science news/ હિંદ મહાસાગરમાંથી મળ્યું 53 લાખ વર્ષ જૂનું વ્હેલ માછલીઓનું સૌથી મોટું કબ્રસ્તાન

Largest Whale Graveyard Indian Ocean: ચીનના વૈજ્ઞાનિકોએ ફેન્ડોઝે સબમર્સિબલની મદદથી હિંદ મહાસાગરમાં 7 કિમી નીચે 53 લાખ વર્ષ જૂનું વિશ્વનું સૌથી મોટું વ્હેલ કબ્રસ્તાન શોધી કાઢ્યું છે, જ્યાં 1 કરોડથી વધુ હાડપિંજરો છે.

Trending Ajab Gajab News
Largest Whale Graveyard Indian Ocean

Largest Whale Graveyard Indian Ocean: પૃથ્વી પર સમુદ્રનું પેટાળ એટલું વિશાળ અને રહસ્યમય છે કે તેની ઊંડાઈમાં કેવા-કેવા રહસ્યો છુપાયેલા છે તે જાણીને વિજ્ઞાન જગત પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં ચાઈનીઝ વૈજ્ઞાનિકોને સમુદ્રના તળિયેથી એક એવી સફળતા મળી છે, જેણે સમગ્ર વૈજ્ઞાનિક જગતમાં ઉત્તેજના જગાવી દીધી છે. હિંદ મહાસાગર (Indian Ocean) ના તળિયે વિશ્વનું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી પ્રાચીન “વ્હેલ કબ્રસ્તાન” શોધી કાઢવામાં આવ્યું છે. આ ઐતિહાસિક શોધ સાબિત કરે છે કે લાખો વર્ષ જૂના વ્હેલ માછલીઓના હાડપિંજરો આજે પણ સમુદ્રની અસીમ ઊંડાઈમાં એક અનોખી જીવસૃષ્ટિને ધબકતી રાખી રહ્યા છે.

પૃથ્વી પરનું સૌથી ઊંડું અને પ્રાચીન કબ્રસ્તાન

પ્રતિષ્ઠિત સાયન્સ મેગેઝિન ‘નેચર જર્નલ’ માં પ્રકાશિત થયેલા રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ સ્થળ પૃથ્વી પર અત્યાર સુધી જાણીતું સૌથી ઊંડું અને સૌથી જૂનું વ્હેલ કબ્રસ્તાન છે. અહીં તળિયે મળી આવેલા કેટલાક અવશેષો અને હાડપિંજરો અંદાજે 53 લાખ વર્ષ જૂના હોવાનું કાર્બન ડેટિંગ દ્વારા સામે આવ્યું છે. આ અતિ મુશ્કેલ ગણાતા મિશન માટે ચીની વૈજ્ઞાનિકોએ “ફેન્ડોઝે” (Fendouzhe) નામની અત્યાધુનિક સબમર્સિબલ પનડૂબીનો ઉપયોગ કર્યો હતો. સમુદ્રના અત્યંત જોખમી વિસ્તારોમાં કુલ ૩૨ વખત ઊંડી ડૂબકીઓ લગાવીને આ અદ્ભુત ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા નજીક ‘ડાયમેન્ટિના ઝોન’માં છે હાડપિંજરોનો મેળો

સંશોધકોના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગની નજીક લગભગ 1200 કિલોમીટર લાંબા વિશાળ દરિયાઈ પટ્ટામાં આ હાડપિંજરો ફેલાયેલા છે. સમુદ્રના આ ચોક્કસ ઝોનને વૈજ્ઞાનિક પરિભાષામાં “ડાયમેન્ટિના ઝોન” (Diamantina Zone) તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રની સપાટીથી લગભગ 7 કિલોમીટર જેટલી આશ્ચર્યજનક ઊંડાઈએ પનડૂબીના રોબોટિક હાથોની મદદથી સંશોધકોએ આશરે 500 જેટલા હાડપિંજરોના સેમ્પલ બહાર કાઢ્યા છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ સમગ્ર વિસ્તારમાં 1 કરોડથી વધુ વ્હેલ માછલીઓના હાડપિંજરો દફન હોઈ શકે છે.

