ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી રાજ્યભરમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. એકંદરે પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં પ્રથમ દિવસે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ધોરણ-૧૦ના દરેક પ્રથમ ભાષાના વિવિધ ૮.૬૩ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કોમર્સના ૨.૧૭ લાખ વિદ્યાર્થીઓએ એકાઉન્ટના વિષયની પરીક્ષા આપી હતી અને સાયન્સના ૧.૩૭ લાખ લોકોએ ફીઝીક્સની પરીક્ષા આપી હતી. સોમવારનું પેપર એ પાઠ્યપુસ્તકમાંથી જ નીકળ્યું હોવાને લીધે વિદ્યાર્થીએ રાહત અનુભવી હતી.
પરીક્ષા ચાલુ થઇ તે પહેલા વિદ્યાર્થીઓને દરેક પરીક્ષા સેન્ટર પર મોઢું મીઠું કરાવીને શુભેરછા પાઠવી હતી.
તો બીજી તરફ પરીક્ષાના પહેલા જ દિવસે જ ઘણા કોપીકેસ નોંધાયા હતા. ધોરણ-૧૦માંથી ૬ કોપીકેસ અને ધોરણ-૧૨માંથી ૪ કોપીકેસ સામે આવ્યા હતા.બીજા ૪ ડમી કેસ વિવિધ ત્રણ શહેરમાંથી નોંધાયા હતા. બોર્ડ વિભાગે કહ્યું હતું કે આ ચારેય ડમી કેસ પર પોલીસની કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદ જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રમાં પેપર લીક થયાની માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું. તમામ કેન્દ્રોમાંથી મળતા આંકડા પ્રમાણે ડમી સાથે કુલ ૧૪ કેસો નોંધાયા હતા.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે દોઢથી બે લાખ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નાપાસ થયા હતા તે જોઇને આ વખતે શિક્ષણ બોર્ડે માતૃભાષાનું મહત્વ પર નિબંધ પૂછવાનું જરૂરી સમજ્યું. ગુજરાતી ભાષામાં નિબંધમાં માતૃભાષાનું મહત્વ, દીકરી ઘરની દિવડી અને પ્રવાસનું મહત્વ પૂછ્યા હતા. અંગ્રેજી ભાષાના પેપરમાં નિબંધમાં ક્લીન એન્વાયરમેન્ટ અને મોન્સુન ઇન્ડિયા પુછાયા હતા અને હિન્દી ભાષામાં સાહિત્ય ઔર સમાજ, પ્રદુષણ એક વિકટ સમસ્યા અને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા પૂછયા હતા.
