એક વિધાર્થીની સાથે રેપ અને એક વિદ્યાર્થીની જાતીયતાને લઈને હેરાનગતિ મામલે ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ હાઈકોર્ટને સીલ કવતમાં 22 ફેબ્રુઆરીએ રીપોર્ટ સોંપ્યો હતો. જેને આજે કોર્ટે ખોલીને જોયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આ રીપોર્ટ બહુ ડરામણો છે. GNLU એ ઘટનાને દબાવવા પ્રયત્ન કર્યો છે. રીપોર્ટ ખૂબ ડીટેઇલમાં છે. કમિટી સમક્ષ રેપ, શોષણ, ભેદભાવ, હોમો ફોબિયા, અવાજ દબાવી દેવો, આંતરીક ફરિયાદ કમિટીના હોવી, વિદ્યાર્થીઓને આંતરિક ફરિયાદ કમિટીની જાણ ના હોવી વગેરે ફરિયાદો મળી ફેકટ ફાઈન્ડિંગ કમિટીને મળી છે. GNLUના રજીસ્ટ્રારે અગાઉ હાઇકોર્ટમાં એફિડેવિટમાં જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી. આ લોકો કેવી રીતે વિદ્યાર્થીઓને સાચવશે? આ રિપોર્ટમાં આરોપીઓના નામ પણ છે. કાયદાના વિદ્યાર્થીઓનો જ અવાજ દબાવી દેવાય તો કોણ બોલશે! આ ઘટના દબાવી દેવા પોલિટિકલ હસ્તક્ષેપ પણ થયો હતો. હાઈકોર્ટના નિર્દેશ અગાઉની ફેકટ ફાઈન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સત્ય બહાર ના આવે તેવું કામ કરાયું હતું. ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીના સભ્ય સામે પણ ફરિયાદ મળી છે. આ રિપોર્ટ ઉપર હાઈ લેવલ તપાસની જરૂર છે. GNLUના રજિસ્ટ્રાર અને ડિરેક્ટર ઉપર પણ આક્ષેપો થયા છે. જૂની કમિટીએ કોર્ટમાં સોગંધ ઉપર ખોટું કહ્યું હતું. GNLUના પુરુષ પ્રોફેસર ઉપર પણ આક્ષેપો થયા છે. જો લો કોલેજમાં આવું ચાલતું હોય તો આપણે કોઈને મોઢું ના બતાવી શકીએ!
આવકવેરા વિભાગે મૃત વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ કરતાં ઝાટકણી
કોર્ટે આવકવેરા વિભાગની ઝાટકણી કાઢી હતી કે મૃત્યુ પામેલા માણસ સામે આવકવેરા વિભાગ કાર્યવાહી કરવા માંગે છે. આવકવેરા વિભાગ હંમેશા ટેકનિકલ માહિતી આપે છે. આઈટી વિભાગે મોકલેલી નોટિસને રદ્દ કરવામાં આવે છે. આવકવેરા વિભાગના અધિકારીઓ જૂના જમાનાના અઘિકારીઓની જેમ વર્તે છે. ફેસલેસ અસેસમેન્ટનો મતલબ શું?
સરકારનું આશ્રમ શાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન…
આશ્રમ શાળાની શિક્ષકોની એક મેટરમાં અરજદારના વકીલે દાવો કર્યો હતો કે આશ્રમ શાળાઓમાં 06 હજાર જેટલી જગ્યા ખાલી છે. ચીફ જજે સરકારી વકીલને જણાવ્યું હતું કે આશ્રમશાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકોનો રેશિયો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇમ્પ્રૂવમેન્ટ વગેરે સાથે ડિટેઇલ એક્શન પ્લાન રજૂ કરે. જો યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષકો ન હોય તો બાળકો શા માટે શાળાએ આવે? પછી સ્કૂલ ડ્રોપઆઉટ વધે જ ને! રાજ્ય સરકાર તેની ફરજમાં બેદરકાર સાબિત થાય છે. અરજદારના વકીલે જનાવ્યુ હતું કે રાજ્યની આશ્રમશાળાઓમાં સૌથી વધુ ડ્રોપઆઉટ રેશિયો છે. હવે સરકાર પ્રવાસી શિક્ષકોથી જ કામ ચલાવી લે છે, જેઓ કાયમી હોતા નથી. તેમને ફકત લેક્ચર દીઠ પૈસા મળે છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે કહ્યું હતું કે સરકારનું આશ્રમશાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન છે.
