Vadodara News: વડોદરાને 14 ઇંચ વરસાદે જળબંબાકાર કરતાં વરસાદના લીધે RTOની કામગીરી પર પણ અસર પડી છે. વડોદરા આરટીઓમાં સામાન્ય રીતે રોજના હજારથી વધુ લોકો ટેસ્ટ આપવા સહિતની વિવિધ કામગીરી માટે આવતા હોય છે. તેની સામે છેલ્લા ચાર દિવસમાં ફક્ત 22 ટકા લોકો જ ટેસ્ટ માટે આવ્યા છે.
વડોદરાને વરસાદે ધમરોળતા છેલ્લા બે દિવસથી RTOનો ટ્રેક સૂનો થઈ ગયો છે. વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં શહેરીજનોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે, ત્યારે વડોદરા આરટીઓમાં પણ અરજદારોનો ઘટાડો જોવા મળ્યો છે. ટુ-વ્હીલર માટે રોજની લગભગ 300 એપોઇન્ટમેન્ટ હોય છે. તેની સાથે જ ફોરવ્હીલર માટે 200 જેટલી અપોઈન્ટમેન્ટ રોજની હોય છે, જેની સામે માત્ર 20થી 25 ટકા જ અરજદારો હાલમાં આવી રહ્યા છે.
સોમવારથી ગુરૂવાર સુઘી ટુ-વ્હીલર માટે માત્ર 22 ટકા અરજદારો અને ફોર વ્હીલર માટે 25 ટકા અરજદારો હાજર રહ્યા હતાં. તેમાં પણ છેલ્લા બે દિવસમાં માત્ર 50 અરજદારે રોજ ટેસ્ટ આપ્યો છે. આજે વરસાદ ન હોવાથી અરજદારોની ટુ-વ્હીલર માટે 90થી વધુ અને ફોર વ્હીલર માટે 80થી વધુ એપોઇન્ટમેન્ટ લેવામાં આવી છે. જોકે, હાલમાં ટ્રેક પાસે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.
વડોદરામાં લાંબા સમય પછી મેઘરાજાએ એવું વહાલ વરસાવ્યું કે તે વડોદરાવાસીઓને જ ભારે પડી ગયું. વડોદરામાં એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ ખાબકી જતાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વિશ્વામિત્રી નદી સપાટી વટાવે ત્યારે વડોદરાવાસીઓને પાણી કરતાં વધુ ડર મગરોનો લાગે છે.
વડોદરામાં પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા