નવી દિલ્હી,
ભારતીય અવકાશ અને મિસાઇલ નિષ્ણાતોએ એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટને કારણે ખતરો ઉભો થવાના નાસાના દાવાને ફગાવી દીધો છે. હકીકતમાં, અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ ભારતના મિશન ઓપરેશન શક્તિને ખૂબ જ ભયાનક બતાવતા કહ્યું કે આને કારણે અંતરિક્ષની કક્ષામાં 400 જેટલા ટૂકડા ફેલાઇ ગયા છે. નાસાએ દાવો કર્યો હતો કે તેનાથી આગામી દિવસોમાં ઇન્ટરનેશલ સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રીઓ માટે નવો ખતરો ઉભો થઇ શકે છે.
નાસાના દાવા સામે ભારતનો મજબૂત તર્ક
નાસાના આરોપોને ફગાવતા DRDO ના પૂર્વ ચીફ વીકે સારસ્વતે કહ્યું કે આ એક કાલ્પનિક નિવેદન છે. આ ભારતની પ્રગતિ સાથે ડીલ કરવાની અમેરિકાની એક રીત છે. જ્યાં સુધી અમારા A- Sat મિસાઇલ ટેસ્ટનો સવાલ છે તો આ બધા સાધનોની અવકાશમાં લાંબા સમય સુધી ટકવા માટે પર્યાપ્ત ગતિ નથી હોતી. A- Sat મિસાઇલ ટેસ્ટ પછી 300 કિમીની ઉંચાઇ પર ભેગો થયેલા કચરાના ટૂકડા ઉર્જા કે ગતિ વિના અંતે પડીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશની આપોઆપ નષ્ટ થઇ જશે.
