Gujarat News/ કોંગ્રેસમાં હાર બાદ રાજીનામાનો મુદ્દો ગરમાયો

પરાજય બાદ હવે કોંગ્રેસે(Congress) આંતરિક મંથનની પ્રક્રિયા શરૂ કરી છે

Gujarat
ગુજરાત કોંગ્રેસ(Congress)માં પરાજય બાદ જવાબદારીનો મુદ્દો ઉગ્ર બન્યો છે

Gujarat News : ગુજરાત કોંગ્રેસ(Congress)માં પરાજય બાદ જવાબદારીનો મુદ્દો ઉગ્ર બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નિરાશાજનક પરિણામો મળતા પક્ષમાં આંતરિક ચર્ચા અને વિરોધના સ્વર તેજ થયા છે. દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યાએ ખુલ્લો પડકાર ફેંકીને ટોચના નેતાઓને હારની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માંગ કરી છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતા કોંગ્રેસના ખેમામાં ખળભળાટ મચ્યો છે.

પંડ્યાએ કટાક્ષભરી પોસ્ટમાં લખ્યું કે, “ગુજરાત કોંગ્રેસની ‘બકરા શોધો’ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે,” જેનાથી સ્પષ્ટ થાય છે કે હાર માટે જવાબદારી ટાળવાના પ્રયાસો પર તેઓ નિશાન સાધી રહ્યા છે. તેમણે હાઈકમાન્ડના વિઝનને અમલમાં લાવવા માટે સંગઠનમાં મોટા ફેરફારો જરૂરી હોવાનું પણ જણાવ્યું.

કોંગ્રેસે(Congress) આંતરિક મંથનની પ્રક્રિયા શરૂ કરી

પરાજય બાદ હવે કોંગ્રેસે આંતરિક મંથનની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં 2 મેથી 6 મે સુધી ઝોનવાઇઝ બેઠક યોજાશે. જેમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે અલગ-અલગ બેઠક કરીને હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવશે. દરેક જિલ્લામાંથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ જણાવ્યું કે, હાર માટે દરેક સ્તરે જવાબદારી નક્કી થશે અને જ્યાં કચાશ રહી છે તેની સમીક્ષા થશે. સાથે જ એન્ટી પાર્ટી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી. તેમણે વધુમાં ઉમેર્યું કે, 2027ની તૈયારી માટે સંગઠનમાં ફેરફારો કરવામાં આવશે અને મજબૂત નેતૃત્વ ઊભું કરાશે.

બીજી તરફ આંકડાઓ પણ કોંગ્રેસ માટે ચિંતાજનક છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના 2223 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જે પક્ષની નબળી સ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિમાં હવે સવાલ ઊભો થયો છે કે કોંગ્રેસમાં હારની જવાબદારી કોણ સ્વીકારશે અને શું વાસ્તવમાં કોઈ નેતા રાજીનામું આપશે કે નહીં.


આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે 34 નિરીક્ષકોની નિમણૂક

આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