bussiness news/ 6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી ખુલશે શિપકી લા ટ્રેડ રૂટ,જાણો ક્યારથી શરૂ થશે માલની આપ-લે

Shipki La Pass: ભારત-ચીન વચ્ચે હિમાચલના શિપકી લા બાર્ટર ટ્રેડ રૂટને 6 વર્ષ બાદ 1 ઓગસ્ટથી ફરી શરૂ કરવામાં આવશે. વેપારીઓ માટે માલની આપ-લેનો ઐતિહાસિક માર્ગ ફરી ખુલતા સરહદી વેપારને નવી ગતિ મળશે.

Top Stories India Business
Shipki La Pass: ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થશે ટ્રેડ

India-China Trade: ભારત અને ચીન વચ્ચે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આવેલા શિપકી લા પાસ (Shipki La Pass) પરથી ચાલતો પરંપરાગત બાર્ટર ટ્રેડ (માલના બદલામાં માલ) રૂટ 1 ઓગસ્ટથી ફરી શરૂ થવા જઈ રહ્યો છે. લગભગ 3,930 મીટરની ઊંચાઈ પર આવેલા આ વેપાર માર્ગને કોવિડ-19 મહામારી બાદ છેલ્લા છ વર્ષથી બંધ રાખવામાં આવ્યો હતો. હવે બંને દેશોએ આયાત-નિકાસ માટે મંજૂર વસ્તુઓની યાદી સોંપી દીધી હોવાથી વેપાર ફરી શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે.

Shipki La Pass: LAC સુધી વાહન, ત્યારબાદ ખચ્ચરથી થશે માલનું પરિવહન

Shipki La Pass: ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થશે ટ્રેડ

શિપકી લા ખાતે ભારતીય વેપારીઓ પોતાનો માલ વાહન મારફતે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી લઈ જઈ શકશે. જોકે, વેપાર માટે નિર્ધારિત અંતિમ બિંદુ સુધીના છેલ્લાં લગભગ બે કિલોમીટરનું અંતર ખચ્ચર દ્વારા પાર કરવું પડશે. ત્યાં બંને દેશોના વેપારીઓ વચ્ચે માલની આપ-લે થશે. ભારતીય વેપારીઓને વેપાર પૂર્ણ કરીને કિન્નૌર પરત (Kinnaur Trade Route) ફરવા માટે 72 કલાકનો સમય આપવામાં આવશે.

ભારતમાંથી ચીનમાં જશે આ 36 વસ્તુઓ

વેપાર કરાર મુજબ ચીનના વેપારીઓ ભારતમાંથી કુલ 36 પ્રકારની વસ્તુઓ ખરીદી શકશે. તેમાં કોફી, ચા, જવ, ચોખા, ઘઉં, લોટ, સૂકા ફળો, તમાકુ, સિગારેટ, તૈયાર ખાદ્ય ઉત્પાદનો, વિવિધ મસાલા, ઘડિયાળો, વાસણો, હાથવણાટની વસ્તુઓ અને હસ્તકલાના ઉત્પાદનો સહિતની ચીજોનો સમાવેશ થાય છે.

ચીનમાંથી ભારત લાવી શકાશે આ વસ્તુઓ

ભારતીય વેપારીઓ (India China Business) ચીનમાંથી કુલ 20 પ્રકારની વસ્તુઓ આયાત કરી શકશે. તેમાં ઊન, પશ્મીના, ઘેટાંનું ચામડું, યાકની પૂંછડી, યાકના વાળ, મીઠું, જૂતાં, ધાબળા, રજાઈ, કાર્પેટ અને વિવિધ ઔષધીય વનસ્પતિઓ જેવી પરંપરાગત વસ્તુઓનો સમાવેશ થાય છે.

સુરક્ષા માટે ITBP અને હિમાચલ પોલીસ તૈનાત રહેશે

શિપકી લા પાસ પર વેપાર દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ભારત-તિબેટ બોર્ડર પોલીસ (ITBP) અને હિમાચલ પ્રદેશ પોલીસ સંયુક્ત રીતે સંભાળશે. વેપાર પ્રક્રિયા દરમિયાન તમામ અવરજવર અને સુરક્ષા વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવશે.

છ વર્ષ બાદ ફરી જીવંત બનશે વેપાર માર્ગ

શિપકી લા રૂટને 2020માં કોવિડ-19 મહામારીના કારણે બંધ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ પણ આ વેપાર માર્ગ બંધ રહ્યો હતો. ત્યારબાદ 1992માં બંને દેશો વચ્ચે થયેલા કરાર બાદ આ ઐતિહાસિક વેપાર માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. હવે છ વર્ષના વિરામ બાદ ફરી એકવાર આ પરંપરાગત બાર્ટર ટ્રેડ રૂટ ખુલતા ભારત-ચીન સરહદી વિસ્તારોના વેપારીઓને મોટો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ક્રૂડ ઓઇલના વધતા ભાવથી ભારતની અર્થવ્યવસ્થાને ખતરો? નાણા મંત્રાલયે આપી મોટી ચેતવણી

આ પણ વાંચો: BMWમાં મોટી છટણીની તૈયારી 2027 સુધી 8,000 નોકરીઓમાં ઘટાડો

આ પણ વાંચો: 30 જુલાઈ 2026 શેરબજાર અપડેટ: ફેડે વ્યાજદર યથાવત રાખતા સેન્સેક્સ-નિફ્ટીની સપાટ શરૂઆત, IT શેરોમાં તેજી.