નવી દિલ્હી,
દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે દરેક રાજકીય પક્ષો મહત્તમ વોટ મેળવવા માટે મતદારો માટે અનેક વાયદાઓ કરી રહી છે ત્યારે કોંગ્રેસ દેશના પાંચ કરોડ અતિ ગરીબ પરિવારને વાર્ષિક રૂ.72,000 કરોડ રૂપિયા આપવાનો વાયદો કરી રહી છે. જો કે કોંગ્રેસના આ વાયદા પાછળ લોકસભા ચૂંટણીમાં વોટ મેળવવાની રાજનીતિ હોય તેવું વધુ લાગી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓનું મંતવ્ય પણ આ વાયદાને દેશની તીજોરી પર આર્થિક ભારણ ગણાવી રહી છે. જો કે આ યોજના માટેના વાર્ષિક 3.6 લાખ કરોડની જંગી રકમ આવશે ક્યાંથી તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ યોજના અંગે રાહુલ ગાંધીનું કહેવું છે કે ન્યૂનતમ આવકની સીમા રૂ.12,000 છે અને આ યોજનાનો લાભ તેનાથી ઓછી આવક ધરાવતા ગરીબવર્ગને મળશે. એનો મતલબ કે જેની આવક માસિક રૂ.6000 છે તો તેને વધારીને રૂ.12,000 કરવામાં આવશે. જેની આવક રૂ.12,000 થી ઓછી છે તેની આવક વધારીને રૂ.12,000 કરાશે.
જો કે આ યોજના એક રીતે તો હાલમાં ચૂંટણીલક્ષી પ્રચાર કહેવું વધારે યોગ્ય છે. આ યોજનાની જાહેરાતે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ દરેકના ખાતામાં રૂ.15 લાખ જમા થવાના વાયદાની યાદ દોહરાવી હતી. અહીં સવાલ એ છે કે જો કોંગ્રેસની સરકાર ના બની તો શું થશે? તો આ જાહેરાત માત્ર એક પોકળ વાયદો હોવાનું સાબિત થશે.
અર્થશાસ્ત્રીઓના મતે આ યોજના દેશની અર્થવ્યવસ્થાન પર દબાણ જોવા મળી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના પ્રોફેસર એન આર ભાનુમૂર્તિએ કહ્યું હતું કે આ યોજનાને કલ્યાણકારી યોજનામાં સામેલ કરી શકાય. આ યોજનાનું અમલીકરણ થઇ શકે તેવી શક્યતાઓ પણ નકારી ના શકાય.

“આ યોજના સાંભળવામાં આકર્ષક હોવા છતાં તે વાસ્તવિકતા કરતાં ઘણી દૂર છે” તેવી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી માત્ર આંકડાઓ સાથે રમી રહ્યા છે. નાણાં મંત્રી મુજબ “મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સરકાર દરેક વર્ષે ગરીબ લોકોના ખાતામાં સબસિડી તરીકે રૂ.5.34 લાખ કરોડ જમા કરાવી રહી છે. જો આ દરેક યોજનાનો હિસાબ કરવામાં આવે તો તેનાથી દેશના 20 ટકા અતિ ગરીબ પરિવારને વાર્ષિક રૂ.1 લાખ સુધીની અંદાજિત રકમ મળી રહી છે જે કોંગ્રેસની વાર્ષિક રૂ.72,000 ના વાયદા કરતા વધુ રકમ છે”.
અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ યોજનાની સમીક્ષા કરીને ટ્વિટ કરી હતી કે “શું રાહુલ ગાંધીની ન્યૂનતમ આવક યોજના ગેમ ચેન્જર છે કે પછી તેની તુલના કરવી પણ નિરર્થક છે.” જો કે આ વિચાર મૌલિક રીતે ખામીયુક્ત છે જે અંગે ચિદમ્બરમે ટ્વિટ કરીને આ યોજના શક્ય હોવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આ યોજના પર અનેક સવાલો છે. તે એક વાસ્તવિક વાયદા કરતા વધુ રાજકીય ઉદ્દેશ વધુ લાગે છે. હાલમાં મહાગઠબંધનને મોદીનો સૌથી વધુ ખતરો છે. તેની સૌથી વધુ બેચેનીતો કોંગ્રેસ પક્ષમાં જોવા મળી રહી છે જે લઇને રવિશંકર પ્રસાદ પણ રાહુલ ગાંધીની આ સ્કીમને નોટ ફોટ વોટનો ફોર્મ્યુલા કહી રહી છે. રાહુલ ગાંધી હાલ તો આ યોજનાના વિચારને નરેન્દ્ર મોદીને મ્હાત આપવાનો માસ્ટર સ્ટ્રોક જ ગણી રહ્યા છે ત્યારે માત્ર સમય જ આ વાયદાની વાસ્તવિકતા જણાવશે.
