નવી દિલ્હી: દેશના પૂર્વ PM (વડાપ્રધાન) અટલ બિહારી વાજપેયીની વાત જયારે આવે ત્યારે હંમેશા એક જ પ્રશ્ન પૂછવામાં આવે કે તેમણે શા માટે લગ્ન નથી કર્યાં? ઘણાં લોકોએ તેમને સામે જ આ પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે કેમ લગ્ન નથી કર્યા? ત્યારે તેમનો જવાબ એક જ રહેતો કે, ‘વ્યસ્તતાને કારણે આવું ન થયું અને આવું કહીને તે ધીરેથી સ્મિત કરતા રહેતા હતા.’ જોકે તેમના નજીકના લોકોનું માનવું છે કે, રાજનૈતિક સેવાનું વ્રત લેવાને કારણે તે આજીવન અપરિણીત રહ્યાં હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કર્યો હતો.
પૂર્વ પત્રકાર અને હવે કોંગ્રેસના સિનિયર નેતા રાજીવ શુક્લાએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સવાલ અટલજીને પૂછ્યો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સમયનું ઘટનાચક્ર એવું ચાલતું ગયું કે હું તેમાં ફસાતો ગયો અને વિવાહનું મુહૂર્ત નીકળી શક્યું ન હતું.’
આ પછી રાજીવ શુક્લાએ તેમને પૂછ્યું હતું કે, શું જીંદગીમાં ક્યારેય અફેર પણ નથી થયું? જેના જવાબમાં અટલજીએ પોતાના સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે, ‘અફેરની ચર્ચા જાહેરમાં કરવામાં આવતી નથી.’ જોકે આ જ ઇન્ટરવ્યૂમાં તેમણે એવું પણ કબૂલ્યું હતું કે, તેઓ એકલતાનો અનુભવ કરે છે. ત્યારે તેમણે કહ્યું હતું હા, એકલતાનો અનુભવ કરૂં છું, ભીડમાં પણ એકલતાનો અનુભવ કરૂં છું.’
કઈંક આવી હતી અટલજીની પ્રેમ કહાની
અટલજીની પ્રેમ કહાનીનો પ્રારંભ 40ના દાયકામાં થયો હતો, જ્યારે અટલજી ગ્વાલિયરની એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. જો કે આ સમયે બંન્નેએ પોતાના આ સંબંધને કોઇપણ નામ આપ્યું ન હતું. પરંતુ કુલદીપ નૈયરના જણાવ્યા મુજબ આ ખૂબસૂરત પ્રેમ કહાની જ હતી.
અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલ વચ્ચેના આ સંબંધની રાજનૈતિક જીવનમાં પણ ઘણી ચર્ચાઓ પણ થઇ ચૂકી હતી. જયારે દક્ષિણ ભારતના એક પત્રકાર ગિરીશ નિકમે પણ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પણ અટલજી અને શ્રીમતી રાજકુમારી કૌલ માટેના અનુભવ વર્ણવ્યા હતાં.
નિકમનું કહેવું હતું કે, તે જ્યારે પણ અટલજીના નિવાસસ્થાને ફોન કરતા હતા, ત્યારે સામેથી તેમનો ફોન મિસિસ રાજકુમારી કૌલ ઉપાડતા હતાં. જ્યારે તેમની વાત મિસિસ કૌલ સાથે થઇ હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હું મિસિસ કૌલ, રાજકુમારી કૌલ છું. અટલ બિહારી વાજપેયી અને હું ઘણાં લાંબા સમયથી મિત્રો છીએ. ૪૦ કરતા વધારે વર્ષો અગાઉના મિત્રો છીએ.’
અટલ બિહારી વાજપેયીજી પર લખાયેલ એક પુસ્તક ‘અટલ બિહારી વાજપેયી: અ મેન ઓફ ઓલ સીજંસ’ના લેખક અને પત્રકાર કિંગશુક નાગે લખ્યું હતું કે, પબ્લિશ રિલેશન પ્રોફેશનલ સુનિતા બુદ્ધિરાજાના મિસિસ કૌલ સાથે ઘણાં સારા સંબંધ હતાં. તે એવા દિવસો હતા, જ્યારે છોકરી અને છોકરાની મિત્રતાને સારી નજરથી જોવામાં આવતા ન હતાં. એટલે સામાન્ય રીતે પ્રેમ થાય તો પણ તેઓ પોતાની ભાવનાઓને ખુલીને કહી શકતાં ન હતાં.
આમ છતાં પણ યુવાન અટલજીએ લાઇબ્રેરીમાં એક પુસ્તકની અંદર રાજકુમારી માટે એક પત્ર મૂક્યો હતો. પરંતુ રાજકુમારી કૌલ તરફથી તેમને એ પત્રનો કોઇ જવાબ મળ્યો ન હતો.
આ પુસ્તકમાં રાજકુમારી કૌલના પરિવારના એક નજીકના સગાના જણાવ્યા મુજબ લખવામાં આવ્યું છે કે, તે (રાજકુમારી) અટલ બિહારી વાજપેયી સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેના ઘરમાં તેનો જબરદસ્ત વિરોધ થયો હતો.
જોકે અટલ બિહારી વાજપેયી બ્રાહ્મણ હતાં, પરંતુ રાજકુમારી કૌલના પરિવાર જનો પોતાની જાતને તેમનાથી વધારે સારા કુળના માનતા હતાં.
