અગાઉ 50 કરતા વધુ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને ડ્રેગનને કરોડોનું નુકસાન પહોંચાડ્યા પછી હવે ભારત વધુ આકરા પગલા ભરવાના મૂડમાં છે. ભારતે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનની ટેક્નોલોજી કંપની હુવાવે પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જૂન સુધીમાં આવી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી શકે છે.

સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હુવાવે જ સાધનો બનાવે છે તેનાથી ભારતીય મોબાઇલ કંપનીઓની સુરક્ષા જોખમમાં મુકાઇ શકે છે તેથી તેનો ઉપયોગ અટકાવવો જરુરી છે. સરકાર જો આવુ પગલું ભરશે તો ચીનને તગડો ઝટકો લાગી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષાને પ્રાયોરિટી આપવા તેમજ ટેલીકોમ સાધનો બનાવવામાં ભારતીય કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવે તો આશયથી ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે 15 જૂન પછી મોબાઇલ કેરિયર કંપની સરકાર દ્વારા માન્ય કંપનીઓ પાસેથી જ અમુક નિશ્ચિત ઉપકરણો ખરીદી શકશે. એટલું જ નહીં, સરકાર એવી કંપનીઓની સૂચિ પણ જારી કરી શકે છે કે જેના પાસેથી ઉપકરણો ખરીદવા ન પડે. આ યાદીમાં હુવાવેનો સમાવેશ થશે.
ચીની કંપનીઓ આ આરોપોનો સામનો કરી રહી છે
અધિકારીઓના મતે, સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઉભું કરે તેવા રોકાણો પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને તેને ધ્યાનમાં રાખીને, ચીની કંપનીઓ સામે કડક પગલા ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, ચીની કંપની ZTE કોર્પ (ZTE Corp) પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે ભારતમાં તેની હાજરી નહીંવત છે. આ બંને ચીની કંપનીઓ પર ચીની સરકાર માટે જાસૂસી કરવાના આરોપ અગાઉ પણ લાગ્યા હતા.