શું છે ‘વ્હેલ ફોલ’ (Whale Fall) ની આખી પ્રક્રિયા?

જ્યારે કોઈ વિશાળકાય વ્હેલ માછલી કુદરતી કે અન્ય કારણોસર મૃત્યુ પામે છે, ત્યારે તેનું મહાકાય શરીર સમુદ્રની અગાધ તળેટીમાં ડૂબી જાય છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને “વ્હેલ ફોલ” કહેવામાં આવે છે. સમુદ્રના જે ભાગમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી, તેવા ઘાઢ અંધકારમય અને હાડ થીજવતી ઠંડી ધરાવતા સમુદ્રના તળિયે આ મૃતદેહો અનેક દરિયાઈ જીવો માટે ખોરાક અને ઊર્જાનો સૌથી મોટો સોર્સ બને છે. લાખો વર્ષો પહેલાં આ વિસ્તાર વ્હેલ માછલીઓના શિકાર માટે આદર્શ સ્થળ રહ્યો હશે. સમુદ્રના પેટાળમાં આવેલી વિશાળ V-આકારની ખીણ મૃત વ્હેલોના શરીરને ઘસડીને એક જ જગ્યાએ એકત્રિત કરતી હતી, જેના કારણે સમય જતાં આ વિશાળ કબ્રસ્તાન બની ગયું.

અંધકારમય સમુદ્રમાં ધબકે છે એક અનોખી ‘જીવંત દુનિયા’

આ પ્રોજેક્ટના સહ-લેખક પેંગ ઝોઉએ જણાવ્યું કે, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમુદ્રનું તળિયું સાવ નિર્જીવ અને વેરાન હોય છે, પરંતુ આ હાડપિંજરોની આસપાસ અત્યંત સક્રિય ઇકોસિસ્ટમ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોને અહીંથી અનેક દુર્લભ દરિયાઈ જીવો મળી આવ્યા છે, જેમાં ખાસ પ્રકારની જેલીફિશ, બ્રિટલ સ્ટાર, હાડકાંને કોતરી ખાતા વિશિષ્ટ કીડા અને બાઇવાલ્વ મોલસ્ક સામેલ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ શોધ દરમિયાન વ્હેલની એક એવી લુપ્ત થઈ ચૂકેલી પ્રજાતિના અવશેષો પણ મળ્યા છે, જેનો ઇતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ ઉલ્લેખ નથી!

67 લાખ ટન કાર્બનનો સંગ્રહ

સંશોધનના મુખ્ય લેખક શિયાઓતાંગ પેંગના જણાવ્યા મુજબ, આ અબજો હાડપિંજરોમાં રહેલી ચરબી અને ટિશ્યુએ પોતાનામાં અંદાજે 67 લાખ ટન કાર્બન સંગ્રહિત કરીને રાખ્યો છે. દરિયાના પેટાળમાં રહેતા જીવો માટે આ એટલો જ મહત્ત્વનો પોષણ સ્ત્રોત છે જેટલો સમુદ્રના તળિયે આવેલા ગરમ પાણીના ઝરા એટલે કે ‘હાઇડ્રોથર્મલ વેન્ટ્સ’ હોય છે. અમેરિકાના જાણીતા જીવાશ્મ વૈજ્ઞાનિક સ્ટીફન ગોડફ્રેએ આ શોધને ક્રાંતિકારી ગણાવતા કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં સમુદ્રના આવા અંધકારમય ગહન ભાગોમાંથી પૃથ્વીના ઇતિહાસના અનેક મોટા રહસ્યો દુનિયા સામે આવશે.


આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં ફસાયું ઈરાનનું યુદ્ધ જહાજ, શ્રીલંકા પાસે કરી મદદની અપીલ

આ પણ વાંચો: હિંદ મહાસાગર હીટવેવનો શિકાર બનશે? માલદીવ સહિત ઘણા દેશો મૂકાયા જોખમમાં

આ પણ વાંચો: હિંદ મહાસાગરને ચીનના પ્રભાવથી મુક્ત રાખવા ભારત-અમેરિકા સાથે આવશે