Not Set/ IPL 2018 : હાઈ સ્કોરિંગ મેચમાં હૈદરાબાદને ૧૪ રને હરાવી વિરાટ બ્રિગેડે હાંસલ કરી શાનદાર જીત

બેંગલુરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. RCB દ્વારા આપવામાં આવેલા ૨૧૯ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૦૪ રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરે ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો. Phew! A […]

Top Stories Trending Sports

બેંગલુરુ,

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. RCB દ્વારા આપવામાં આવેલા ૨૧૯ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૦૪ રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરે ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના શાનદાર વિજયના હિરો સ્ફોટક બેટ્સમેન એ બી ડિવિલિયર્સ, ઓલરાઉન્ડર ખેલાડી ડી ગ્રાન્ડહોમ અને મોઈન અલી રહ્યા હતા, પરંતુ ડિવિલિયર્સને ૬૯ રનની તૂફાની ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. એ બી ડિવિલિયર્સે માત્ર ૩૯ બોલમાં ૬૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૨૧૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલ માત્ર ૧ રન બનાવી ઝડપી બોલર સંદીપ શર્માનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે કેપ્ટન કોહલી પણ માત્ર ૧૨ રન બનાવી આઉટ થયો હતો.

બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા સ્ફોટક બેટ્સમેન એ બી ડિવિલિયર્સ અને ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીની જોડીએ ત્રીજી વિકેટ માટે ૧૦૧ રનની શતકીય ભાગીદારી નોધાવી હતી. ડિવિલિયર્સે માત્ર ૩૯ બોલમાં ૧૨ ચોક્કા અને ૧ સિક્સર સાથે ૬૯ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી, જયારે મોઈન અલીએ પણ માત્ર ૩૪ બોલમાં ૬ સિક્સર અને ૨ ચોક્કા સાથે ૬૫ રન ફટકાર્યા હતા.

મેચની અંતિમ ઓવરોમાં ઓલરાઉન્ડર ખેલાડી ડી ગ્રાન્ડહોમે માત્ર ૧૭ બોલમાં ૪૦ રન ફટકાર્યા હતા જયારે સરફરાજ ખાને પણ માત્ર ૮ બોલમાં ૨૨ રનની તુફાની રમી હતી. SRH તરફથી સ્પિન બોલર રાશિદ ખાને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.

RCB દ્વારા આપવામાં આવેલા ૨૧૯ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૨૦૪ રન જ બનાવી શકી હતી અને ૧૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. ૨૧૯ રનના લક્ષ્યનો પીછો કરતા SRHની શરૂઆત પણ ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર ૧૮ રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. જયારે એલેક્સ હેલ્સે ૨૪ બોલમાં ૩ સિક્સર સાથે ૩૭ રન ફટકાર્યા હતા.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન કેન વિલિયમસને પણ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા માત્ર ૪૨ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા. વિલિયમસને ૮૧ રનની તુફાની ઇનિંગ્સમાં ૭ ચોક્કા અને ૫ સિક્સર ફટકારી હતી. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ પણ ૩૮ બોલમાં ૭ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૬૨ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી પરંતુ તેઓ પોતાની ટીમને વિજયના લક્ષ્ય સુધી પહોચાડી શક્યા ન હતા. RCB તરફથી સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ અને મોઈન અલીએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.