@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ
જોરાવરનગરમાં કરીયાણાની દુકાન ચલાવતા આધેડની આડા સબંધનો વ્હેમ રાખી 4 શખ્સોએ લાકડી વડે માર મારી હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. બપોરે સાબુની પેટી લેવા જવાનુ કહી નીકળેલા વેપારીની બીજા દિવસે લાશ ઘરે આવતા ચકચાર મચી છે.
જોરાવરનગરની નિલકંઠ સોસાયટી પાસે કોમલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા 50 વર્ષીય ભરતભાઇ પરસોત્તમભાઇ ચૌહાણ મંગળવારે બપોરે સાબુની પેટી લેવા જઉ છુ તેમ પત્નીને કહી દુકાન બંધ કરી બહાર ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન આવતા પત્નીએ ફોન કર્યા હતા. જયારે ઘરે આવેલા 2 મિત્ર અમરીશ મૂળીયા અને ભરતસિંહ સોલંકીએ પણ ફોન કરતાં તેઓ બાયપાસ રોડ પર જણાતાં બન્ને મિત્રો ત્યાં ગયા હતા. જયાં 4 શખ્સો ભરતભાઇને ખેરાળીના મહેશ પટેલની પત્નિ સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી આના કામ સારા નથી તેમ કહી માર્યો હતો અને ત્યારબાદ તેમને રિક્ષામાં બેસાડી શિવદર્શન સોસાયટી પાસે ખેરાળી રોડ પર ઉતારી ફરાર થઇ ગયા હતા.
બંને મિત્રો ત્યાં જઈ તપાસ કરતા ભરતભાઇ ચીત્ત અવસ્થામાં પડયા હતા. આ બનાવની પોલીસને જાણ થતા પીએસઆઇ એન.એચ.કુરેશી, ઘનશ્યામભાઇ, હેમદીપભાઇ, મેહુલભાઇ ઘટના સ્થળે પહોંચ્યો હતા અને ભરતભાઇને ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે પોલીસે મહેશ ઉર્ફે મૈયો પટેલ (ખેરાળી), મોહીત ભરવાડ (ખેરાળી) તેમજ રાજુ કોળી અને ઇકબાલ રિક્ષાવાળા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમે ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. જેમાં ડોગ ડેપોવાળી શેરીથી શીવદર્શન સોસાયટીના ગેટ સુધી જઇને અટકી ગયો હતો.
આરોપીની હનીટ્રેપમાં સંડોવણી
મુખ્ય આરોપી ખેરાળીનો મહેશ ઉર્ફે મૈયો પટેલ હનીટ્રેપની ટેવ વાળો છે. અગાઉ તે હનીટ્રેપમાં સંડોવાયેલો હોવાની ખૂલ્યુ છે. પરંતુ તે અંગેની ફરિયાદ નોંધાઇ નથી. આ કેસમાં મહેશ પટેલ ઝડપાય પછી જ આ બનાવમાં હનીટ્રેપ છે કે કેમ તેની માહીતી મળી શકે તેમ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
