Delhi High Alert News: દેશની રાજધાની દિલ્હીમાંથી સુરક્ષાને લઈને અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ કાર્યાલય પર આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઇનપુટ મળતાની સાથે જ સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ડૉ. આંબેડકર માર્ગ (DDU માર્ગ) સહિતના આસપાસના વિસ્તારોને પોલીસ અને પેરામિલિટરી ફોર્સ દ્વારા લોખંડી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે.
ભાજપ કાર્યાલયની સાથે સરકારી કચેરીઓ પણ નિશાના પર
ખૂફિયા એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠનો માત્ર દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના મુખ્યાલયને જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલી મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓ અને ઓફિસોને પણ ટાર્ગેટ બનાવી શકે છે. આ સંભવિત અને મોટા ખતરાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા જવાનોની તૈનાતી બમણી કરી દેવામાં આવી છે.
આતંકીઓ કઈ રીતે કરી શકે છે હુમલો?
સુરક્ષા એજન્સીઓના ઇનપુટ મુજબ, આતંકવાદીઓ રાજધાનીને દહલાવવા માટે ખૂબ જ ખતરનાક મોડસ ઓપરેન્ડી અપનાવી શકે છે, જેમાં વિસ્ફોટકોથી ભરેલા વાહન દ્વારા કાર બોમ્બ વિસ્ફોટથી હુમલો કરવાની આશંકા છે. આ ઉપરાંત, કોઈ સુસાઈડ બોમ્બર (ફિદાયીન) દ્વારા સીધો જ આત્મઘાતી હુમલો થઈ શકે છે અથવા તો ભીડભાડવાળા વિસ્તારોમાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) પ્લાન્ટ કરીને તેમજ સીધું શૂટઆઉટ કરવાની પણ દહેશત વ્યક્ત કરાઈ છે.
Delhi પોલીસ એલર્ટ મોડ પર, મેગા ચેકિંગ અભિયાન શરૂ
આ હાઈ એલર્ટ બાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાનો મોરચો સંભાળી લીધો છે, જેમાં ખાસ કરીને ભાજપ કાર્યાલય તરફ જતા તમામ રસ્તાઓ પર સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ થઈ રહી છે. આ ઉપરાંત, વહીવટીતંત્ર દ્વારા દિલ્હીવાસીઓને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે, તેમજ કોઈપણ અપ્રિય ઘટનાને બનતી અટકાવવા તમામ સુરક્ષા અધિકારીઓને ૨૪ કલાક સ્ટેન્ડબાય રહેવાના આદેશ પણ છૂટી ગયા છે.
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: દોડતી કારમાં લાગી આગ, એક વ્યક્તિ જીવતું ભડથું
આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગ, AC બ્લાસ્ટથી 9ના મોત, બચાવ કામગીરી ચાલુ
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી,ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ, ગરમીમાં રાહત
