Weather Forecast North India May: જો તમે મે મહિનાની ગરમીથી બચવા માટે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે પવન, વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને પહાડી રાજ્યોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.
North Indiaમાં વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 થી 6 મે દરમિયાન ઉત્તર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે, જેમાં 4 મેના રોજ હિમાચલ પ્રદેશમાં અને 4-5 મેના રોજ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ 3 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 4 મેના રોજ રાજસ્થાનમાં ધૂળભરી આંધી ચાલવાની શક્યતા છે, જે પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે.

પૂર્વોત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદ
પૂર્વોત્તર રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું જોખમ છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં 2 થી 4 મે દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સ્થિતિ
પંજાબ અને હરિયાણામાં 2 થી 6 મે દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જોકે 4 અને 5 મેના રોજ પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશમાં પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, જે મુજબ પશ્ચિમ યુપીમાં 3 થી 6 મે અને પૂર્વ યુપીમાં 4 થી 7 મે દરમિયાન વીજળીના કડાકા સાથે આંધી આવવાની શક્યતા છે.
દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ
માત્ર ઉત્તર જ નહીં, દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ 6 મે સુધી છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના કર્ણાટક અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવશે, આગામી 5 દિવસ આકરી લૂ વાવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અનેક જિલ્લાઓમાં 42-44 ડિગ્રી તાપમાનની આગાહી
