હાલમાં જ પાડોશી દેશ શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ કરીને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(ISIS)એ તબાહી મચાવી દીધી છે, 350 જેટલા લોકોના જીવ ગયા છે. અને હવે ભારત માટે પણ ખતરનાક સમાચાર સામે આવી રહ્યાં છે. ભારત સામે આતંકવાદીઓ મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને ISISનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. જેમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર પણ સામિલ છે. ઇન્ટેલિજન્સ એજન્સીએ ગૃહમંત્રાલયને આ માહિતી આપીને ચેતવણી આપ્યાંનું સૂત્રો જણાવી રહ્યાં છે.
તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં જૈશનો મસૂદ અઝહર, ISI અને ISIS ના આતંકવાદીઓની મીટીંગ મળી હતી. ભારત પર પુલવામા જેવા આતંકવાદી હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ ભારતમાં હુમલા માટે હવે તાલિબાની આતંકવાદીઓને પણ સક્રિય કરાઇ રહ્યાં છે. અગાઉ પાકિસ્તાને એમ કહ્યું હતુ કે મસૂદ અઝહરને કિડનીની બિમારી છે અને તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે પરંતુ આ માહિતી ખોટી છે. મસૂદને કોઇ પ્રકારની બિમારી નથી. પુલવામાં હુમલામાં ભારતના 42 જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશના આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે અને હવે તેનો બદલો લેવા મસૂદ ષડયંત્ર રચી રહ્યો છે.
