Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનર બંછાનિધિ પાનીએ છેલ્લા એક મહિનાથી કડક વલણ અપનાવતાં વિવિધ વિભાગોના 13 અધિકારી-કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. ગેરરીતિ, ગેરવહીવટ અને ફરજમાં બેદરકારી સામે કમિશનરે સખ્ત કાર્યવાહી શરૂ કરતાં AMCના તંત્રમાં ફફડાટ ફેલાયો છે.
સ્ટ્રીટ લાઈટ વિભાગમાં એડિશનલ ચીફ એન્જિનિયર એમ.કે. નિનામાને કોન્ટ્રાક્ટરો સાથે ગેરરીતિ અને કામગીરીમાં બેદરકારીના આક્ષેપસર નોટિસ આપવામાં આવી છે.
તે ઉપરાંત STP વિભાગમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. એડિશનલ સિટી એન્જિનિયર એમ.એચ. નિનામા સહિત ડેપ્યુટી સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કરોડો રૂપિયાની સુપરસકર મશીન ખરીદ્યા બાદ તેનું ઓપરેશન, રિપેરિંગ અને મેન્ટેનન્સ ખાનગી એજન્સીઓને સોંપી દેવાયું હતું, જ્યારે ગટર લાઈન અને મેનહોલ સફાઈ કામગીરી અસંગત રહેતાં કમિશનરે ગંભીર નોંધ લીધી હતી.
સોલિડ વેસ્ટ અને એસ્ટેટ વિભાગમાં પણ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ખામીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. હાંસપુરા અને નરોડા વિસ્તારમાં રસ્તાની બાજુમાં કચરો અને બાંધકામનો કાટમાળ પડેલો જોવા મળ્યો હતો. અનેક કચરાપેટીઓ તૂટેલી હાલતમાં હતી અને રખડતા ઢોર ટ્રાફિકમાં અવરોધ ઉભો કરતા હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે નોર્થ વેસ્ટ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર બિરેન શાહ, આસિસ્ટન્ટ એન્જિનિયર જિતેન્દ્ર ધાનાણી, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બિલવાલ અને CNCD વડા નરેશ રાજપૂતને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. ખાસ કરીને ચંદનસિંહ બિલવાલે કમિશનરના વારંવાર ફોન ન ઉપાડતાં કમિશનર વધુ નારાજ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કમિશનર બંછાનિધિ પાનીની સતત કડક કાર્યવાહીથી AMCના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ છે. શહેરની સફાઈ, નાગરિક સુવિધા અને વહીવટી કામગીરીમાં બેદરકારી હવે સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ AMC તંત્રને આપવામાં આવ્યો છે.
