દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ૩ ટી-૨૦ મેચની સીરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલ ૧૬ સભ્યોવાળી ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઇ છે. ભારતીય ટીમની કેપ્ટનસી વિરાટ કોહલીને આપવામાં આવી છે. આ ઉપરાંત ટી-૨૦ ટીમમાં અક્ષર patel, જયદેવ ઉનડકટ, અને શાર્દુલ ઠાકુર જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. જયારે રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિનની વધુ એકવાર બાદબાકી કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમશે. ૩ મેચની શ્રેણીની પ્રથમ મેચ ૧૮ ફેબ્રુઆરીના રોજ જોહનિસબર્ગ, બીજી ટી-૨૦ ૨૧ ફેબ્રુઆરીના રોજ સેન્ચુરિયન અને અંતિમ મેચ ૨૪ ફેબ્રુઆરીએ કેપટાઉન ખાતે રમાશે.
મહત્વનું છે કે, સુરેશ રૈનાએ તાજેતરમાં રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં બંગાળની વિરુધ ૫૯ બોલ પર ૧૨૬ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં ૭ છક્કા અને ૧૩ ચોક્કાની મદદથી માત્ર ૪૯ બોલ પર સેન્ચુરી ફટકારી હતી.
ટી-૨૦ સીરીઝ માટે જાહેર કરાયેલ ભારતીય ટીમ :
વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા (ઉપ- કપ્તાન), શિખર ધવન, કે એલ રાહુલ, સુરેશ રૈના, એમ એસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર
