દિલ્હી,
લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા પછી કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ તેમના અધ્યક્ષ પદ પરથી રાજીનામાની ઓફર કરી છે.ગત અઠવાડિયે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટીંગમાં રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કર્યા પછી સીનીયર તેમનું રાજીનામુ ફગાવી દીધુ હતું.
જો કે એ પછી પણ રાહુલ ગાંધી રાજીનામા પર ટસના મસ નહોતા થયા અને તે રાજીનામું આપવા પર અડગ રહ્યાં હતા.રાહુલે કહ્યું હતું કે કાંગ્રેસના પ્રેસીડન્ટ તરીકે કોઇ સીનીયર નેતાને બનાવવામાં આવે પણ તેમને મુક્ત કરવામાં આવે.
રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત વચ્ચે કોંગ્રેસમાં ભુકંપ આવ્યો છે. મંગળવારે પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને સચિન પાયલટ સહિતના નેતાઓ રાહુલને મળવા પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીએ પાર્ટીની વર્કિંગ કમિટીની મીટીંગમાં સીનીયર નેતાઓ પર આરોપ મુકતા કહ્યું હતું કે ગેહલોત, કમલનાથ અને ચિદમ્બરમ જેવાં નેતાઓએ પુત્ર-સંબંધીઓને ટિકિટ અપાવવાની જીદ કરી અને તેમને જ ચૂંટણી જીતાડવામાં લાગ્યા હતા.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું હતું કે રાહુલે એકલા હાથે ચૂંટણી લડી હતી,જ્યારે પક્ષના સીનીયર નેતાઓએ તેમને મદદ નહોતી કરી.હવે પક્ષના સીનીયર નેતાઓ રાહુલને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા મક્કમ છે.