યહાં ‘ઐસે હી ચલતા હૈ’ નહિ ચાલે…
હાઇકોર્ટમાં એક એક કેસના સંદર્ભમાં રજૂઆત કરવા આવેલા એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહને હાઇકોર્ટે કહ્યું હતું કે સરકારી અધિકારીઓ દ્વારા ફાઈલ કરાતી એફિડેવિટ યોગ્ય હોતી નથી. તેમાં પૂરી માહિતી આપવામાં આવતી નથી. ‘યહાં તો ઐસે હી ચલતા હૈ ‘ એપ્રોચ કાઢી નાખવો પડશે. હાઇકોર્ટમાં ‘ચલતા હૈ’ હવેથી ચાલશે નહીં.
સિંહ જંગલનો રાજા છે તે નક્કી કરશે ક્યાં રહેવું…કોર્ટે જંગલ અને રેલવે વિભાગને ખખડાવ્યું
હાઇકોર્ટે આકરી ટકોર કરતા જણાવ્યું હતું કે માનવીની અસંવેદનશીલતાથી ઘણા સિંહોની હત્યા થઈ છે. હવે કોર્ટ તેને સાંખી લેશે નહીં. એક સિંહને ગુમાવતા બીજો સિંહ તૈયાર થતા કેટલો સમય વહી જાય છે! જાન્યુઆરી મહિનામાં જ 02 સિંહના આકસ્મિક મૃત્યુ થયા હતા. રેલવેના વકીલ તેના ઓફિસરોને બચાવવા માટે પ્રયત્ન કરે નહીં. પરંતુ કોર્ટ સમક્ષ ઝીરો અકસ્માત પ્લાન આપે. સિંહો વધશે તો તેમની ટેરીટરીનો પણ વિસ્તાર થશે જ. સિહો જ નક્કી કરશે કે તેમને ક્યાં રહેવું અને શું કરવું! તેઓ જંગલના રાજા છે ! રેલવે પોતાની જવાબદારી ફોરેસ્ટ કે અન્ય વિભાગ પર ઢોળે નહીં. રેલવે અને ફોરેસ્ટ વિભાગ સાથે બેસીને આયોજન કરે. કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી કે સિંહ તમારા બાળકો છે. જો તમારા બાળક બહાર જાય અને અકસ્માત થાય તો તપાસ ના કરો?
ગેરકાયદે ધાર્મિક દબાણનો કેસ: કોર્ટે કહ્યું હતું કે સરકાર ન્યાયતંત્ર સાથે રમત રમી રહી છે?
ગુજરાત હાઇકોર્ટમાં જાહેર જગ્યાઓ પર ધાર્મિક દબાણ મુદ્દે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2022 સુધી રાજ્ય સરકારે ઓળખી કાઢેલા દબાણો પૈકી 3972 ધાર્મિક દબાણ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે કુલ દબાણ 23.3 ટકા જેટલા થવા જાય છે. જો કે રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીએ ફાઈલ કરેલી એફિડેવીટમાં જાહેર કરેલા નિર્દેશો અનુસાર પૂરતી કામગીરી ન થઈ હોવાથી, તેમજ કેવા પ્રકારની કાર્યવાહી કરાઇ તેનો ઉલ્લેખ ન હોવાથી ફરીથી એફિડેવિટ ફાઈલ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો હતો. સરકારે કામગીરી અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા 06 મહિનાનો સમય માગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સરકારે કોઈ પ્રપોઝ્ડ એક્શન પ્લાન કોર્ટ સમક્ષ મૂક્યો નથી. આવું સરકારી વલણ અયોગ્ય છે. દરરોજ રાજ્ય સરકાર દ્વારા નાની અને માહિતી વગરની એફિડેવિટ હાઇકોર્ટ સમક્ષ ફાઈલ કરવામાં આવે છે. જ્યારે કોર્ટ તે અંગે પ્રશ્ન પૂછે તો ફરીથી એફિડેવિટ ફાઇલ કરવા માટે મુદત માગવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે સરકાર ન્યાયતંત્ર સાથે રમત રમી રહી છે? રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી પોતાની જવાબદારી રેવન્યુ વિભાગ ઉપર કેવી રીતે ઢોળી શકે? જેની જવાબદારી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય તે આવો જવાબ કેવી રીતે આપી શકે! ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ જાહેર જગ્યાઓ ઉપરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કર્યા નથી. શા માટે રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી વિરુદ્ધ કોર્ટ પગલાં ના ભરે?
