CM Bhupendra Patel in West Bengal: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી તરીકે શ્રી સુવેન્દુ અધિકારીએ શપથ ગ્રહણ કર્યા છે. આ ઐતિહાસિક શપથવિધિ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે તેમણે સુવેન્દુ અધિકારીને બંગાળની કમાન સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
નવા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી પાઠવી શુભેચ્છા
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના નવા સીએમ સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી. તેમણે સુવેન્દુ અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરીને ગુજરાત સરકાર અને જનતા વતી હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.
બંગાળ હવે ભાજપની વિકાસયાત્રામાં સહભાગી: Bhupendra Patel
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યંત હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને સચોટ દિશાદર્શન હેઠળ ભાજપ શાસિત તમામ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ (સુશાસન) અને જન કલ્યાણના ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપિત કરી રહ્યા છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સત્તાવાર રીતે સહભાગી થયું છે, જે સમગ્ર દેશ અને બંગાળની જનતા માટે ગૌરવની વાત છે.
પીએમ મોદીના માર્ગદર્શનમાં સાકાર થશે ‘સોનાર બાંગ્લા’ નો સંકલ્પ
મુખ્યમંત્રીએ દ્રઢ શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન અને નવનિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સક્ષમ નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી સેવાયેલો “સોનાર બાંગ્લા” (સુવર્ણ બંગાળ) નો સંકલ્પ હવે ચોક્કસ સાકાર થશે.
અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે પશ્ચિમ બંગાળ આગામી સમયમાં વિકાસ, શાંતિ, સુશાસન અને આર્થિક સમૃદ્ધિના માર્ગ પર આગળ વધીને નવી ઊંચાઈઓ સર કરશે.
આ પણ વાંચો: બંગાળમાં ભાજપ સરકારના શપથ ગ્રહણ, પીએમ મોદીએ નતમસ્તક થઈ જનતાનો માન્યો આભાર
આ પણ વાંચો: બંગાળના CM માટે ભાજપને સુવેન્દુને અવગણવું મુશ્કેલ
આ પણ વાંચો: બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપની ઐતિહાસિક જીત
