ઐઝવાલઃ દેશના ઉત્તર પૂર્વીય વિસ્તારના રાજ્ય મિઝોરમમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બુધવારે 75 ટકા જેટલું મતદાન થયું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર આશિષ કુંદ્રાએ સાંજે મીડિયાને જણાવ્યું હતું કે, હજુ અનેક મતદાન મથકો પર મતદારોની લાઈનો હોવાને કારણે મતદાનની ટકાવારી વધી શકે છે.
મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ પક્ષના કુલ 209 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી લાલથનહવલા જે સરચીપ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા, તે વિધાનસભા બેઠક વિસ્તારમાં રાજ્યનું સૌથી વધુ 81 ટકા મતદાન નોંધાયું હતું.
રાજ્યમાં સૌથી ઓછું 52 ટકા મતદાન ત્રિપુરાની સરહદ પર આવેલા મામિત જિલ્લાના કાનહુમ ગામમાં નોંધાયું હતું. આ ગામમાં ત્રિપુરામાંથી આવેલા બ્રૂ જાતિના શરણાર્થીઓ વસે છે.
રાજ્યના કાનહુમ વિધાનસભા ક્ષેત્રમાં મતદાનની પ્રક્રિયા બપોરે 3 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે રાજ્યની અન્ય બેઠકો પર સાંજે 4 કલાકે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે રાજ્યમાં મુક્ત રીતે, શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા માટે મિઝોરમની પ્રજાનો આભાર માન્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ખાસ કરીને યંગ મિઝો એસોસિએશનનો આભાર માનું છું, જેમણે ચૂંટણી પંચને દરેક શક્ય મદદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર આશિષ કુન્દ્રાની ચૂંટણીની એક રાત પહેલા જ જૂના ચૂંટણી કમિશનર શશાંકના સ્થાને નિમણૂક કરવામાં આવી હતી. સિવિલ સોસાયટીની ફરિયાદ બાદ શશાંકને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને આશિષ કુન્દ્રાને નીમવામાં આવ્યા હતા.
