જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં જૈશના હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ રાખીને દુનિયાભરમાં પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિને ખુલ્લી પાડી દીધી છે, હવે પાકિસ્તાનની ઇમરાન સરકારે પણ ભારતના દબાણમાં આવીને આતંકીઓ સામે કાર્યવાહી કરવી પડી રહી છે.
26-11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ્દ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદ સહિત ત્રણ સંગઠનોના 13 લોકો સામે કેસ દાખલ કર્યા છે. પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ વિભાગે હાફિઝ અને તેના અંગત 12 લોકો વિરુદ્ધ ટેરર ફન્ડિંગના 23 કેસ દાખલ કર્યા છે. આ સંગઠનો ટ્રસ્ટ દ્વારા રકમ ભેગી કરીને તેનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા કરતા હતા.
કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, જમાત-ઉદ-દાવા અને તેમના નજીકના લોકો આતંકવાદને પ્રોત્સાહન આપવા જુદા જુદા પાંચ ટ્રસ્ટનો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં જમાત ઉપરાંત લશ્કર-એ-તૌઈબા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સાથે જોડાયેલા શખ્સો પર પણ કેસ દાખલ કરાયા છે.
લાહોર સહિત ત્રણ શહેરોમાં 13 લોકો સામે કેસ નોંધાયા છે, તેની ઉંડી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે અમેરિકાએ 2012માં હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના પર 69 કરોડ રૂપિયાનું ઈનામ પણ મુકવામાં આવ્યું હતુ, જો કે આ આતંકી પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
