Social Media Rules for Kids in India: ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષાને લઈને ચાલી રહેલી લાંબી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી. તેના બદલે, સરકાર 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે એક ‘ન્યુઆન્સ્ડ અને ગ્રેડેડ’ (બારીક અને શ્રેણીબદ્ધ) અભિગમ અપનાવવાની તૈયારી કરી રહી છે.
ત્રણ કેટેગરીમાં વહેંચાશે નિયમો
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આગામી ચોમાસુ સત્રમાં સરકાર બાળકોના સોશિયલ મીડિયા વપરાશ અંગે નવો કાયદો લાવી શકે છે, જેમાં બાળકોને તેમની ઉંમર મુજબ ત્રણ અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવશે. આ વર્ગીકરણ મુજબ, 8 થી 12 વર્ષના બાળકો માટે સૌથી કડક અને મર્યાદિત નિયમો રહેશે; જ્યારે 12 થી 16 વર્ષના વયજૂથ માટે મધ્યમ સ્તરની દેખરેખ સાથે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરાશે. તદુપરાંત, 16 થી 18 વર્ષના કિશોરોને પ્રમાણમાં વધુ સ્વતંત્રતા મળશે, પરંતુ તેમણે પણ સુરક્ષાના કડક ધોરણોનું પાલન તો કરવું જ પડશે.

રાત્રે Social Media વાપરવા પર લાગી શકે છે રોક!
IT મંત્રાલયમાં ચાલી રહેલી ગંભીર વિચારણા મુજબ, બાળકો માટે સોશિયલ મીડિયા પર ‘ટાઇમ-બેઝ્ડ લિમિટ’ એટલે કે સમય મર્યાદા નક્કી કરવાનો વિકલ્પ હાલ મોખરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી નીતિ અંતર્ગત બાળકોને સાંજે કે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં લોગ-ઈન કરવાની મંજૂરી નહીં આપવામાં આવે, તેમજ દિવસ દરમિયાન પણ તેમના ઉપયોગ માટે 1 કલાક જેવો નિશ્ચિત સમય મર્યાદિત કરવામાં આવશે. આ ઉપરાંત, પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ ખોલતી વખતે ટેકનિકલ રીતે માતા-પિતાની ફરજિયાત સંમતિ લેવી પડે તેવી કડક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

રાજ્યોના અલગ-અલગ સૂર અને કેન્દ્રનો હસ્તક્ષેપ
હાલમાં આંધ્રપ્રદેશે 13 વર્ષ અને કર્ણાટકે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, ફેસબુક જેવી દિગ્ગજ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો દરેક રાજ્યમાં અલગ નિયમો હશે, તો તેનું પાલન કરવું ટેકનિકલ રીતે મુશ્કેલ બનશે. આથી જ કેન્દ્ર સરકાર એક સમાન કેન્દ્રીય કાયદો લાવવા માંગે છે જેથી સમગ્ર દેશમાં એક સરખા ધોરણો લાગુ પડે.
શા માટે જરૂર પડી આ કાયદાની?
આર્થિક સર્વેક્ષણ 2025-26માં પણ બાળકોમાં વધી રહેલા ડિજિટલ એડિક્શન (લત) અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં બાળકો પર થતી ટાર્ગેટેડ જાહેરાતોને રોકવાની અને માત્ર શિક્ષણ માટે જ ટેબ્લેટ કે ગેજેટ્સ વાપરવાની ભલામણ કરવામાં આવી હતી.
જોકે, ‘ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન‘ જેવા સંગઠનોએ ચેતવણી પણ આપી છે કે સુરક્ષાના નામે લગાવવામાં આવતા પ્રતિબંધો ઘણીવાર છોકરીઓની ઇન્ટરનેટ સુધીની પહોંચને કાયમી ધોરણે ખતમ કરી શકે છે, જેનાથી ડિજિટલ ગેપ વધી શકે છે.
આ પણ વાંચો: શું ભારતમાં આવશે સોશિયલ મીડિયા પ્રતિબંધ? ઇન્ડોનેશિયાની ડિજિટલ ઈમરજન્સી બાદ દુનિયાભરમાં ચર્ચા શરૂ
આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
