Mayawati Expels Akash Anand from BSP: બહુજન સમાજ પાર્ટી એટલે કે BSPમાં એકવાર ફરી મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. પાર્ટી સુપ્રીમો માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને હવે પાર્ટીમાંથી સંપૂર્ણપણે દૂર કરી દીધા છે. આકાશ આનંદને અગાઉ 3 સપ્ટેમ્બર 2026ના રોજ રાષ્ટ્રીય સંયોજકના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. હવે તેમની BSPની પ્રાથમિક સભ્યતા પણ સમાપ્ત કરી દેવામાં આવી છે.

પરિવાર અને પાર્ટી વચ્ચે પ્રાથમિકતાનો મુદ્દો
માયાવતીએ(Mayawati) આકાશ આનંદના વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તેઓ પાર્ટીના હિત કરતાં પરિવારને વધુ મહત્વ આપી રહ્યા હતા. માયાવતીના જણાવ્યા અનુસાર આકાશનું વલણ સ્પષ્ટ નહોતું અને તેઓ ‘ડબલ માઇન્ડ’ સાથે કામ કરી રહ્યા હતા. તેમના મતે, આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ પાર્ટી અને બહુજન આંદોલન માટે યોગ્ય રીતે કામ કરી શકે નહીં. આકાશ આનંદના સસરા અને પૂર્વ રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થે તાજેતરમાં રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય અંગે પણ માયાવતીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો અશોક સિદ્ધાર્થે રાજકારણ છોડવાનો નિર્ણય અગાઉ જ લીધો હોત તો BSP, બહુજન મૂવમેન્ટ અને આકાશ આનંદને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો ન પડ્યો હોત.
સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ સવાલ
માયાવતીએ(Mayawati) આકાશ આનંદના સોશિયલ મીડિયા વલણને પણ પોતાના નિર્ણય સાથે જોડ્યું છે. તેમનું કહેવું છે કે આકાશ અગાઉ તેમની સોશિયલ મીડિયા પોસ્ટને નિયમિત રીતે રિપોસ્ટ કરતા હતા, પરંતુ અશોક સિદ્ધાર્થ સાથે જોડાયેલી તેમની પોસ્ટને તેમણે રિપોસ્ટ કરી નહોતી. માયાવતીના મતે, આ ઘટનાથી એવું જણાય છે કે આકાશ પાર્ટી કરતાં પારિવારિક સંબંધોને વધુ મહત્વ આપી રહ્યા હતા. માયાવતીએ અશોક સિદ્ધાર્થની રાજકીય ભૂમિકા અને તેમના ઇરાદાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો તેઓ ખરેખર આકાશ આનંદના રાજકીય ભવિષ્ય અને બહુજન આંદોલનને લઈને ચિંતિત હતા, તો તેમણે અગાઉ જ સક્રિય રાજકારણમાંથી દૂર થવું જોઈતું હતું.

2027ની ચૂંટણી માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ
આકાશ આનંદને પાર્ટીમાંથી દૂર કર્યા બાદ માયાવતીએ(Mayawati) હવે BSPના કાર્યકર્તાઓને 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરવા આહ્વાન કર્યું છે. તેમણે ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંત સાથે કામ કરીને ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે.
