@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ
થાન વોર્ડ નંબર 2 માં હાલ રૂપિયા 30 લાખથી વધુનાં ખર્ચે અંદાજે 525 મીટર લંબાઇનો નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ રસ્તો બનાવ્યાને 4 દિવસ જેટલો જ સમય થતાં રસ્તામાંથી પોપડા ઉખડવા લાગતા સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઇને રોષ ભભૂકી ઉઠ્યો છે. થાન પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા નવા રસ્તા બનાવવા સહીતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 2 માં રૂપિયા 30 લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
પરંતુ રસ્તાના કામમાં લોટ, પાણી ને લાકડા જેવો ઘાટ સર્જાતા નવો રસ્તો બનાવ્યાને 4 દિવસમાં જ પોપડા ઉખડવા લાગતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વિસ્તારમાં અંદાજે 4 થી વધુ સિરામિક એકમો આવેલ હોવાથી અહીંથી સિરામિકનો માલ ભરેલા ભારે વાહનો પણ પસાર થાય છે ત્યારે નવા જ બનાવેલા રસ્તામાં પોપડા ઉખડવા લાગતા ભારે વાહનોની અવરજવરથી અકસ્માત સર્જાવાનો પણ ભય રહે છે.
છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હતો ત્યારે રસ્તાના નવીનીકરણથી લોકોને રાહત થશે તેવી આશા હતી પરંતુ રસ્તાના કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. આ અંગે થાન પાલિકાના ચીફ ઓફીસર એમ.સી.જેપાલે જણાવ્યું કે રસ્તાના નબળા કામ અંગે તપાસ કરવામાં આવશે અને જો નબળી ગુણવત્તાનું કામ હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
