Surat News : સુરતમાં એક બાળકી ગૂમ થયા બાદ ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક નિનિધ ટીમો બનાવી બાળકીને શોધવાનું શરૂ કર્યું હતું. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકી ગૂમ થઈ ગઈ હતી. બીજીતરફ એક દુકાનદારે પોલીસને જણાવ્યું હતું કે ત્રણ વર્ષની બાળકી તેને મળી છે, જેથી પોલીસે બાળકી હેમખેમ મળી આવી હોવા અંગે માતા-પિતાને જાણ કરી. ત્યાર બાદ બાળકીને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર હેડ કોન્સ્ટેબલ તેજલબા બાળકી સાથે એવી રીતે સ્મિત કરવા લાગ્યાં કે જાણે તેમનો વર્ષોથી તેમની સાથે એક લાગણીનો સેતુ બંધાયેલો હોય.તો સામે બાળકી પણ તેજલબા તરફથી મળેલી હૂંફથી હળી મળી ગઈ હતી.
તેજલબાએ તેને પ્રેમથી પ્રશ્ન પૂછ્યા હતા કે ક્યાં ગુમ થઈ ગઈ હતી? ક્યાં જતી રહી હતી. હવે ક્યાંય જતી નહીં હો….તારે કંઈ ખાવું છે? તને કોઈ ચોકલેટની લાલચ આપીને તો નહોતું લઈ ગયું ને? બાળકી પણ સહજ ભાવથી તેજલબાના તમામ પ્રશ્નોના ઉત્તર આપી રહી હતી. આ વચ્ચે જ્યારે બાળકીને તેજલબા પોતાના ખોળામાં બેસાડી વહાલ વરસાવી રહ્યાં હતાં ત્યારે ખાખીમાં છુપાયેલી મમતાથી હાજર સૌકોઈ ભાવુક થઈ ગયા હતા.આ વચ્ચે જ્યારે હેડ કોન્સ્ટેબલ તેજલબાને ખબર પડી કે બે મહિના પહેલાં પણ આવી જ રીતે માતા-પિતા ઘરમાં નહોતાં ત્યારે આ દીકરી નીકળી ગઈ હતી, જેથી તેમણે માતા-પિતાને કડક શબ્દમાં જણાવ્યું હતું કે આટલી નાની બાળકી બે-બેવાર ગાયબ થઈ જાય તો શું તમને ખબર નથી પડતી?
તેજલબાએ બાળકીની માતાને સમજાવ્યું હતું કે આ નાની બાળકી છે. એકવાર આવું થઈ ગયું હતું, આ બીજીવાર થયું છે. આવું ન કરો અને બાળકીનું ધ્યાન રાખો. હવે આગળથી તમે ક્યાંય પણ જાઓ તો બાળકીને એકલી મૂકીને ન જતાં. આ છોકરી છે. છોકરી શું હોય છે એ તમને ખબર છે? છોકરી સાથે શું-શું થઈ શકે એ તમને ખબર છે?
અગાઉ પણ આવી ઘટના બની હોય ત્યારે આ પ્રકારની બેદરકારી યોગ્ય નથી. બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે, જેથી તેજલબા પરમારે બાળકીની માતાને હિન્દીમાં કહ્યું કે તમે જ્યારે પણ ઘર બહાર નીકળો ત્યારે બાળકીને ચોક્કસથી પોતાની સાથે લઈ જાઓ, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને.આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષીય બાળકી સવારે ગુમ થઇ ગઈ હતી. સવારે 10.30 વાગ્યા આસપાસ તેના ઘરે લાઈટ ચાલી ગઈ હતી. આ દરમિયાન બાળકી અને તેનો 5 વર્ષનો ભાઈ ઘરે હતાં, ત્યારે તેની માતા મોબાઈલ આપીને દુકાને સમાન લેવા ગઈ હતી. આ દરમિયાન બંને ભાઈ-બહેન ઘરે એકલાં હતાં. ત્યારે 3 વર્ષીય બાળકી પહેલા માળે રૂમમાંથી નીચે ઊતરીને ત્યાંથી જતી રહી હતી.તેમણે આગળ જણાવ્યું હતું, બાળકી ગુમ થયા બાદ આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરી હતી.
ત્યાર બાદ બપોરે 12.30 વાગ્યાની આસપાસ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે 100 જેટલા લોકોની ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એ વિસ્તારના વ્હોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મોકલવામાં આવ્યો હતો. આ સાથે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રિક્ષામાં માઈક રાખીને પોલીસકર્મીને બેસાડીને એનાઉન્સમેન્ટ કરાયું હતું. ત્યારે અભિષેક દુબે નામના દુકાનદારે આ સાંભળ્યું હતું અને તેણે આ બાળકીને જોઈ હતી અને તેમણે બાળકીને દુકાને બેસાડીને પોલીસને જાણ કરી હતી.તેઓ આગળ કહે છે, બાળકી બે કલાકમાં જ મળી ગઈ હતી. બાળકીનાં પરિવારજનો પણ પોલીસ મથકે આવી ગયાં હતાં. બાળકીને મેડિકલ ચેકઅપ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવશે. અમે વાલીઓને વિનંતી કરીએ છીએ કે જીઆઈડીસીમાં ડે કેર સેન્ટર છે, જ્યાં 6 વર્ષ સુધીનાં બાળકોને રાખવામાં આવે છે, ત્યાં અભ્યાસ અને ભોજન સુધીની સુવિધા છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની પણ વિનામૂલ્યે સુવિધા છે.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
