GT vs CSK/ IPLની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇને પાંચ વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની સ્ફોટક બેટિંગ

ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું

Top Stories

IPLની 16મી સિઝન શુક્રવાર (31 માર્ચ)થી શરૂ થઈ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જીત સાથે, ગુજરાતે ચેન્નાઈ સામે તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. CSK સામે આ તેની સતત ત્રીજી જીત છે. આજ સુધી ગુજરાત હાર્યું નથી.

શુભમન ગિલની શાનદાર અડધી સદીના કારણે ગુજરાત ટાઇટન્સે IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી

ઉલ્લેખનીય છે કે પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને ટીમનો સ્કોર સાત વિકેટે 178 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે સાત બોલમાં 14 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી