World News/ પાકિસ્તાની PM શાહબાઝ શરીફની X પોસ્ટમાં મોટી ભૂલ, સીઝફાયરની સ્ક્રિપ્ટ કોણે લખી?

પાકિસ્તાનના પીએમ Shehbaz Sharif X પર અમેરિકા-ઈરાન સીઝફાયર અંગેની પોસ્ટમાં ‘ડ્રાફ્ટ’ મેસેજ કોપી-પેસ્ટ કરી દીધો. સોશિયલ મીડિયા પર ઉડી ભારે મજાક.

Top Stories World

Shehbaz Sharif X Post: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવમાં શાંતિદૂત કે ‘વચેટિયા’ બનવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે મજાક ઉડી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે X (અગાઉનું ટ્વિટર) પર અમેરિકા અને ઈરાનને સીઝફાયર (યુદ્ધવિરામ) ની અપીલ કરતી એક પોસ્ટ કરી હતી, પરંતુ આ પોસ્ટ કરવામાં તેમણે એવી ‘મૂર્ખામી’ કરી દીધી કે દુનિયાભરમાં તેમની પોલ ખુલી ગઈ. હવે યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સીઝફાયરની અસલી સ્ક્રિપ્ટ કોણે લખી છે? ડોનાલ્ડ ટ્રમ્પે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે?

પોસ્ટની ‘એડિટ હિસ્ટ્રી’એ ખોલી પાકિસ્તાનની પોલ

મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામ અંગેની જાહેરાત પહેલા, પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે X પર એક લાંબી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે ટ્રમ્પને હુમલાની ડેડલાઈન 2 અઠવાડિયા લંબાવવા અને ઈરાનને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા વિનંતી કરી હતી.

પરંતુ, શરીફની ટીમે પોસ્ટ અપલોડ કરતી વખતે મેસેજની સાથે ઉપર લખેલી સૂચના પણ ભૂલથી કોપી-પેસ્ટ કરી દીધી હતી. પોસ્ટના ઓરિજિનલ વર્ઝનમાં સ્પષ્ટ લખ્યું હતું: ‘Draft – Pakistan’s PM message on X’.

જોકે, માત્ર એક જ મિનિટમાં (સવારે 12:47 વાગ્યે) આ ભૂલ સમજાતા શરીફની ટીમે પોસ્ટને એડિટ કરી અને ઉપરની ડ્રાફ્ટવાળી લાઈન હટાવી દીધી. પરંતુ X ના સ્માર્ટ યુઝર્સે એડિટ હિસ્ટ્રી ચેક કરી લીધી અને સ્ક્રીનશોટ વાયરલ કરી દીધા.

શું વ્હાઇટ હાઉસમાંથી જ આવ્યો હતો મેસેજ?

આ ભૂલ પકડાતા જ સોશિયલ મીડિયા પર મીમ્સ અને સવાલોનું ઘોડાપૂર આવ્યું છે. યુઝર્સનું કહેવું છે કે જો પાકિસ્તાનના PM ની પોતાની ટીમે આ મેસેજ ટાઈપ કર્યો હોત, તો તેઓ ક્યારેય ‘Pakistan’s PM’ એવો શબ્દ ન વાપરે, તેઓ સીધું ‘PM મેસેજ’ લખે.

આ દર્શાવે છે કે આ મેસેજ બહારથી (શક્યતઃ અમેરિકાથી) ડ્રાફ્ટ કરીને મોકલવામાં આવ્યો હતો. કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે, “એવું લાગે છે કે શરીફ વ્હાઇટ હાઉસની સૂચનાઓ હટાવવાનું ભૂલી ગયા હતા, ટ્રમ્પ પાકિસ્તાનને કંટ્રોલ કરી રહ્યા છે.”

ટ્રમ્પની વારંવાર ડેડલાઈન અને પીછેહઠ

નોંધનીય છે કે જ્યારથી આ તણાવ શરૂ થયો છે, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને આકરી ડેડલાઈન આપે છે અને તે પૂરી થવાની અણી પર જ કોઈને કોઈ બહાને પીછેહઠ કરી લે છે. આ વખતે પણ ટ્રમ્પે જાહેરાત કરી કે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને પાક. આર્મી ચીફ અસીમ મુનીર સાથેની વાતચીત બાદ તેઓ ડેડલાઈન 2 અઠવાડિયા લંબાવી રહ્યા છે. પરંતુ શાહબાઝ શરીફની આ કોપી-પેસ્ટ વાળી ભૂલે પાકિસ્તાનની ક્રેડિટ પર પાણી ફેરવી દીધું છે.

સીઝફાયર પાછળ અસલી ભેજું કોનું?

હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યુદ્ધવિરામ પાછળ કોણે ગેમ રમી? આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ મુદ્દે બે અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે:

ચીનની ભૂમિકા: ન્યૂયોર્ક ટાઈમ્સ અને સમાચાર એજન્સી AP ના અહેવાલ મુજબ, આ સીઝફાયર પાછળ ચીની અધિકારીઓનું સૌથી મોટું યોગદાન છે. ચીને જ ઈરાનને અમેરિકા સાથે શાંતિનો રસ્તો શોધવા માટે સમજાવ્યું હતું.

પાકિસ્તાનની ભૂમિકા: બીજી તરફ અમેરિકી મીડિયા નેટવર્ક CNN નો દાવો છે કે આ મામલે પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વની કડી બનીને ભૂમિકા ભજવી છે.


આ પણ વાંચો :ટ્રમ્પ વિરુદ્ધ 25મો સુધારો લાગુ કરવાની માંગ, શું જેડી વેન્સ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ?

આ પણ વાંચો :અમેરિકી રાષ્ટ્રપતિનું ઈરાનને અલ્ટીમેટમ, રાતોરાત નાશ કરવાની આપી ધમકી 

આ પણ વાંચો : ઈરાન–અમેરિકા તણાવ: શું યુદ્ધ થશે કે રાજદ્વારી ઉકેલ મળશે?