Rajkot News:તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે અત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈઓનું (Sweet) વેચાણ થઈ રહ્યું છે.પરંતુ શું એ તમારા સ્વાસ્થ્યને ક્યાંક નુકસાન તો નથી પહોચાડી રહ્યું ને ? જો તમે મીઠાઈના શોખીન છો, તો સાવધાન રહો! ફરી એકવાર, રાજકોટના (Rajkot) ધમધમતા બજારોમાં લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના રહેવાસીઓ તહેવારો દરમિયાન સૌથી વધુ મીઠાઈનો ઉપયોગ કરે છે, અને ફરી એકવાર, શહેરમાં વેચાતી મીઠાઈઓની ગુણવત્તા ગંભીર તપાસ હેઠળ આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી અને એક વીડિયો અનુસાર, શહેરના પુષ્કર ધામ ચોક નજીક જશોદા ડેરીમાંથી ખરીદેલી મીઠાઈઓમાં જીવાતો મળી આવીહતા. આ વીડિયોથી લોકોમાં ભય અને ગુસ્સો ફેલાયો હતો. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે નફાના લોભથી પ્રેરિત કેટલાક ભેળસેળિયાઓ ગ્રાહકોના સ્વાસ્થ્યની કોઈ પરવા કર્યા વિના હલકી ગુણવત્તાવાળા અને અખાદ્ય ઉત્પાદનો વેચી રહ્યા છે.
RMCના ફૂડ વિભાગનો દાવો છે કે તહેવારો પહેલા અને દરમિયાન સમયાંતરે નિરીક્ષણ અને દરોડા પાડવામાં આવે છે. 2023માં એવા અહેવાલો આવ્યા હતા કે ફૂડ વિભાગે દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળના આરોપસર 11 ટન અખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી. જોકે, મીઠાઈઓમાં કીડા મળવા જેવી ગંભીર ઘટનાઓ દર્શાવે છે કે આરોગ્ય વિભાગનું નિરીક્ષણ ફક્ત દેખાડો કરવા માટે છે અથવા તેમના કામમાં ગંભીર બેદરકારી છે. જો નિયમિત અને સઘન તપાસ કરવામાં આવી હોત, તો આવી ગંદકી અને અખાદ્ય ઉત્પાદનો બજારમાં ન પહોંચ્યા હોત.
લોકોના જીવન સાથે રમત રમી રહેલા આવા ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ફક્ત દંડ લાદવો કે સ્ટોકનો નાશ કરવો પૂરતો નથી. આવા કૃત્યોને કાયદા હેઠળ કડક સજા થવી જોઈએ જેથી અન્ય વેપારીઓ પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડરે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આવા ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી થશે? આ પ્રશ્ન આજે દરેક રાજકોટવાસીના મનમાં ઉદભવી રહ્યો છે. અધિકારીઓએ આ બાબતે ગંભીર પગલાં લેવાની જરૂર છે જેથી લોકો કોઈપણ ચિંતા વિના તહેવાર ઉજવી શકે.
