Surat News/ સુરતના લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ, 4 મહિલા સહિત 5 લોકોના મોત

Suratના લિંબાયતમાં મીઠી ખાડી પાસે મકાનમાં લાગેલી ભીષણ આગમાં ૫ લોકોના મોત નીપજ્યા છે. ઘરમાં રાખેલા ૮ ટન સાડીના મટિરિયલને કારણે આગ વિકરાળ બની હતી.

Gujarat Top Stories Surat
Surat Limbayat Fire News

Surat Limbayat Fire News: સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં માસૂમ બાળક અને 4 મહિલાઓ સહિત કુલ 5 લોકોના ગૂંગળામણ અને દાઝી જવાથી મોત નીપજ્યા છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે.

8 ટન સાડીના મટિરિયલે આગમાં ઘી હોમ્યું

મળતી માહિતી મુજબ, જે મકાનમાં આગ લાગી હતી ત્યાં મોટા પ્રમાણમાં સાડીનું મટિરિયલ રાખવામાં આવ્યું હતું. રૂમમાં અંદાજે 8 ટન જેટલું સાડીનું કાપડ પડ્યું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઉપરાંત ઘરમાં બે ગેસ સિલિન્ડર પણ હોવાથી બ્લાસ્ટ થવાની ભીતિએ લોકોમાં વધુ ફફડાટ ફેલાયો હતો. કાપડના જથ્થાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતા, જેને કારણે ઘરમાં રહેલા લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.

મૃતકોના નામ:

આ આકસ્મિક આગમાં મોતને ભેટનાર કમનસીબ સભ્યોની યાદી નીચે મુજબ છે: શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65), શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28), પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 18), શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4 – માસૂમ બાળક)

Surat : ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની અનેક ગાડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે ૫ સભ્યોને બચાવી શકાયા નહોતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ  તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો : સુરતમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, 2 મહિલાઓ સહિત 5 ઝડપાયા

આ પણ વાંચો :સુરત એરપોર્ટથી દુબઈની તમામ ફ્લાઈટ્સ રદ, SVP ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 12 ફ્લાઈટ્સ સ્થગિત

આ પણ વાંચો :સુરત એરપોર્ટ પર સિતારાઓનો જમાવડો, અમિતાભ બચ્ચન-સચિનને જોવા ચાહકો ઘેલા થયા..