Not Set/ અમદાવાદ રેલવે ડિવિઝન દ્ધારા આઇસોલેશન કોચ શરૂ કર્યા

અમદાવાદ રેલવે ડિવિઝને 19 આઇસોલેશન કોચ શરૃ કર્યા

Ahmedabad

રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. તેમાં અમદાવાદની સ્થિતી પણ ગંભીર છે. શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં બેડ મેળવવા માટે કલાકોનું વેઇટીંગ ચાલી રહ્યુ છે.  ત્યારે  રેલવે વિભાગ પણ અમદાવાદીઓની મદદે આવ્યા છે. જેમાં અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા કુલ 19 જેટલા આઇસોલેશન કોચ શરૂ કર્યા છે. જેમાં 6 ચાંદલોડિયા અને 13 સાબરમતી રેલવે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવ્યા છે.

રેલવે તંત્રના જણાવ્યા અનુસાર આ મુશ્કેલીના સમયમાં અને કોરોના મહામારી સામેના જંગમાં રેલવે મદદ કરવાના પ્રયાસ કરી રહી છે. તંત્રના સુચનથી આ 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે.  તેમાંથી તેર કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં બે નંબરના  પ્લેટફોર્મ પર 6 કોચ શરૂ કરાયા છે. ઉપરાંત જ્યારે પણ જરૂર હશે ત્જયારે કોચની સંખ્યામાં વધારો પણ કરવામાં આવશે.

પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઑક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફિલિંગની વ્યવસ્થા સ્થાનિક તંત્ર કરશે. દરેક વોર્ડમાં બેડશીટ્સ, પિલો કવર સહિત ત્રણ પ્રકારનાં ડસ્ટબિન મુકાયા છે જે  વેસ્ટ સેગ્રીગેશન સરળ બનાવશે. કોચની બંને બાજુની બારી મચ્છરદાનીથી ઢંકાયેલી છે અને બાથરૂમમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે. કોચમાં આપાતકાલીન પરિસ્થિતિઓથી બચાવવા માટે બે ફાયર ફાઈટિંગ સાધનો રાખવામાં આવ્યા છે.

આ કોચમાં દાખલ દર્દીઓ માટે દવાઓ અને અન્ય તબીબી ઉપકરણો તથા મેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવશે. કોચમાં ઠંડક જળવાઈ રહે તે માટે રૂફટોપ પર પાટની બોરીઓ મૂકીને સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. અને દર્દીઓ હેરાન ના થાય તે માટે દરેક વોર્ડમાં એક કુલર લગાવવામાં આવ્યું છે.