New Delhi : કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ માટેના નિયમો હળવા કર્યા છે અને 100 % તૂટેલા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ પ્રતિબંધ સપ્ટેમ્બર 2022 થી અમલમાં હતો. પરંતુ હવે ભારતમાંથી 100 % તૂટેલા ચોખાની નિકાસ કરી શકાય છે. દેશમાં ચોખાના વધુ પડતા સ્ટોક અને ચોખાના ભાવમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી એક જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે 100% તૂટેલા સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યો છે. તૂટેલા ચોખાની નિકાસ માટેની નીતિ ‘પ્રતિબંધિત’ થી ‘મુક્ત’ યાદીમાં ફેરવી નાખવામાં આવી છે.
સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે વૈશ્વિક બજારમાં માંગમાં ઘટાડો અને વધારાના સ્ટોકને કારણે ચોખાના ભાવ 2 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. દેશમાં ચોખાના ઊંચા સ્ટોક અને ભાવમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, તૂટેલા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી અપેક્ષા હતી. પ્રતિબંધ હટાવ્યા પછી લગભગ 20 લાખ ટન ચોખાની નિકાસ થવાની ધારણા છે.
પ્રતિબંધ હટાવવાથી શું અસર થશે ?
ભારત દ્વારા 100% તૂટેલા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી વિયેતનામ, મ્યાનમાર અને પાકિસ્તાનમાંથી ચોખાના ભાવ પર દબાણ આવવાની શક્યતા છે. જ્યારે સ્થાનિક બજારમાં ચોખાના ભાવને થોડો ટેકો મળી શકે છે. ભારત સરકારના આ નિર્ણયથી આફ્રિકન દેશોને ઓછા ભાવે ચોખા ખરીદવામાં મદદ મળી શકે છે, અને પશુ આહાર અને ઇથેનોલ ઉત્પાદકોને પણ ફાયદો થઈ શકે છે. ખાદ્ય ફુગાવાને કાબુમાં લેવા માટે, ભારત સરકારે સપ્ટેમ્બર 2022માં 100% તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી નબળા ચોમાસા અને ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાને ધ્યાનમાં રાખીને 2023માં વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
ચોખાની નિકાસ પરના પ્રતિબંધો હટાવાયા
ગયા વર્ષે ડાંગરના સારા પાક અને રેકોર્ડ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ચોખાની નિકાસ પરના પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ અને સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. આ પછી ઓક્ટોબર 2024માં બિન-બાસમતી સફેદ ચોખા પર લાગુ $ 490 પ્રતિ ટન લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરવામાં આવ્યો. આ ઉપરાંત ચોખાની નિકાસ પરના વિવિધ નિયંત્રણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ફક્ત 100 % તૂટેલા ચોખા પરનો નિકાસ પ્રતિબંધ બાકી રહ્યો હતો.
કેન્દ્રીય પુલમાં પુષ્કળ ચોખા
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ના ડેટા અનુસાર, 1 ફેબ્રુઆરી સુધીમાં કેન્દ્રીય પૂલમાં કુલ ચોખાનો સ્ટોક 67.6 મિલિયન ટન હતો, જે 76 લાખ ટનની બફર સ્ટોક મર્યાદા કરતા અનેક ગણો વધારે છે. સરકારી સ્ટોકમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા ઉપલબ્ધ હોવાથી, તૂટેલા ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારત બે મહિનામાં 10 લાખ ટન ખાંડની નિકાસનો ક્વોટા પૂરો કરશે: ISMA
આ પણ વાંચો: ભારતની નિકાસ 1% ઘટીને $38 બિલિયન થઈ, આયાત 4.9% વધી
આ પણ વાંચો: સોનાના આભૂષણોની નિકાસમાં 12 ટકાનો વધારો, હીરાની નિકાસમાં મોટો ઘટાડો