Ahmedabad News/ વેજલપુરમાં AMCની મોટી કાર્યવાહી , નામચીન આરોપીના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું AMCનું બુલડોઝર

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 33 ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ગુનેગાર જાવેદ પઠાણના ગેરકાયદે મકાન પર AMC દ્વારા બુલડોઝર કાર્યવાહી, વિસ્તારમાં ફફડાટ.

Gujarat Ahmedabad Trending
AMC

Ahmedabad News : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાન (Illegal Construction)પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ગુનેગાર જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણ દ્વારા ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલ મકાન આખરે જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ખેતીલાયક જમીન પર ગેરકાયદે બાંધકામ

મળતી માહિતી મુજબ, આરોપી જાવેદ પઠાણે ફતેવાડી કેનાલ પાછળ આવેલા એગ્રીકલ્ચર ઝોન (ખેતીલાયક જમીન)માં કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કર્યું હતું. રહેણાંક હેતુ માટે અનામત ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને બાંધકામ ઉભું કરાયું હતું.

પોલીસ અને મનપાનું સંયુક્ત ઓપરેશન

વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ વિસ્તારમાં આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પોલીસે અગાઉ AMCને વિગતવાર રિપોર્ટ સોંપ્યો હતો. તેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આરોપીને ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી.

નોટિસનો સમયગાળો પૂર્ણ થવા છતાં આરોપીએ બાંધકામ દૂર ન કરતાં, ગઈકાલે પોલીસ પ્રોટેક્શન સાથે AMCની ટીમ સ્થળ પર પહોંચી અને JCB મશીનરીની મદદથી સમગ્ર મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.

AMCની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ

આરોપી જાવેદ ઉર્ફે મકસુદ પઠાણ સામે હત્યા, લૂંટ, મારામારી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની આક્રમક કાર્યવાહી અને ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ચલાવવાની નીતિથી વેજલપુર અને ફતેવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ અને તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો તોડનાર સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  અમદાવાદમાં પ્લાસ્ટિક, ગંદકી સામે AMCનુ મહાઅભિયાન, 900થી વધુ એકમોને નોટિસ

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો: AMCની બેદરકારીઃ કોમનવેલ્થના હોર્ડિંગથી મોપેડ સવાર દંપતી ઘાયલ