ગુજરાત હાઇકોર્ટમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટે જામીન અરજી મૂકી હતી. અરજદાર ઉપર આક્ષેપ છે કે તેને ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકો પાસેથી ખાતામાં રહેલા ગેરકાયદે પૈસા મેળવવા 40 થી 50 ટકા કમિશન માંગ્યું હતું, પણ તે ખાતા ફ્રીઝ હતા. અરજદારે પોલીસકર્મી એ.એમ.ગોહિલ સાથે મળીને કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ છે. પરંતુ એ.એમ.ગોહિલ સામે ચાર્જશીટ થઈ નથી. Crpc 169 મુજબનો રિપોર્ટ એ.એમ.ગોહિલ સંદર્ભે ફાઈલ કરાયો છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે અરજદાર એક પોલીસ અધિકારી છે અને તેને પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા લોકો પાસેથી પૈસા માંગ્યા અને લીધા હતા. કોર્ટે અરજદારની જામીન ફગાવતા નોધ્યું હતું કે આ કેસ પોલીસના પાવરના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ છે.
PI ખાચરની જામીન અરજીનો મામલો-મોસાળમાં જમણ અને માં પીરસનારી
સરકારી વકીલ PI ખાચરની જામીન અરજી સામે દલીલો કરવા ઊભા થતા કોર્ટે કટાક્ષ કર્યો હતો કે ગુજરાતીમાં કહેવત છે કે ‘મોસાળમાં જમણ અને માં પીરસનારી’. કોર્ટે કહ્યું હતું કે ત્રણ મહિનામાં આરોપીને પકડવા તપાસ અધિકારીએ શું કર્યું? લેન્ડ ગ્રેબિંગની મેટરમાં આરોપીઓ સામે વોરંટ નીકળતા હોય છે તો આ કેસમાં કેમ નહિ ? પોલીસ તરફથી કોઈ પ્રયત્ન આરોપીને પકડવા કરાયો નથી. કોર્ટે આરોપીને આગોતરા જામીન આપવા નકારાત્મક વલણ દર્શાવ્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે આરોપી સામાન્ય માણસ નહિ પણ પોલીસ અધિકારી છે. તેમને રક્ષણ આપી શકાય નહિ, ફક્ત તેમની સામે તપાસ થવી જોઈએ. PI તરીકે તપાસ અધિકારી સામે હાજર થવાની તેમની ફરજ છે. મોસાળમાં જમણ અને માં પીરસનારી ‘
અમદાવાદના વેપારીનું અપહરણ કરીને ધમકી આપવામાં કેસમાં હાઇકોર્ટે સરકારને ડહાપણ વાપરી સાનમાં IPS સામે પગલાં લેવાનું કહેતા 13 જૂને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે આ ઘટના અંગે તપાસ ક્રાઈમ બ્રાન્ચને આપી હતી. તપાસ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું હતું કે IPSને તપાસમાં કોમન મેન તરીકે ટ્રિટ કરવા જોઈએ અને જે પોલીસ ઓફિસર આ કેસને લઈને કોર્ટમાં હાજર છે, તેમને ફિલ્ડ ઉપર કામ કરવું જોઈએ. અગાઉ આ કેસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે જેવી રીતે બેંક તેમના કર્મચારીઓને ઓછા વ્યાજે લોન આપતી હોય છે અને સેવિંગ ઉપર વધારે વ્યાજ આપતી હોય છે. તેવી રીતે તમે પોલીસમાં હોવ અને ગુનો કરો તો FIR ના થાય તપાસ ના થાય તેવી સુવિધા આપવામાં આવે છે! કોન્સ્ટેબલથી લઈને SP સુધી એવું સમજે છે કે તેમની સામે કોઈ પગલા લઈ શકે તેમ નથી! તેઓ લોકોને ધમકી આપે છે,લાંચ પણ માંગે છે. હાઇકોર્ટે સરકારને સૂચના આપી હતી કે તેઓ ગૃહ વિભાગના સચિવ અને DIG પાસે રિપોર્ટ માંગો કે પોલીસ સામે કેવી રીતે કાર્યવાહી કરાય છે? કોર્ટે ટકોર કરી હતી કે યુનિફોર્મ પહેર્યો હોય તો ક્રિમિનલ કાર્યો કરાય નહીં! યુનિફોર્મની કદર કરવી જોઈએ.
