વોશિંગ્ટન,
ભારતમાં ભૂખમરો એ આજે પણ એક ગંભીર સમસ્યા છે. ૧૧૯ દેશોના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત ૩ ક્રમાંક નીચે સરકીને ૧૦૦માં ક્રમે પહોંચી ગયુ છે. ગત વર્ષે ભારત આ ઈન્ડેક્સમાં ૯૭માં ક્રમે હતુ. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રીપોર્ટ ૨૦૧૭ મુજબ આ યાદીમાં ભારત ઉત્તર કોરીયા, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા દેશો કરતા પણ પાછળ છે.
જો કે, પાકિસ્તાન કરતા ભારત આ ઈન્ડેક્સમાં આગળ છે. ઈન્ટરનેશનલ ફુડ પોલીસી રીસર્ચ ઈન્સ્ટીટ્યુટે પોતાના રીપોર્ટમાં જણાવ્યુ છે કે, બાળકોમાં કુપોષણના ઊંચા પ્રમાણથી ભારતમાં ભૂખમરાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સામાજિક ક્ષેત્રે આ સમસ્યા દૂર કરવા કોઈ કટિબદ્ધતા પણ જોવા મળી રહી નથી.
રીપોર્ટમાં જણાવાયુ છે કે ૧૧૯ દેશોની યાદીમાં ભારત ૧૦૦માં ક્રમે છે અને આખા એશિયામાં ભારત કરતા માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જ પાછળ છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે ૩૧.૪ના સ્કોર સાથે ભારત આ વર્ષે ગ્લોબલ હંગર ઈન્ડેક્સની યાદીમાં ગંભીર શ્રેણીમાં આવે છે. ભારતના કારણે આ ઈન્ડેક્સમાં દક્ષિણ એશિયાનુ પણ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ છે. રીપોર્ટ મુજબ આ રેકીંગમાં ચીન ૨૯માં ક્રમે, નેપાળ ૭૨માં ક્રમે, મ્યાનમાર ૭૭માં ક્રમે, શ્રીલંકા ૮૪માં ક્રમે, બાંગ્લાદેશ ૮૮માં ક્રમે, ભારત ૧૦૦માં ક્રમે, પાકિસ્તાન ૧૦૬માં ક્રમે અને અફઘાનિસ્તાન ૧૦૭માં ક્રમે આવે છે.
