Iran Opens Strait of Hormuz: મધ્ય પૂર્વમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે આખી દુનિયા માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અચાનક સીઝફાયર (યુદ્ધવિરામ) ના પ્રસ્તાવ બાદ, ઈરાને જાહેરાત કરી છે કે તે આગામી બે અઠવાડિયા સુધી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માંથી જહાજોની સુરક્ષિત અવરજવરને મંજૂરી આપશે. જોકે, મિસાઈલ હુમલા અને ભારે તણાવ વચ્ચે આ શાંતિ માત્ર ‘અસ્થાયી’ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પની ‘વિનાશક’ ધમકી અને અચાનક યુ-ટર્ન
આ એ જ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેમણે ગણતરીના કલાકો પહેલા જ ઈરાનને સીધી ધમકી આપી હતી કે, જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે તો “સમગ્ર માનવ સભ્યતાનો નાશ થઈ શકે છે.” પરંતુ પોતાની ડેડલાઈન ખતમ થાય તેની બરાબર પહેલાં જ ટ્રમ્પે બંને પક્ષો વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી દુનિયાને ચોંકાવી દીધી હતી. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ‘ડબલ સાઇડેડ સીઝફાયર’ છે અને અમેરિકાએ પોતાના તમામ સૈન્ય લક્ષ્યો હાંસલ કરી લીધા છે.
Statement on behalf of the Supreme National Security Council of the Islamic Republic of Iran: pic.twitter.com/cEtBNCLnWT
— Seyed Abbas Araghchi (@araghchi) April 7, 2026
શું Iran જહાજો પાસેથી ટોલ વસૂલશે?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે, “બે અઠવાડિયા માટે ટેકનિકલ સંકલન સાથે હોર્મુઝ જળમાર્ગ પરથી સુરક્ષિત અવરજવર શક્ય બનશે.”
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ઈરાન આ માર્ગ પરથી પસાર થતા વ્યાપારી જહાજો પાસેથી ટોલ ઉઘરાવશે? નોંધનીય છે કે જંગ ખતમ કરવા માટે ઈરાને જે 10-મુદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે, તેમાં સ્પષ્ટ માંગ છે કે જળમાર્ગ પર ટોલ વસૂલવામાં આવશે અને તેમાંથી યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. જોકે, તાજેતરના નિવેદનમાં વિદેશ મંત્રીએ ટોલ બાબતે કોઈ જ સ્પષ્ટતા કરી નથી, જે દર્શાવે છે કે ઈરાન નમતું જોખવા તૈયાર છે પણ પૂરી રીતે પાછળ હટવા માંગતું નથી.
5000 થી વધુ મોત અને ગ્લોબલ માર્કેટ પર અસર
છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશેલા આ યુદ્ધની કિંમત ખૂબ મોટી ચૂકવવી પડી છે. અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં એકલા ઈરાનના જ 1600 થી વધુ નાગરિકો છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ આખા સંઘર્ષનું કેન્દ્ર છે કારણ કે દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ આ જ રસ્તેથી પસાર થાય છે. તેના બંધ થવાથી દુનિયાભરમાં તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા હતા.

પાકિસ્તાનની મધ્યસ્થી અને હજુ પણ મંડરાતો ખતરો
આ સીઝફાયર પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ટ્રમ્પે ખુદ કબૂલ્યું છે કે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવાયો છે. હવે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થશે.
પરંતુ ખતરો હજુ ટળ્યો નથી! ટ્રમ્પની જાહેરાતની મિનિટો બાદ જ ઇઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાને તેમના પર મિસાઈલો દાગી છે અને લોકોને બંકરોમાં જવાની સલાહ અપાઈ છે. સાઉદી અરેબિયા, કતાર અને UAE જેવા ખાડી દેશોમાં પણ હાઈ-એલર્ટ જાહેર કરી દેવાયું છે.
નિષ્ણાતો માની રહ્યા છે કે આ 2 અઠવાડિયાનું સીઝફાયર માત્ર “ટાઈમ-બાઈંગ મૂવ” (સમય કાઢવાની નીતિ) છે, જેથી બંને દેશો આગામી રણનીતિ ઘડી શકે. હવે આખી દુનિયાની નજર ઇસ્લામાબાદમાં થનારી વાટાઘાટો પર ટકેલી છે.
આ પણ વાંચો :ટ્રમ્પ વિરુદ્ધ 25મો સુધારો લાગુ કરવાની માંગ, શું જેડી વેન્સ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ?
આ પણ વાંચો :અમેરિકી રાષ્ટ્રપતિનું ઈરાનને અલ્ટીમેટમ, રાતોરાત નાશ કરવાની આપી ધમકી
આ પણ વાંચો : ઈરાન–અમેરિકા તણાવ: શું યુદ્ધ થશે કે રાજદ્વારી ઉકેલ મળશે?