કોર્ટે ઝાટકણી કાઢી હતી કે અમદાવાદ પોલીસ કમિશ્નરે પણ આ ઘટના અંગે આંખ આડા કાન કર્યા છે. શું SP અને કમિશ્નર બેચ મેટ હતા? સામાન્ય માણસોની અરજી પોલીસ લેતી નથી કે પછી કચરાપેટીમાં જતી રહે છે ? DGP, પોલીસ કમિશ્નર અને DCPને આ ઘટના અંગે રજૂઆત કરાઈ હતી. શું આ પોલીસની મેન્ટાલીટી છે કે તેને પોલીસ સામેની ફરિયાદ નહીં લેવાની ? ચૂંટણી પતી ગયા પછી પણ શું પોલીસ બીઝી છે ?
કોર્ટે જણાવ્યું હતું કે આજે જેની સામે આક્ષેપ થયા છે તે SP છે, આવતીકાલે કમિશ્નર બનશે, આ અરજી પાછી લેવડાવવા તે પ્રયત્નો પણ કરશે. આ ઘટનામાં SPને આરોપી બનાવવામાં આવે. SP લોકોને આવી રીતે ધમકાવી શકે નહીં! અરજદારને SPએ જે નંબરથી ફોન કર્યો તે નંબર ગૃહ વિભાગના સેક્રેટરીને આપવામાં આવે. જો તે નંબર SPનો નીકળે તો તેની સામે ફિટ કેસ થશે. સામાન્ય રીતે પોલીસ પોતાના નંબરથી વાત કરતી નથી, એટલે ટાવરનું લોકેશન કાઢવામાં આવે અને ટેકનિકલ રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે ટકોર કરી હતી કે દરેક નાગરિકને સારા ગવર્નન્સમાં રસ હોય છે. લોકોને પોલીસ પાસેથી આશા હોય છે. બધી જગ્યાએથી હારેલા લોકો છેલ્લે પોલીસ પાસે જાય છે એટલે IPSએ આ ઘટના અને ફરિયાદ અંગે જવાબ આપવો પડશે. IPS પોતાનો પ્રાઇવેટ વકીલ રોકશે, સરકાર તેને વકીલ આપશે નહીં. IPSના કહેવાથી ચાર પોલીસ કર્મચારીઓએ અરજદારનું કિડનેપ કર્યું હતું. કોર્ટ રાજ્ય સરકારના ડહાપણ ઉપર IPS સામે કાર્યવાહી કરવાનું છોડે છે. કોર્ટે કહ્યું હતું કે લોકોને લાગે કે IPS ઓફિસર દાદાગીરી કરશે તો કોર્ટ આંખો બંધ કરી દેશે, તેથી આ મુદ્દે તપાસ જરૂરી છે. કોર્ટે ટકોર કરી હતી આવો SP કેવી રીતે ડિસ્ટ્રિક્ટને હેડ કરી શકે? કોર્ટે આ કેસની સુનવણીમાં વધુ ટિપ્પણી કરી હતી કે અહીં એક કેસ એવો આવ્યો હતો જેમાં એક 18 વર્ષના યુવક સામે તેની ગાડીમાં બેઝબોલ સ્ટીક હોવાથી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. શું તે રમતો ખેલાડી હોય તો બેઝબોલ સ્ટીક રાખી ના શકે? આવા મુદ્દે જો FIR થતી હોય તો આવા ગંભીર આક્ષેપ સામે પોલીસ કેમ FIR નોંધતી નથી. આ કેસમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ સંકળાયેલા હશે !
