ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં ભારતને 14 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ છ વિકેટે 135 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.
મેકગ્રાને પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ તરીકે પસંદ
બેથ મૂનીએ ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તાહલિયા મેકગ્રાએ 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણીને મેચની શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. આ સિવાય તેને પ્લેયર ઓફ ધ સિરીઝ (86 રન) તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્મૃતિ મંધાનાએ ભારત માટે અડધી સદી રમી હતી, પરંતુ ટીમ જીતી શકી નહોતી. મંધાનાએ 49 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. આ સિવાય જેમીમા 23 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 13 રનનું યોગદાન આપ્યું હતું.
