Ahmedabad News: અમદાવાદના ધોળકાના ઇંગોલી ગામે ફાયરિંગ (Firing)ની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં એક જ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતને લઈને અથડામણ થતાં ધીંગાણુ થયું હતું. બાળકો ક્રિકેટ રમતાં હતા ત્યારે દડો વાગતા બબાલ થઈ હતી. તેના પગલે થયેલી અથડામણમાં એકને ઇજા થઈ હતી. આ ધીંગાણાના પગલે પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો છે. ડીવાયએસપી, એસઓજી અને એલસીબીની ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયરિંગ (Firing) ની ઘટનાથી હોબાળો
તેમણે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. આ ધીંગાણુ ચાલતુ હતુ ત્યારે તેઓએ ત્યાં પહોંચીને ધીંગાણે ચઢેલા ટોળાને વેરવિખેર કર્યુ હતુ, તેની સાથે સ્થિતિને વધુ વણસતી અટકાવી હતી. ગામમાં સ્થિતિ તનાવપૂર્ણ પરંતુ શાંતિપૂર્ણ છે. આજે પણ ગામમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.

ક્રિકેટ રમતા વિવાદની ગુલ્લી ઉડી
ધોળકાના ઇંગોલી ગામે એક જ કોમના બે જૂથના લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ રમતાં-રમતા એક શખ્સને બોલ વાગ્યો હતો. તેના કારણે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ બોલાચાલી ઉગ્રતામાં પરિણમતા વહીદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે પોતાના પાસેના શસ્ત્રમાંથી ફાયરિંગ કરતાં મોટો હોબાળો મચ્યો હતો. જાહેરમાં આ રીતે ફાયરિંગ (Firing) કરવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ધોળકા રૂરલ પોલીસ દોડી આવી
આ ઘટનાની જાણ થતાં ધોળકા ડિવિઝનમાંથી ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સ્થાનિક એલસીબી સહિતનો પોલીસ કાફલો તરત જ ઇંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે તરત જ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ હુમલા થયેલી મારામારીમાં ભોગ બનનારા પક્ષે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગોળીબાર કરનારની ધરપકડ કરાશે
આ ઘટનાક્રમ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હિતુભા ગોહિલે જણાવ્યું હતું કે ગોળીબાર કરનારા આરોપીની હજી સુધી ધરપકડ થઈ નથી. ધરપકડ થયા પછી તેની પાસેથી શસ્ત્ર જપ્ત કરવામાં આવશે. આ શસ્ત્ર જપ્ત કરવામાં આવ્યા પછી તપાસ કરશે અને નક્કી કરાશે કે તેની પાસેનું શસ્ત્ર લાઇસન્સવાળું હતું કે નહીં.
આ પણ વાંચો: ભાજપનાં સાંસદ રંજીતા કોલીને મળી ધમકી, બદમાશોએ ઘરમાં કર્યુ Firing
આ પણ વાંચો: મૂળીમાં ચાર શખ્શોએ હોટલ માલિક પર કર્યું બે રાઉન્ડ Firing, એકને ઈજા
આ પણ વાંચો: રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં વધુ એક શંકાસ્પદ ઝડપાયો