રાજકોટ આગ દુર્ઘટના:આવા અધિકારીઓને આધારે સિસ્ટમ ચાલી શકે નહીં!
રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટના અંગે સુઓમોટો પિટિશન લેતા હાઇકોર્ટે રાજ્ય સરકારને ત્રણ આદેશો આપ્યા હતા. જેમાં સૌ પ્રથમ તો હાઇકોર્ટે સરકારે રચેલી SITનો રિપોર્ટ જોવા ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે આ દુર્ઘટના સંદર્ભે અધિકારીઓનો રોલ તપાસવા સત્ય શોધક કમિટીની રચના કરાવી છે. રાજ્યની દરેક શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી માટે અધિકારીઓને આદેશ આપ્યા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ સંદર્ભે અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના સેક્રેટરીને મ્યુનિસિપલ બોડીની કામગીરી જોઈને રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે.
હાઇકોર્ટે સુઓમોટો સુનવણીમાં ઓથોરિટીને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે દુર્ઘટનાઓ બન્યા બાદ સરકાર પગલા ભરે છે ત્યાં સુધી સુષુપ્ત રહે છે. કોન્ટ્રાક્ટ સાઈન કરનાર ઓફિસરો નાના બાળક હોતા નથી. આ ઓફિસરોને કોઈનો ડર રહ્યો નથી. કોર્ટે કહ્યું હતું કે સરકાર નાની માછલીઓને પકડે છે. ગેમ ઝોનમાં ઉદ્ઘાટનમાં ગયેલા કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી. કોર્ટે સરકારી અધિકારીઓની બેદરકારી બદલ કહ્યું હતું કે આવા અધિકારીઓને આધારે સિસ્ટમ ચાલી શકે નહીં!
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહી છેઃ હાઇકોર્ટ
પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકશાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ મામલે 18 જુલાઈએ સુનાવણી યોજાઈ હતી.
આ સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહેલા સરકારી વકીલે કહ્યું હતું તે ગૃહ વિભાગ દ્વારા જે એફિડેવિટ કરવામાં આવી છે. તેમાં વધુ સ્પષ્ટીકરણની જરૂર છે, તે એફિડેવિટમાં દર્શાવેલા આંકડા કોર્ટ સમક્ષ મૂકી શકાય તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં જેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ જગ્યાઓ કેમ ભરાતી નથી? આજના સમયમાં જ્યારે બેરોજગારી વધુ છે, ત્યારે કોન્સ્ટેબલ અને PSIની વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર મોટી ભરતી કરતી નથી! સરકાર રાજ્યની આખી મશીનરી અને પ્રજાના પૈસાનો ઉપયોગ કરીને પણ અડધી ભરતી જ કરે છે! રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લેખન કરી રહી છે, ગૃહ વિભાગના અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવામાં આવી શકે છે?
AMCના અધિકારીઓને પગાર સમયસર મળે છે તો કામ પણ સતત થતું રહેવું જોઇએ: હાઇકોર્ટ
ગત 25 જુલાઈના રોજ અમદાવાદના બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ-ટ્રાફિક અને રખડતાં ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટના ગત આદેશ મુદબ AMCએ રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ એફિડેવિટ ઉપર મૂકી હતી. આ એફિડેવિટ અરજદારને તે જ દિવસે મળતા તેણે અભ્યાસ અને જવાબ આપવા સમયની માગ કરી હતી.જોકે, AMCએ કોર્ટને જણાવ્યું હતું કે, શહેરમાં ખરાબ રસ્તાઓ મુદ્દે ફક્ત એક જ જગ્યાએ કામ ચાલુ છે. બીજી જગ્યાઓએ કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. કોર્ટે ટકોર કરી હતી કે, AMCના અધિકારીઓને પગાર સમયસર મળે છે તો કામ સતત થતું રહેવું જોઇએ. AMCએ કહ્યું હતું કે, વર્ષ 2023ના ચોમાસા કરતા આ વખતે વધુ સારું કામ થયું છે. કોર્ટે AMCને કહ્યું હતું કે, ચાર ઈંચ સરેરાશ વરસાદમાં શહેરના લોકો હેરાન થઈ જાય છે. દિવસમાં 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તો સમસ્યાઓ સર્જાય તે સમજી શકાય છે.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
