નવી દિલ્હી,
13,700 કરોડના પંજાબ નેશનલ બેંકના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી બ્રિટિશ સરકાર અને ઇન્ટરપોલને દગો દઇને ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ફરવા માટે ગયો હતો. ઇન્ટરપોલે જ્યારે તેના પર રેડ કોર્નર નોટિસ જારી કરી છે ત્યારે તેમણે આ અમેરિકાનો ગેરકાયદેસર રીતે પ્રવાસ કર્યો છે. નીરવ મોદીના આ અમેરિકા પ્રવાસથી ભારતીય એજન્સીઓએ બ્રિટિશ સરકારની કાર્યપ્રણાલીને લઇને સવાલ ઉઠાવ્યા છે. આ અંગે બ્રિટિશ સરકારને પૂછવામાં આવ્યું હતું કે ઇન્ટરપોલે તેની વિરુદ્વ જાહેર કરેલી રેડ કોર્નર નોટિસ અને તેનો પાસપોર્ટ પર રદ હોવા છતાં તેને અમેરિકાનો પ્રવાસ કરવાની પરવાનગી કેવી રીતે મળી?
જણાવી દઇએ કે જ્યારે કોઇ ગુનેગાર વિરુદ્વ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે ત્યારે કોઇપણ દેશના અધિકારીઓ તેની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં લઇ શકે છે. જો કે નીરવ મોદી રેડ કોર્નર નોટિસ છતાં અમેરિકાનો પ્રવાસ કઇ રીતે કરી શક્યો તે અંગે કોઇ ખુલાસો સામે નથી આવ્યો. ભારતીય એજન્સીઓ પાસે નીરવ મોદીના પ્રવાસની વિસ્તૃત જાણકારી છે. જેમાં તેની અમેરિકા પ્રવાસની ટિકિટ પણ છે. જ્યારે તે કોર્ટમાં જામીન માટે ફરી અરજી કરશે ત્યારે તેના વિરુદ્વ આ પુરાવાઓ કોર્ટમાં રજૂ કરાશે. વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીને 26 એપ્રિલ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે. ભારતીય એજન્સીઓ સતત તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરી રહી છે.
