World News: સોશિયલ મીડિયા પર ઇલોન મસ્કની (Elon Musk) કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ઈલોન મસ્ક એક ‘રોબોટ ગર્લ’ (Robot Girl) સાથે દેખાઈ રહ્યા છે. તો આ તસવીરો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇલોન મસ્કે તેની પહેલી “રોબોટ ગર્લફ્રેન્ડ”ની જાહેરાત કરી છે. તો કેટલાક યુઝર કહી રહ્યા છે કે મસ્ક રોબોટને ડેટ કરી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો તો તેને મસ્કની પત્ની પણ કહી રહ્યા છે.
આ તસવીરનું સત્ય શું છે? શું ઇલોન મસ્ક સાચેમાં રોબોટને ડેટ કરી રહ્યો છે? મસ્ક રોબોટ સાથે લગ્ન કરશે? આ સવાલોના જવાબ જાણવા માટે મંતવ્યની ટીમે આ તસવીરનું ફેક્ટ શું છે એની તપાસ કરી? તો તપાસમાં અમને શું મળ્યું વાંચો અહેવાલમાં.

તપાસમાં અમને સૌથી પહેલા એક ફેસબુક યુઝરે એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે એલોન મસ્ક તેની રોબોટ ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો હતો. એલોન મસ્ક તેની ગ્રાઉન્ડબ્રેકિંગ તકનીકી પ્રગતિ માટે જાણીતા છે, પરંતુ તેની રોબોટ ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીરોએ વિવાદને વેગ આપ્યો છે.
અહેવાલો અનુસાર, મસ્ક તેની રોબોટ ગર્લફ્રેન્ડ, સાથે ડેટ પર ગયો હતો, જે તેની કંપની ન્યુરોલિંક દ્વારા બનાવવામાં આવી હતી, જે માનવ મગજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે મર્જ કરતી તકનીકો વિકસાવવામાં નિષ્ણાત છે. મસ્કએ તેની રોબોટ ગર્લફ્રેન્ડ સાથેના તેના સંબંધોના પ્રકાર વિશે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ આ ઘટનાએ માનવ-રોબોટ ક્રિયાપ્રતિક્રિયાના ભાવિ અને નૈતિક વિચારણાઓ વિશે ચર્ચાને વેગ આપ્યો છે.
તો આ વાઇરલ તસવીરનું સત્ય જાણવા માટે, આ દાવાને તપાસવા માટે, અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા હતા. અને સર્ચ કરતા અમને સત્ય તપાસ કરતી વેબસાઈટ વિશ્વાસ ન્યૂઝનો અહેવાલ મળ્યો. તેમાં બહાર આવ્યું છે કે એલન મસ્કે 22 જુલાઈ,2024ના રોજ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું ટેસ્લા આગામી વર્ષથી પોતાના આંતરિક ઉપયોગ માટે મર્યાદિત સંખ્યામાં હ્યુમનોઈડ રોબોટ્સ રજૂ કરશે અને 2026 સુધી અન્ય કંપનીઓ માટે મોટી સંખ્યામાં ઉત્પાદનની યોજના છે. ટેસ્લાની વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે આ રોબોટ્સનું નામ ટેસ્લા બોટ અથવા ઓપ્ટિમસ છે, જે કાર્યસ્થળે ખતરનાક, રિપિટ થતા અથવા કામચલાઉ કામ કરવામાં મદદ કરશે.
આ ઉપરાંત મસ્કે 15 જાન્યુઆરી, 2024ના રોજ X પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં એક હ્યુમનોઇડ શર્ટ ફોલ્ડ કરી રહ્યો હતો. મસ્કે જણાવ્યું હતું કે ‘ઓપ્ટિમસ’ હજી સુધી તે સંપૂર્ણપણે સ્વાયત્ત રીતે કામ કરી શકતું નથી, પણ તે ભવિષ્યમાં કરશે. અને 16 મેના રોજ ટેસ્લા શેરધારકોની મીટિંગમાં, મસ્કએ એક વીડિયો બતાવ્યો હતો, જેમાં આ રોબોટ્સ ચાલી શકે છે અને વસ્તુઓ ઉપાડી શકે છે. આ રોબોટ્સ સૌપ્રથમ 2022માં રજૂ કરવામાં આવ્યા હતા.

આગળ તપાસ કરતી વખતે મંતવ્યની ટીમએ ઈલોન મસ્કના સોશિયલ મીડિયા હેન્ડલ્સની પણ શોધખોળ કરી હતી તો અહીં પણ આવી કોઈ તસવીર મળી નથી, જેમા મસ્કની રોબોટ ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ હોય ક્યાંય પણ આવા કોઈ સમાચાર મળ્યા નથી. જેથી આ સાબિત થઈ શકે કે મસ્કની રોબોટ ગર્લફ્રેન્ડ છે. ત્યાર પછી અમને આ ફોટા AI ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે આવી શંકા હતી તો અમે AI ઇમેજ ડિટેક્શન ટૂલ્સ પર એક પછી એક વાયરલ તસવીરોની તપાસ પણ કરી હતી. જેમા પહેલી તસવીરને AI ઇમેજ ડિટેક્શન ટૂલ હાઇવ મોડરેશન વડે ચેક કરી, જેમાં AI દ્વારા આ તસવીર બનાવવાની સંભાવના 99.9 ટકા હોવાનું કહેવાયું હતું.
જ્યારે રિવર્સ-ઇમેજ સર્ચ કર્યું, ત્યારે અમને જાણવા મળ્યું કે X એકાઉન્ટ @iamnot_elonએ 23 જુલાઈ, 2024ના રોજ આ તસવીર પોસ્ટ કરી હતી. ફોટોને કેપ્શન આપવામાં આવ્યું હતું: “શું તે ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે?” આ એકાઉન્ટ પેરોડી હતું. આ એકાઉન્ટે અન્ય AI દ્વારા બનાવેલી તસવીરો પણ પોસ્ટ કરી છે, જેમાં ઈલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ, જેફ બેજોસ, માર્ક ઝકરબર્ગની તસવીરો સામેલ છે. ત્યારે એક પછી એક તસવીરોને AI ઇમેજ ડિટેક્શન ટૂલ હાઇવ મોડરેશન વડે પણ ચેક કરવામાં આવી તો બીજી તસવીરને AI દ્વારા આ તસવીર બનાવવાની સંભાવના 95.9 ટકા હોવાનું કહેવાયું હતું અને ત્રીજી તસવીરને AI દ્વારા આ તસવીર બનાવવાની સંભાવના 90.3 ટકા હોવાનું કહેવાયું હતું.
