લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કેપ્ટન બનાવી શકે છે. ગાંગુલીએ પોતે આ અંગે હજી સુધી જાહેરમાં કંઇ કહ્યું નથી. જોકે, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે ભાજપના નેતૃત્વને કહ્યું છે કે, તેઓ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજકારણમાં પ્રવેશવા માંગતા નથી, ન તો પાર્ટી માટે પ્રચાર કરવા માગે છે.
ધ ટેલિગ્રાફના ઓનલાઇન સંસ્કરણે સૂત્રોના હવાલાથી અહેવાલમાં કહેવામાં જણાવ્યું છે કે, સૌરવ ગાંગુલીએ ગયા મહિને જ ભાજપને સ્પષ્ટતા કરી દીધું છે કે, તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા માંગતા નથી અને ક્રિકેટ સંચાલક તરીકેની તેમની ભૂમિકાથી ખુશ છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે ગાંગુલીના ઇનકાર પછી પાર્ટીએ તેમનો વિચાર બદલવા માટે દબાણ કર્યું ન હતું.
જો કે, ગાંગુલી તરફથી આ મામલે કોઇ જાહેર નિવેદન આવ્યું નથી. ભાજપના સૂત્રોએ આ દાવાઓની પુષ્ટિ કે ઇનકાર પણ કર્યો નથી. ભાજપના એક સૂત્રએ વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી સમયે એક અખબારને કહ્યું હતું કે, “પાર્ટી હંમેશાં ઇચ્છતી હતી કે ગાંગુલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે, પરંતુ તે અન્ય ઘણી ભૂમિકામાં વ્યસ્ત છે.” તેમણે કહ્યું હતું કે, “આજે પરિસ્થિતિ જુદી છે, કારણ કે આપણે બંગાળમાં એક મોટી રાજકીય શક્તિ બની ગયા છીએ.” જો કે, તેમણે એમ પણ કહ્યું કે હાલ સૌરવ ગાંગુલી કોઈપણ ભૂમિકા વતી પક્ષને મદદ કરશે નહીં.
મહત્વનું છે કે, 2019 ની લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ પ્રદર્શન દ્વારા મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસને આંચકો આપનાર ભાજપ આ વખતે વિધાનસભામાં બહુમતી માટે પ્રયાસ કરી રહ્યું છે. અને પાર્ટી તેના માટે એક સારો ચહેરો શોધી રહી છે, જે મમતા બેનર્જીને ટક્કર આપી શકે. પાર્ટીએ સૌરવ ગાંગુલી પર દાવ લગાવવાની યોજના બનાવી હતી. જો કે, આ મામલે પૂર્વે લોકસભાની ચૂંટણી વખતે પણ ઘણી અટકળો થઈ હતી. જેવી આત્યારે થઇ રહી છે.
