GSEB Academic Calendar 2026-27: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું સત્તાવાર કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખથી લઈને વેકેશનના શિડ્યુલ સુધીની તમામ વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે.
GSEB : બોર્ડની પરીક્ષા હવે વહેલી યોજાશે
સામાન્ય રીતે માર્ચ મહિનામાં યોજાતી બોર્ડની પરીક્ષાઓ આગામી વર્ષે વહેલી શરૂ થવાની છે, જેમાં શિક્ષણ બોર્ડના નવા શિડ્યુલ મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ૨૫ ફેબ્રુઆરી, 2027 થી 17 માર્ચ, 2027 સુધી યોજાશે અને ત્યારબાદ શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ 5 એપ્રિલ થી 20 એપ્રિલ, 2027 દરમિયાન લેવામાં આવશે.
શાળા પ્રારંભ અને વેકેશનનું લિસ્ટ
નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે, જેમાં નવું શૈક્ષણિક સત્ર 8 જૂન, 2026 થી શરૂ થઈ શાળાઓ ધમધમતી થશે. આ વર્ષે દિવાળી વેકેશન 5 નવેમ્બર થી 25 નવેમ્બર, 2026 સુધી એટલે કે કુલ 21 દિવસનું રહેશે અને ત્યારબાદ ઉનાળુ વેકેશન 3 મે, 2027 થી શરૂ થશે જે કુલ ૩૫ દિવસનું રહેશે.
તૈયારી માટે મળશે પૂરતો સમય
શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને શાળાઓ હવે વહેલી તકે પોતાનો અભ્યાસક્રમ અને રિવિઝનનું આયોજન કરી શકશે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓએ હવે અત્યારથી જ કમર કસવી પડશે.
