National News : ભારતમાં લગ્ન માત્ર બે લોકોનું બંધન નથી, પરંતુ આખા સમાજ અને સંબંધોની ઉજવણી માનવામાં આવે છે. ગુજરાતમાં આવી જ એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક વરરાજાએ રસ્તામાં પસાર થઈ રહેલા વિદેશી પ્રવાસીઓને પોતાની લગ્નવિધિમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ચાલુ કાર (Moving Car)માં કંકોત્રી આપવાની આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ખુલ્લી કારમાં મુસાફરી કરતા ઈટાલિયન પ્રવાસીઓ (Italian Tourists) ને કંકોત્રી આપી

ઇટાલીની રહેવાસી મિરેલા ક્રિસ્ટીના મુરારિયુએ આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ઇટાલિયન પ્રવાસીઓ (Italian Tourists) ખુલ્લી કારમાં મુસાફરી કરી રહ્યા છે. એ દરમિયાન શણગારેલી એક કાર તેમની બાજુમાં ધીમી પડે છે અને તેમાં બેઠેલો વરરાજા બારીમાંથી બહાર આવીને તેમને લગ્નનું કાર્ડ અને આમંત્રણ પત્રિકા આપે છે.
વિદેશી પ્રવાસીઓ આ અનોખા સ્વાગતથી ખુશ થઈ જાય છે. મિરેલાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, “ક્યારેક એક સામાન્ય કાર હોર્ન પણ આખા દિવસની યોજનાઓ બદલી શકે છે.” તેણે વધુમાં લખ્યું કે ભારત માત્ર ફરવા માટેનો દેશ નથી, પરંતુ અહીંની લાગણીઓ અને મહેમાનનવાજી અનુભવવાની વસ્તુ છે.
મીરેલાએ પોતાના અનુભવને વર્ણવતા જણાવ્યું કે, “વરરાજાનું સ્મિત ખૂબ જ મીઠું હતું. તેણે અમને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું. તે ક્ષણે મને સમજાયું કે મિત્રતા અને અપનાપો દુનિયાના કોઈપણ ખૂણે મળી શકે છે.”
આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ગુજરાતીઓની મહેમાનનવાજી અને ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરી રહ્યા છે.
